ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની રાજનીતિમાં થશે 3 સૌથી મોટા ધડાકા, ઘરભેગા થશે મોટા માથા!

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં પરિણામો જાહેર થયા બાદ ગુજરાતમાં થઈ શકે છે મોટી ઊથલપાથલ. ખાસ કરીને ગુજરાતમાં સરકાર અને સંગઠનનું માળખું બદલાઈ શકે છે. ગુજરાતમાં કોના-કોના પર છે ભાજપ હાઈકમાન્ડની ભાજપ નજર એ પણ જાણી લો.

ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની રાજનીતિમાં થશે 3 સૌથી મોટા ધડાકા, ઘરભેગા થશે મોટા માથા!

Gujarat Politics: ભાજપે લોકસભાની ચૂંટણીઓમાં અબકી બાર 400 પાર...ના ટાર્ગેટ સાથે ચૂંટણી કેમ્પેઈન શરૂ કર્યું હતું. એમાં વળી ભાજપની ગુજરાતની ટીમે તો હાઈકમાન્ડને સારું લગાડવા રાજ્યની 26 માંથી 26 સીટો 5 લાખની લીડથી જીતવાનો દાવો પણ કરી દીધો હતો. જોકે, 7 મી મે ના રોજ મતદાન થયું અને ગરમીની સિઝનમાં નીરસ મતદાન કરીને મતદારોએ ભાજપને 'ગરમી' બતાવી છે.

ભાજપમાં અંદરખાને સ્થિતિ ખૂબ તંગ

સમાન્ય રીતે રાજકીય ગણિત એવું રહ્યું છેકે, વધુ મતદાન થાય તો તેનો લાભ ભાજપને મળે છે. પણ આ વખતે મતદાન ઓછું થયું તો એનું નુકસાન પણ ભાજપને જ ભોગવવાનો વારો આવશે. એવામાં ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન અને આંતરિક ખેંચતાણ, ટિકિટોની વહેંચણીમાં નારાજગી અને કોંગ્રેસના આયાતી ઉમેદવારોને લ્હાણી સહિતના મુદ્દાઓથી ભાજપમાં અંદરખાને સ્થિતિ ખુબ તંગ રહી છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 20, 2024

ભાજપે શરૂ કરી છે પક્ષના વિભીષણોને શોધવાની કામગીરીઃ
વિવિધ વિષમ સ્થિતિઓની વચ્ચે ગુજરાતમાં ચૂંટણી યોજાઈ થઈ અને ધાર્યા કરતા મતદાન ઘણું ઓછું થયું. આ સ્થિતિમાં ગુજરાતની તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવાનો ભાજપનો ફૂગ્ગો તો ફૂટી ગયો. પણ હવે ભાજપ એ મામલે મંથન કરી રહ્યું છેકે, આખરે ચૂંટણીમાં વિભીષણની ભૂમિકા કોણે-કોણે ભજવી.

ભાજપ હાઈકમાન્ડ પણ એક્ટિવ

ભાજપ હાઈકમાન્ડ એ મામલે પણ તપાસ કરી રહી છે કે, આખરે ચૂંટણીમાં નિરસ મતદાનની પાછળ પક્ષના કયા નેતાઓ અને મંત્રી જવાબદાર છે. પક્ષમાં રહેલાં વિભીષણોને શોધવા માટે ભાજપ ગુજરાત પોલીસ, આઈબી, સિનિયર પત્રકારો, સ્થાનિક આગેવાનો અને પક્ષના વિશ્વાસુઓની મદદ લઈ રહ્યું છે. 

પરિણામો બાદ કોને કોને કરવામાં આવશે ટાર્ગેટ?
રાજકીય પંડિતોના મતે ગુજરાત ભાજપના કયા નેતાઓનું ચૂંટણીમાં પરર્ફોમન્સ ખરાબ રહ્યું છે અને કયા નેતાઓએ જાણી જોઈને નિરસતા દાખવીને પક્ષ સાથે ગદ્દારી કરી છે. કયા નેતાઓએ જાણી જોઈને પાછલાં બારણે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ કર્યા છે. પક્ષના ગદ્દારો અને વિભીષણોને ભાજપ શોધી રહ્યું છે. પરિણામો બાદ આ તમામને ટાર્ગેટ કરવામાં આવશે.

ગુજરાતમાં મોટા ફેરફાર જોવા મળશે

આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને ભાજપ હાઈકમાન્ડ હાલ તપાસ કરાવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ ગુજરાતમાં મોટા ફેરફાર જોવા મળશે. ભાજપ હાઈકમાન્ડ ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં ધળમૂળથી ફેરફાર કરીને મોટા ધડાકા કરી શકે છે. 

લોકસભાના પરિણામો બાદ ગુજરાતમાં થશે ત્રણ મોટા ફેરફાર!

1. પાટીલના બદલે ગુજરાત ભાજપને મળશે નવા કેપ્ટનઃ
લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ગુજરાત સરકાર અને સંગઠનમાં કુલ ત્રણ મહત્વના ફેરફારો થશે. જો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવે તો પહેલો બદલાવ ભાજ૫ ના સંગઠનમાં આવી શકે તેમ છે. રાજ્યના હાલના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો વધારાનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે તેથી તેમને કેન્દ્રની કેબિનેટમાં સ્થાન આપીને ગુજરાત માટે નવા પ્રદેશ પ્રમુખની વરણી કરાશે.

સરકારમાં હાલ સીએમ પાટીદાર

જેમાં જ્ઞાતિગત સમીકરણો પણ જોવામાં આવતા હોય છે. એ રીતે સરકારમાં હાલ સીએમ પાટીદાર છે તો સંગઠનમાં કોઈ ઓબીસી ચહેરાને પ્રમુખ બનાવી શકે છે ભાજપ. આ સાથે જ સંગઠનની ટીમમાં પણ ફેરફાર થશે. લોકસભાના રિઝલ્ટ બાદ ગુજરાતમાં પણ મોટા ફેરફાર થાય તેવી પૂરી સંભાવના છે. 

2. સરકારના નબળા મંત્રીઓને કરાશે ઘરભેગા, નવા ચહેરા આવશેઃ
લોકસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરીને જો નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બનશે તો ત્યાર બાદ દેશના અન્ય રાજ્યોની સાથો સાથ ગુજરાતની ચૂંટણીમાં પણ કોણે શું અને કેટલું કામ કર્યું તેનો હિસાબ લેવામાં આવશે. જેમાં નબળી અને જાણી જોઈને નિરસ કામગીરી કરનાર નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. જે અંતર્ગત ગુજરાત સરકારના મંત્રી મંડળમાંથી નિરસ કામગીરી કરનારા સરકારના મંત્રીઓની બાદબાકી થઈ શકે છે.

મંત્રીમંડળમાં થઈ શકે છે ફેરફાર

મહત્વના ફેરફારમાં એ થઈ શકે છેકે, ગુજરાત સરકારના કેબિનેટનું વિસ્તરણ કરાશે, જેમાં ત્રણથી ચાર મંત્રીઓને પડતા મૂકીને મુખ્યમંત્રી કુલ છથી સાત નવા સભ્યોનો ઉમેરો કરશે. જેમના સ્થાને નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. ચૂંટણીના પરિણામો બાદ તુરંત ગુજરાતમાં આ એક મોટો ફેરફાર થઈ શકે છે. 

3. ગુજરાતમાં અધિકારીઓની મોટા પાયે બદલી કરાશેઃ
ત્રીજા મોટા ફેરફારની વાત કરવામાં આવે તો રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે અધિકારીઓની ફેરબદલ કરાશે, જેમાં પોલીસ બેડાનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ જે જે વિસ્તારમાં જાણી જોઈને પદાધિકારીઓ અને નેતાઓ નિષ્ક્રીય રહ્યાં છે તેમનો પણ અલગથી રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news