દિલ માંગે મોર નહીં, બિલ માંગે મોર! ખરીદીના બિલ ભેગા કર્યા હશે તો બની જશો કરોડપતિ

GST ચોરી રોકવા મેરા બિલ મેરા અધિકાર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ખરીદીનું બિલ લઈ એપમાં અપલોડ કરતા લોટરી લાગી શકે છે. એક કરોડની લોટરી માટે દર 3 મહિને થશે ડ્રો.

દિલ માંગે મોર નહીં, બિલ માંગે મોર! ખરીદીના બિલ ભેગા કર્યા હશે તો બની જશો કરોડપતિ

નિલેશ જોશી/વાપી: જો આપ ₹200 થી વધુ ની ખરીદી કરી રહ્યા હોય તો ખરીદીનું બિલ લેવાનું ચૂકતા નહીં, કારણ કે ક્યાંક આપને આ બિલ 1 કરોડ રૂપિયાની લોટરી લગાવી શકે છે. જી હા..રાજ્યના કર વિભાગ દ્વારા આજથી જ રાજ્યમાં મેરા બીલ મેરા અધિકાર યોજનાનું લોન્ચિંગ થયું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીના વિશાલ મેગા મોલથી આ યોજનાની શરૂઆત કરાવી છે. 

દેશના પાંચ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજના શરૂ થઈ રહી છે. ત્યારે ખરીદી કરતી વખતે ગ્રાહકો બિલ લેવા પ્રેરાય અને ટેક્સ લીકેજ બંધ થાય તેવા હેતુ સાથે સરકારે શરૂ કરેલી આ મેરા બિલ મેરા અધિકાર યોજનાનો લાભ લેવા ગ્રાહકે આ યોજનાનું એપ ડાઉન લોડ કરી અને એ એપમાં ખરીદીના બિલ અપલોડ કરવા પડશે. ત્યારબાદ આ યોજના અંતર્ગત દર ત્રણ મહિને ડ્રો થશે. જેમાં ત્રણ મહિને થનાર ડ્રોમાં બે ગ્રાહકોને એક એક કરોડનું ઇનામ આપવામાં આવશે. સાથે જ રૂપિયા 10 લાખ થી લઇ 10 હજાર સુધીના પણ ઇનામોની સરકાર આ યોજનામાં ગ્રાહકો ના પ્રોત્સાહન માટે રાખ્યા છે. 

આજે વાપીમાં નાણામંત્રીએ શરૂ કરાવેલી આ યોજનાના આરંભ વખતે રાજ્યના વેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાથી સરકારને આવકમાં વધારો થશે તેવું મનાઈ રહ્યું છે. આજે આ યોજનાના આરંભ વખતે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ ₹200 થી વધુની ખરીદી કરી હતી અને તેનું બિલ લઈ આ યોજનાના એપમાં અપલોડ કરી યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી હતી. 

આ યોજના ને કારણે હવે લોકો ખરીદી કરતી વખતે બિલ લેવા પ્રેરાશે. આજે આ યોજનાના લોન્ચિંગ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ મહત્વકાંક્ષી યોજનાના લાભ વિશે જણાવ્યું હતું અને ગ્રાહકોને કઈ રીતે પ્રોત્સાહન મળશે તે અંગે પણ વાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news