બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન, સુરતમાં પથ્થરમારામાં 1ને ઇજા
CAA અને NRC ના વિરુદ્ધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારત બંધ એલાન દરમિયાન 500થી વધુ લોકોના ટોળા દ્વારા સુરતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પથ્થરમારો સુરતના લિંબાયત વિસ્તારમાં થયો હતો.
Trending Photos
ચેતન પટેલ, સુરત: CAA અને NRC ના વિરુદ્ધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારત બંધ એલાન દરમિયાન 500થી વધુ લોકોના ટોળા દ્વારા સુરતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પથ્થરમારો સુરતના લિંબાયત વિસ્તારમાં થયો હતો.
ભારત બંધના એલાનની અસર સુરતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. ખાસ કરીને સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારોની ઘટના પણ સામે આવી હતી. જેમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો છે.પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે રાયોટિંગ નો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ભારત બંધ એલાન વચ્ચે સુરતના અતિસંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયત વિસ્તારમાં પોલીસ કાફલા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બંધના એલાનના પગલે વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં પણ મદીના મસ્જિદની આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત હતો.
બંધના એલાનને પગલે CAA અને NRC ના વિરુદ્ધ માં કેટલાક લોકોએ સ્વયંભુ બંધ પાડયો હતો. આ બંધના સમયે મદીના મસ્જિદની આસપાસ ઊભા થયેલા પોલીસ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે.
હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાથે બંધનો એલાન કરનારા લોકોની પુછપરછ હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં ઘટનામાં કેટલાક લોકોની પોલીસે અટકાયત પણ કરી હોવાનું જાણવા મળે છે.
વડોદરામાં મિશ્રપ્રતિસાદ
સમગ્ર ભારતભરમા CAA અને NRC ના કાયદા ના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે વડોદરાના ડભોઇ માં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેમાં મુસ્લિમ વેપારીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખી CAA અને NRC કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સંદર્ભે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે તેને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ડભોઇ ટાવર ચોક ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો.
સાબરકાંઠા
ભારત બંધનું એલાનના સમર્થનમાં સાબરકાંઠા જીલ્લામાં જમીયતે ઉલેમા દ્વારા બંધમાં જોડાયા હતા અને સાબરકાંઠા જીલ્લામાં જમીયતે ઉલેમા દ્વારા બંધ રાખવા જાણ કરાઈ હતી. જેને લઈને સાબરકાંઠા જીલ્લામાં મુસ્લિમ વિસ્તારમાં બજારો અને હોટલો સજ્જડ બંધ રાખવામાં આવી હતી. તો બંધ વિરોધમાં આજે હિંમતનગર ના મુસ્લિમ વિસ્તારોમાં હાજીપુરા,ઝાહીરાબાદ,સવગઢ,પાણપુર સહીતના મુસ્લિમમાં સજ્જડ બંધ રહ્યા છે. મુસ્લિમ સમાજના તમામ લોકોએ પોતાના વેપાર ધંધા અને રોજગાર બંધ રાખી ભારત બંધનું સમર્થન જાહેર કર્યું છે. હિંમતનગરનું જુના બજાર,હુસૈની ચોક,છાપરીયા,પાણપુર અને આરટીઓ સર્કલ વિસ્તાર માં આવેલ તામામ મુસ્લિમ સમાજ ના લોકો એ સ્વયંભુ બંધ પાડ્યો છે. હિંમતનગર સહીત જીલ્લામાં તમામ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મોરબી
મોરબી જીલ્લા મુસ્લીમ-દલિત એકતા સમિતિ દ્રારા કલેકટર કચેરીની સામે ધરણા કરવામાં આવ્યા હતા અને તે સમયે ભારતીય સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા લોકોએ લગાવેલ હતા. એનઆરસી, એનપીઆર, સીએએમાં ક્ષતિઓ છે તેવુ કહ્યુ હતું. ચુંટણી પ્રક્રિયામાથી ઇવીએમ હટાવવાની મોરબી જીલ્લા મુસ્લીમ-દલિત એકતા સમિતિ દ્રારા માંગ કરવામાં આવી છે. વર્તમાન સરકાર દ્વારા બંધારણમા છેડછાડ કરવામાં આવી રહી છે તેવો પ્રહાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગવારે સીએના મુદ્દે દુષ્પ્રચાર અને ભારત બંધના વિરોધમાં સુરતના ચોંટા બજાર ખાતે મોટા મંદિર યુવક મંડળ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બજારમાં ફરીને લોકોને બંધ ન રાખવા અપીલ કરવામાં આવી હતી.
