ભાવેશ રોજીયાને DG કમેન્ડેશન એવોર્ડ એનાયત, ભલભલા અધિકારીઓ આ એવોર્ડ માટે તરસે છે, ગુજરાતમાં માત્ર એક અધિકારી પાસે જ આ એવોર્ડ
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાત પોલીસ પર અવારનવાર અવનવા આક્ષેપો થતા રહે છે. કેટલાક એવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે જેના કારણે પહેલાથી જ પોલીસની મલિન ઇમેજ વધારે ગોબરી થાય છે. જો કે આ તમામ વચ્ચે હજી પણ એવા કેટલાક અખંડ દીવા છે જેને જોઇને પોલીસની રહીસહી આબરૂમાં ઇજાફો જરૂર થાય છે. આવા અધિકારીઓના ખભે જ સમગ્ર ડિપાર્ટમેન્ટ ટકી રહ્યો હોય તેવું લાગે છે. સમયાંતરે આવા અધિકારીઓનું સન્માન તો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતું જ રહે છે પરંતુ આવા અધિકારીઓને પ્રત્યે ડિપાર્ટમેન્ટ પણ એક માનભર્યો દ્રષ્ટીકોણ ધરાવે છે. આવા અધિકારીઓનું અદકેરુ સન્માન થાય છે.
ગુજરાત ATS ના ડીવાયએસપી ભાવેશ રોજીયા આવા જ એક અધિકારી છે. જેમણે રાજકીય કાવાદાવા કે ખેંચતાણમાં પડ્યાં વગર ગુજરાતનાં યુવાધનને બરબાદ કરનારા દુષણો અને તેના આરોપીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. ભાવેશ રોજીયાએ 920 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની હાલમાં આશરે બજાર કિંમત 5 હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારે થાય છે. તેમની આ પ્રશંસનીય કામગીરી માટે તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાતની યુવાપેઢીને બચાવવા માટેનો જોગ લીધો હોય તેમ એક પછી એક સફળ ઓપરેશન પાર પાડ્યા છે. સૌથી વધારે ડ્રગ્સ સિઝ કરવા માટે MHA ને ભલામણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ બહુમાન અત્યાર સુધી માત્ર એક જ અધિકારી હિમાંશુ શુક્લાને મળ્યું હતું. તેઓ પણ એટીએસમાં ફરજ બજાવી રહ્યા છે. હવે ભાવેશ રોજીયાને પણ આ બહુમાન પ્રાપ્ત થયું છે. અત્રે નોંધનીય છે કે, રોજીયાની અગાઉ પણ અનેક સિમાચિન્હ રૂપ કામગીરી કરી ચુક્યા છે. ગોરધન ઝડફિયા પર હૂમલો કરવા આવેલા છોટા શકીલનાં શાર્પ શુટરને જીવ સટોસટની બાજી રમીને ઝડપી લીધો હતો.
ગત સપ્ટેમ્બર 2021માં ઈરાનથી શ્રીલંકા જવા નિકળેલી બોટને મધદરિયે ઝડપી લઈ તેમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 150 કરોડની કિંમતના 50 કિ.ગ્રા. હેરોઈન જપ્ત કરવાની સાથે બોટમાં સવાર સાત વ્યક્તિઓની અટકાયત કરી તેમાં મહત્વની કામગીરી અને બાતમી મેળવીને સફળતા પુર્વક સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે