અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા, વેપારીઓએ સરકાર પાસે કરી આ માંગ

Bhavnagar News : અલંગના શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર મંદીનો માર..ભંગાણ માટે આવતા જહાજોની ઘટી આવક...ઉદ્યોગને બેઠો કરવા BISના નિયમોમાં ફેરફારની માંગ...

અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા, વેપારીઓએ સરકાર પાસે કરી આ માંગ

Alang ship breaking yard : ભાવનગર જિલ્લામાં આવેલો અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગ મંદીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી અલંગ ખાતે જહાજોની આવક ઘટી છે, ત્યારે તેને ફરી વેગવંતો બનાવવા અને તેની સાથે સંકળાયેલા અન્ય ઉધોગોને પણ ગતિમાન કરવા BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) ના નિયમોમાં ફેરફાર કરવો જરૂરી છે. કેન્દ્ર સરકાર પણ કમર કસી રહી છે. ત્યારે BIS ના નિયમઓમાં ઝડપથી રાહત આપે તો અલંગ ઉદ્યોગ ફરી ધમધમતો થઈ શકે છે. 

ભાવનગર જિલ્લાનો સૌથી મોટો ગણી શકાય એવો અલંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ હાલ ભારે મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે, કોરોના બાદ અલંગમાં ભાંગવા માટે આવતા જહાજોની સંખ્યામાં ક્રમશ ઘટાડો જોવા મળી રહ્યો છે, અગાઉ અલંગના 100 થી વધુ પ્લોટમાં એક સાથે ધમધમાટ જોવા મળતો હતો. પરંતુ હાલ માત્ર 20 થી 25 પ્લોટમાં જહાજ ભાંગવાની કામગીરી થઈ રહી છે. જેમાં જહાજની આવકમાં નોંધાયેલો ધરખમ ઘટાડો જવાબદાર ગણી શકાય. ઇન્ટરનેશનલ માર્કેટમાં હાલ સ્ક્રેપ માટે લાવવા ખૂબ ઓછા જહાજો ઉપલબ્ધ હોવાથી પણ જહાજોની આવકમાં ઘટાડો નોંધાયો છે.

શિપ રિસાઈકલિંગ એસોસિયેશનના સેક્રેટરી હરેશભાઈ પરમારે જણાવ્યું કે, વૈશ્વિક પરિબળોને કારણે જહાજ માલિકો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં સસ્તી અને ઓછી નિયમવાળી સુવિધાઓ પસંદ કરવાના કારણે શિપ ઉધોગને માઠી અસર થઇ હતી, ત્યારે અલંગ શિપ રિસાયક્લિગ ઉધયોગને ફરી વેગવંતો બનાવવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ બની છે, જે માટે 2.5 ટકા કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે, HKC યાર્ડમાં પણ 50 ટકા રાહત તેમજ EU અને HKC પ્રમાણેના જહાજો લાવવા માટે સરકાર સારી કામગીરી કરી રહી છે. બીજી તરફ BIS ના નિયમોમાં ફેરફાર કરવા માટે પણ સરકાર પ્રયત્નશીલ બની છે, જે માટે ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને શિપ ઉધોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જહાજમાંથી નીકળતી પ્લેટોમાંથી BIS સ્ટાન્ડર્ડના સળિયા બનાવવા માટે નિયમોમાં બનતા ફેરફાર કરવા સરકાર પ્રયત્નશીલ હોવાનું કેન્દ્રીય મંત્રીએ જણાવતા આગામી થોડા મહિનામાં અલંગ શિપ રિસાયક્લિગ ઉદ્યોગ ફરી ધમધમતો થઈ જશે એવી આશા શિપ ઉધોગકારોએ વ્યક્ત કરી હતી.

તો  રી-રોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ પટેલે જણાવ્યું કે, અલંગ શિપ યાર્ડમાં ભાંગવામાં આવતા જહાજો માથી નીકળતી લોખંડની પ્લેટ માથી અગાઉ TMT બાર, સળિયા સહિતની વસ્તુઓ બનાવવામાં આવતી હતી, પરંતુ વર્ષ 2008માં BIS ના નવા નિયમોનું અમલિકરણ કરવામાં આવતા જહાજની પ્લેટમાંથી સળીયા બનાવવા માટેના કાચા માલ તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, તત્કાલીન સ૨કા૨ દ્વારા જેમાં હંગામી મોકૂફીના નિર્ણય લેવાયા હતા. જેના કારણે જહાજની પ્લેટનો કાચા માલ તરીકે ઉપયોગ કરી સળિયા બનાવવાનું કાર્ય અટકી પડતા અનેક રોલિંગ મિલો મૃતપાય બની હતી, ત્યારે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સ્ટીલ વપરાશના નિયમોમાં ફેરફારથી શિપ બ્રેકિંગ ઉદ્યોગને ફરી વેગવાન બનાવી શકાય. હાલ કેન્દ્ર સરકાર શિપ રીસાકલિંગ ઉદ્યોગને પુનઃ ધમધમતો કરવા માટે શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે. ત્યારે BIS ની સમસ્યા ઉકેલવા ઝડપથી નિર્ણય કરવામાં આવેતો બંધ પડેલી રોલિંગ મિલો ફરી ધમધમી ઉઠે જેના કારણે હજારો લોકોને રોજગારી મળી રહે અને સરકારની રેવન્યુની આવકમાં પણ ખૂબ વધોરો થઈ શકે છે. જોકે નિયમોમાં ફેરફાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચતા બંને ઉદ્યોગને ફાયદો થશે એવું રોલિંગ મિલ એશોશિયેશનના પ્રમુખે જણાવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news