ભારત બંધના એક દિવસ પહેલાં સુરતના ચોટા વિસ્તારમાં તેના વિરૂદ્ધ જાહેર સભા અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા કાઢવામાં આવી હતી. હાથમાં તિરંગા અને બેનર લઈ લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ સીએના દુષ્પ્રચાર માં ન આવી દુકાનો ચાલુ રાખે.
29 તારીખના રોજ અનેક સંસ્થાઓ દ્વારા CAA ના વિરોધ માં વ્યાપાર રોજગાર બંધ નું એલાન આપ્યું છે. જેનો મોટા મંદિર યુવક મંડળ દ્વારા વિરોધ વ્યક્ત કરી એક જાહેર સભાનું આયોજન કર્યુ હતું. જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો બંધ રાખશે પરંતુ કેટલાક એવા લોકો પણ છે જે બંધ પાળશે નહીં..
મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે આ કાયદાથી સમાજના લોકોને નુકસાન નથી અને તેઓની નાગરિકતા પણ જશે નહીં. ઉલ્લેખનીય છે કે આ બજારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે તેઓ કેટલાક સંસ્થાઓને એલાન બાદ બંધ ન પાડે તે હેતુથી મોટા મંદિર યુવક મંડળ દ્વારા આ જાહેર સભાનું આયોજન કર્યું હતું અને છે સીસીએના સમર્થનમાં સહી ઝુંબેશ પણ રાખી હતી.
પંચમહાલ
ભારત બંધ એલાનને પગલે ગોધરાનો પશ્ચિમ વિસ્તારમાં આવેલા બઝારોમાં બંધની અસર જોવા મળી
ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોલન બઝાર, જહુરપુરા શાક માર્કેટ વિસ્તારો સજ્જડ બંધ
બંધને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
અરવલ્લી
-મોડાસામાં CAA અને NRC ના વિરોધમાં લઘુમતી વિસ્તારમાં સજ્જડ બંધ
-પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
છોટાઉદેપુર
ભારત બંધને છોટાઉદેપુર જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ
SC, ST અને લઘુમતીઓએ બંધ ના સમર્થનમાં દુકાનો બંધ રાખી
ભાવનગર
CAA ના વિરોધમાં ભારત બંધ ના એલાન ના પગલે ભાવનગરમાં મુસ્લિમ વિસ્તારો રહ્યા સજ્જડ બંધ
શહેરની મુખ્ય બજારોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
ભાવનગરમાં બંધને સફળ કરાવવા નીકળેલા બહુજન મોરચા ના કાર્યકરોની અટકાયત
શહેરના જશોનાથ સર્કલ માં બહુજન મોરચાના કાર્યકરોની પોલીસે કરી અટકાયત
કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત
1400 જેટલા પોલીસ જવાનો તેમજ 1000 જેટલા હોમગાર્ડ ના જવાનો બંદોબસ્તમાં તૈનાત
વ્રજ તેમજ અશ્વ સવાર પોલીસ નું સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
સોશિયલ મીડિયા ઉપર પણ રાખવામાં આવી રહી છે નજર
ભરૂચ
વિવિધ સંગઠનોએ એકટના વિરુધ્ધમાં આપ્યું ભરૂચ બંધનું એલાન
જિલ્લામાં સવારથી બંધની આંશિક અસર
શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ જોવા મળી બંધની અસર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે