વ્યાજે રૂપિયા આપીને યુવકોની કિડની કાઢી લીધી, ખેડામાં મસમોટા કિડની કૌભાંડનો પર્દાફાશ
Kidney Scam : ખેડાના મહુધામાં ચાલતા કિડની કૌભાંડનો પર્દાફાશ... લોકોને ફસાવી વ્યાજખોરો કરતા હતા કિડનીનો સોદો... ભુમાસ ગામના 10થી વધુ લોકોની કિડની વેચી હોવાની શક્યતા...
Trending Photos
Kheda News : ગુજરાતમાં ફરીથી કિડની કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. આણંદમાં થોડા વર્ષો પહેલા દેવુ કર્યા બાદ કિડની કાઢી લેવાનું કૌભાંડ ખૂલ્યુ હતુ. ત્યારે ફરી એકવાર ખેડામાં કિડની કૌભાંડ બન્યું છે. ખેડાના મહુધા તાલુકામાં કિડની કૌભાંડ થયો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ભુમાસ અને આજુબાજુના ગામોમાં મોટાપાયે કિડની વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. એક શખ્સે આરોપ મૂકતા કહ્યું કે, ભુમાસ ગામમાં 10 થી વધારે લોકોની કિડની વેચાઈ છે. વ્યાજખોર શખ્સ રૂપિયાના ચૂકવે તેની કિડની લઈ લેતો હતો. કિડની આપનારને 2 થી 2.50 લાખ આપવામાં આવતા હતા. ગામનો શખ્સ અને આગળથી ચાલતી મિલીભગતથી આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું.
ગોપાલ પરમાર નામના ગામના જાગૃત નાગરિકે જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને આ વિશે લેખિતમાં રજુઆત કરી છે. તેણે કહ્યું કે, ગામમાં અને આજુબાજુ વિસ્તારોમાં વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતો હતો. યુવકોને ગામમાંથી લઇ જઈ તેમની કિડની કઢાવી લેવામાં આવે છે. સમગ્ર મામલે ગોપાલ પરમારે લેખિતમાં રજૂઆત કરી છે. મહુધા પોલીસે ભુમસ ગામમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ગોપાલ પરમાર નામના યુવકે કહ્યું કે, મને 20 હજાર રૂપિયા 30 ટકાના વ્યાજે આપ્યા હતા. દર મહિને હું ચાર હજાર રૂપિયા ચૂકવતો હતો. પરંતુ મારી સાથે છેતરપીંડી કરી. મને કહ્યું કે, જો તારાથી રૂપિયા ન અપાય, તો તુ મારી સાથે દિલ્હી ચાલ. તારા 20 હજારની સામે 80 હજાર મળશે. અશોકભાઈ નામનો શખ્સ મને લઈ ગયો હતો. મને દિલ્હીમાં લઈ ગયો હતો. જ્યાં હોસ્પિટલમાં મને કહેવાયુ કે, ગોપાલભાઈ તમારી ડાબી સાઈડની કિડની કાલે કાઢવાની છે, આવતીકાલે તમારું ઓપરેશન છે. મેં હા પાડી. પરંતુ રાતે 12 વાગ્યે હું ત્યાંથી ભાગી ગયો હતો. અહી આવીને મેં ફરિયાદ કરી. પાંચ વર્ષથી કામ ચાલે છે, વ્યાજના રૂપિયાના સમાધાનમાં આ રીતે કિડની કઢાવી લેવાય છે. ગામના 15 જેટલા યુવકો ફસાયા છે. અશોકભાઈ ગામની બહાર દુકાન ધરાવે છે, અને આ રીતે ગ્રાહકો શોધે છે.
બે વર્ષ પહેલા સુરતથી પકડાયુ હતુ કિડની કૌભાંડ
વર્ષ 2021 માં ભારતની અલગ-અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ બનાવી તેમાં કિડની વેચવાથી (kidney sale) ચાર કરોડ રૂપિયા મળશે તેવી જાહેરાત મૂકી અલગ-અલગ લોકો સાથે વિશ્વાસઘાત કરનાર વેસ્ટ આફ્રિકાના ભેજાબાજને સુરત સાયબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. તેણે પોતાના અલગ-અલગ સાથી મિત્રો સાથે મળીને દેશની જાણીતી રિલાયન્સ, ફોર્ટિસ, ટાટા મેમોરિયલ, ગાર્ડન સિટી, લીલાવતી, મેક્સ સુપર અને એપોલો જેવી હોસ્પિટલોની નકલી વેબસાઈટો બનાવતો હતો. આ વેબસાઇટમાં કિડની સેલ કરવાથી 4 થી 7 કરોડ રૂપિયા આપશે તેવી લાલચ આપતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે