ભાવનગરની ધરતી રક્તરંજિત બની : માત્ર 12 કલાકમાં ત્રણ અકસ્માત, કુલ 6 મોત
Bhavnagar Accident : ભાવનગરનો રવિવાર ગોઝારો સાબિત થયો છે, ત્રણ અલગ અલગ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, બે અકસ્માતમાં 6 લોકોના મોત, તો વડોદરાના ટ્યુશન ક્લાસની બસને પણ ભાવનગરમાં અકસ્માત નડ્યો હતો
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગરમાં આજનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. રવિવારે અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. માત્ર 12 કલાકમાં ભાવનગરમાં ત્રણ અકસ્માતો થયા હતા. ઉપરાઉપરી થયેલા ત્રણ અકસ્માતોમાં 6 લોકોના મોત થયા હતા. ભાવનગરની ધરતી રક્તરંજિત બની હતી.
પ્રથમ અકસ્માત
ભાવનગર જિલ્લાના સનેસ ગામ નજીક પૂરપાટ ઝડપી આવી રહેલા ટ્રકે પદપાળા નીકળેલા યાત્રાળુઓના સંઘને અડફેટે લેતાં ભાવનગર- અમદાવાદ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. ચાલીને ભાવનગરના રાજપરા ખોડિયાર માતાજીના દર્શને આવી રહેલા સાત યાત્રાળુઓને અડફેટે લેતાં ત્રણ યાત્રાળુના સ્થળ પર જ મોત થયાં છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હિટ એન્ડ રન ની ઘટના સર્જીને ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં હાઇવે પરથી સાઈડમાં પાર્ક કરેલી ટ્રક મળી આવતા પોલીસે ટ્રકને કબ્જે લઈ ફરાર થઈ ગયેલા ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત યાત્રાળુઓને 108 દ્વારા તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ચંદ્રાસણ ગામના પિતા-પુત્ર અને વરસોલા ગામના એક વ્યક્તિ સહિત ત્રણ યાત્રાળુઓના મોત નીપજ્યા છે.
પગપાળા સંઘને અજાણ્યા વાહને અડફેટે લીધી
છેલ્લા 37 વર્ષથી વરસોલાના લોકો પગપાળા સંઘ લઈને ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે દર્શન માટે આવે છે, દર વર્ષની ચૈત્રી નવરાત્રિના પ્રારંભે પ્રસ્થાન કરી આઠમના દિવસે રાજપરા ખોડિયાર મંદિર પહોંચી માતાજીના દર્શન કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ રાબેતા મુજબ 9 તારીખ ને એકમ ના રોજ વરસોલા ગામ થી નીકળી ખેડા, વટામણ, પીપળી અને ઘોલેરા થઈ ગનેશગઢ નજીક રોકાણ કર્યું હતું, ઉઘાડા પગે યાત્રા કરવાની હોય ફરી રાત્રે ચાલવાનું શરૂ કર્યું હતું, જ્યાં વહેલી સવારે 4 આસપાસ સનેસ ગામ પસાર થઈ રહ્યા હતા ત્યાંરે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે પાછળથી એક સાથે સાત જણને અડફેટે લીધા હતા. જેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
અકસ્માતની ઘટનામાં જિલ્લાના વેળાવદર ભાલ પોલીસે તપાસ હાથ ધરી છે, અકસ્માત વહેલી સવારે 4:00 વાગ્યા આસપાસ બન્યો હતો. યાત્રાળુઓ માતાજીના દર્શનાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રક ચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા. જ્યારે બીજા ચાર ઈજાગ્રસ્ત થયા હતા. જે અનુસંધાને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને ટ્રક ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હોવાનું ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું.
મૃતકોનાં નામ
1. વિજય ગઢવી, ચંદ્રાસણ ગામ. ઉ.વ.28
2. ધીરુભાઈ ગઢવી, ચંદ્રાસણ ગામ. ઉ.વ.50
3. પ્રતાપસિંહ ચૌહાણ, વરસોલા ગામ. ઉ.વ.30
બીજો અકસ્માત
પીપળી વટામણ હાઈવે પર ભોળાદ પાટિયા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર કાર અને ટ્રક સામસામે ટકરતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાં બે લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતને પગલે પીપળી, વટામણ, ફેદરા, ધંધુકા એમ ચાર જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્રીજો અકસ્માત
ભાવનગર મહુવા નેશનલ હાઈવે પર દેવળિયાના પાટીયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ખાનગી બસ સર્જાયેલ અકસ્માતની ઘટનામાં 15 લોકોને ઈજા પહોંચી હતી. ભયાવહ અકસ્માતમાં ખાનગી બસ અને ટ્રકના આગળનો ભાગ તૂટીને બહાર આવી ગયો હતો. ખાનગી બસમાં વડોદરાના ટ્યુશન ક્લાસનાં વિદ્યાર્થીઓ સવાર હતા. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની હાલત ગંભીર છે, જેને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે