ભાવનગરનું ગંગાજળિયા તળાવ બની ગયું ઉકરડો, લોકોએ કચરો ફેંકીને ફેલાવી ગંદકી
ભાવનગર શહેરમાં આવેલ ગંગાજળિયા તળાવની સ્થિતિ ખરાબ બની ગઈ છે. અહીં લોકો પાણીમાં કચરો નાખતા હોવાથી તળાવમાં ગંદકી ફેલાઈ છે. લોકોએ આ ઐતિહાસિક તળાવની દશા બગાડી નાખી છે.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર શહેરના મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવ ગંદગીનો પર્યાય બની ગયું છે. તળાવમાં પાણીની જગ્યાએ ફક્ત ગંદકી વહી રહી છે. લોકોએ કચરો ફેંકીને તળાવને ઉકરડો બનાવી દીધું છે, જ્યારે તંત્ર મૂક દર્શક બનીને તમાશો જોઈ રહ્યું છે. આ દ્રશ્યો છે ભાવનગર શહેરની એક ઓળખ એવા ગંગાજળિયા તળાવના, તળાવમાં જે રીતે ગંદકીના થર તરી રહ્યા છે, તેને જોતાં આ જગ્યાને તળાવ કહેવું અતિશયોક્તિ ગણાશે. જો કે ઐતિહાસિક જગ્યા હોવાથી તેને તળાવ કહેવું જરૂરી છે.
જૂના ભાવનગર શહેરના લોકોને પાણી મળી રહે એ માટે રજવાડાના સમયમાં ગંગાજળિયા તળાવ તૈયાર કરાયું હતું. સમય જતાં તળાવનું ક્ષેત્રફળ ઘટીને અડધું રહી ગયું છે. મહાનગર પાલિકાએ થોડા સમય પહેલા કરોડો રૂપિયાનો ખર્ચ કરી તળાવની ફરતે હરવાફરવા માટેનું સ્થળ બનાવ્યું છે, આસપાસની જગ્યાની સુંદરતા વધારી છે, પણ તળાવના હાર્દ એવા પાણીની ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું ભૂલી જવાયું. જેનું પરિણામ તમારી સામે છે.
તળાવની આસપાસ આવેલી દુકાનો, સોસાયટીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડાતા અને રસ્તા પરથી પસાર થતા લોકો કચરાપેટી સમજીને તળાવમાં કચરો નાંખતા હોવાથી તળાવ કચરાપેટી બની ગયું છે. સમગ્ર તળાવમાં પ્લાસ્ટિક સહિતનો કચરો તરતો જોવા મળે છે. લીલ સહિતની વનસ્પતિએ પણ તળાવના પાણીને દુષિત બનાવ્યું છે.
ગંગાજળિયા તળાવમાં છોડવામાં આવતું ફિલ્ટરનું વેસ્ટ પાણી છેલ્લા 2 મહિનાથી બંધ કરાતા પાણીમાં ઑક્સિજનના લેવલમાં પણ ઘટાડો નોંધાયો છે, જેનો ભોગ પેઇન્ટેડ સ્ટોર્ક, કોરમોરન્ટ અને બતક સહિતની પ્રજાતિના પક્ષીઓ બની રહ્યા છે. તળાવમાં નવું પાણી ન ઉમેરાતા શેવાળનું પ્રમાણ અનેક ગણું વધી જતા તમાં ફસાઈને પક્ષીઓનાં મોત થઈ રહ્યા છે. ઓક્સિજનના અપૂરતા લેવલને કારણે જળચર જીવોને પણ માઠી અસર થઇ રહી છે.
ગંગાજળિયા તળાવની આસપાસ સિક્યુરિટીની કોઈ જ વ્યવસ્થા નથી. તળાવના પાણીમાં પ્રદૂષણ હદ વટાવી જતા તંત્ર મોડે મોડેથી પણ હરકતમાં આવ્યું છે અને તળવાના શુદ્ધિકરણ માટે કેટલાક લોકોને રોક્યા છે. તંત્રએ તળાવના શુદ્ધિકરણની કામગીરી તો શરૂ કરી છે, પણ આ કામગીરીને પરિણામ સાથે પૂરી કરવી અને તળાવને હંમેશા પ્રદૂષણથી બચાવવું પણ જરૂરી છે. સ્વચ્છતા અભિયાન માત્ર રસ્તા રસ્તા પરના કચરાને જ લાગુ ન પડવું જોઈએ. તળાવને સ્વચ્છ રાખવું પણ તંત્રની પ્રાથમિક ફરજમાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે