ઘરે-ઘરે નાસ્તામાં ખવાતા ભજીયા-જલેબી ગુજરાતના આ મંદિરમાં પ્રસાદ તરીકે અપાય છે, જેની પાછળ છે એક માન્યતા

મેળા તો તમે ઘણા જોયા હશે પરંતુ જલેબી-ભજીયાનો મેળાઓ તમે જોયો નહિ જ હોય. જો આવો મેળો માણવો હોય તો મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે જવું પડે. કેમ કે ત્યાં વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાજીના મંદિરે શ્રાવણ વદ નોમથી ત્રણ દિવસનો મેળો ભરાય છે, જેમા વાંકાનેર અને તેની આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટે છે અને ખાસ કરીને મહાઆરતી પછી મંદિરે આવેલા દરેક ભક્તોને પ્રસાદમાં ભજીયા-જલેબી આપવામાં આવે છે. આ પ્રસાદ ખાવાથી લોકો વર્ષ દરમ્યાન બીમારી પડતા નથી તેવી માન્યતા છે. આ માન્યતાને પગલે હજારોની સખ્યામાં લોકો મંદિરે દર્શન કરવા આવે છે. 
ઘરે-ઘરે નાસ્તામાં ખવાતા ભજીયા-જલેબી ગુજરાતના આ મંદિરમાં પ્રસાદ તરીકે અપાય છે, જેની પાછળ છે એક માન્યતા

હિમાંશુ ભટ્ટ/મોરી :મેળા તો તમે ઘણા જોયા હશે પરંતુ જલેબી-ભજીયાનો મેળાઓ તમે જોયો નહિ જ હોય. જો આવો મેળો માણવો હોય તો મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે જવું પડે. કેમ કે ત્યાં વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાજીના મંદિરે શ્રાવણ વદ નોમથી ત્રણ દિવસનો મેળો ભરાય છે, જેમા વાંકાનેર અને તેની આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટે છે અને ખાસ કરીને મહાઆરતી પછી મંદિરે આવેલા દરેક ભક્તોને પ્રસાદમાં ભજીયા-જલેબી આપવામાં આવે છે. આ પ્રસાદ ખાવાથી લોકો વર્ષ દરમ્યાન બીમારી પડતા નથી તેવી માન્યતા છે. આ માન્યતાને પગલે હજારોની સખ્યામાં લોકો મંદિરે દર્શન કરવા આવે છે. 

જલેબી ને ભજીયાનો મેળો આ સાંભળીને જ કોઇપણ વ્યક્તિને નવાઇ લાગે, પરંતુ આ વાત સો ટકા સાચી છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ નાગાબાવાના મંદિર ખાતે દર શ્રાવણ મહિનામાં નોમની રાતથી ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં મહાઆરતી પછી ભક્તોને જલેબી અને ભજીયાનો પ્રસાદ અપાય છે. એવું કહેવાય છે કે, વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણ સંતોનો ઈતિહાસ જોડાયેલા છે અને નાગાબાવાને વાંકાનેરના રાજાએ ગુરુ બનાવ્યા હતા અને વાંકાનેર વસવાટમાં નાગાબાવાના આશીર્વાદ છે.  

https://lh3.googleusercontent.com/-NaM8AbC5G5o/XWSWeeRksJI/AAAAAAAAI0E/Os4vyJ_LbYE08jSpz7ds1DgN0SpMY3SlQCK8BGAs/s0/Bhajiya_Melo_Morbi.JPG

નાગાબાવા મંદિરના મહંત જગદીશગીરી ગોસ્વામી આ સાથે જોડાયેલા ઈતિહાસ વિશે જણાવે છે કે, એવું પણ કહેવામાં આવે છે કે વાંકાનેરમાં નાગાબાવા અને શાહબાવા ગઢીયા ડુંગરમાં પૂર્ણ કુટિર બનાવી રહેતા હતા. એક દિવસ ધાંગધ્રા સ્ટેટના 151 ઘોડેસવારો સાથે રાજકુમાર આવ્યા અને તેમની કુટિરમાં આશરો લીધો. ત્યારે નાગાબાવાએ એક થાળીમાં રહેલ લાડવા અને ગાંઠીયા પર ખપ્પર ઢાંકી બધાં લોકોને ભરપેટ જમાડ્યા હતા. નાગાબાવાએ પાણી પીવા માટે ચીપિયાનો ઘા કર્યો હતો, એ ચીપિયો જ્યાં પડ્યો ત્યાં અમૃત નામનો વિરડો બન્યો હતો. બધાએ ત્યાંથી પાણી પીધું. આજે પણ આ વીરડો ગઢીયા ડુંગરમાં છે અને મીઠું પાણી આજે પણ મળી રહ્યું છે. વાંકાનેરનો આ મેળો પૌરાણિક મેળો હોવાથી ન માત્ર મોરબી કે વાંકાનેરના, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા લોકો જલેબી-ભજીયાનો મેળો માણવા માટે આવે છે. 

https://lh3.googleusercontent.com/-chUBJRq9uP0/XWSWcDOk4MI/AAAAAAAAIz4/AgssVK1uPOg_bOcv-LeoIxdq4K5OiPykQCK8BGAs/s0/Bhajiya_Melo_Morbi3.JPG

વષો પહેલા જે જગ્યાએ નાગાબાવાએ જીવતા સમાધિ લીધી હતી તે જગ્યાએ જ હાલમાં નાગાબાવાનું મંદિર આવેલ છે. આ મંદિરના લાભાર્થે જ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. લોકવાયકા છે કે, ગઢિયા ડુંગરમાં પૂર્ણ કુટીર પાસે એક મસાણીયો વડ હતો. લોકો આ વડની બાજુમાં આગ પેટવતા હતા. એક દિવસ એક સ્ત્રીનું મૃત્યુ થતા લોકો તેને અગ્નિદાહ માટે લાવ્યા હતા, પરંતુ વરસાદ વધુ હોવાથી ચિતા પ્રગટે તેમ ન હતી. તેથી લોકો તે સ્ત્રીના મૃતદેહને વરસાદ રહ્યા બાદ અગ્નિદાહ આપશે તેમ નક્કી કરી વડ પર બાંધીને ઘેર જતા રહ્યા હતા. એ દિવસે રાત્રે રસોઈ ચાર વ્યક્તિઓની બનેલ જોઈ શાહબાવા એ કહ્યું કે, કુટિરમાં તો આપણે ત્રણ જ વ્યક્તિ છીએ અને રસોઈ ચાર વ્યક્તિની બનેલી છે. તેથી તેમણે વિચાર્યું કે, અહીં કોઈ વ્યક્તિ હોવું જોઈએ. ત્યારે પોતાની દિવ્ય શક્તિથી સ્ત્રીના મૃતદેહને જોયો. તેઓ સ્ત્રીના મૃતદેહને પોતાની કુટીર પર લઈ આવ્યા હતા. શાહબાવા, નાગાબાવા અને વનમાળીદાસે હાથમાં પાણીની અંજલિ ભરી પોતાની સિદ્ઘ શક્તિથી તે સ્ત્રીને જીવિત કરી હતી. અને બ્રહ્મભોજન કરાવી તેના ઘરે મૂકી આવ્યા હતા.

વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવાનો ઈતિહાસ જોડાયેલો હોવાથી નાગાબાવાએ નોમના દિવસે જીવતા સમાધિ લીધી હોવાથી તે દિવસે દર વર્ષે વાંકાનેર ખાતે લોકમેળાનું આયોજન કરાય છે. નોમની રાત્રે બાર વાગ્યે મહાઆરતી બાદ હજારો લોકો મંદિરે ભજીયા અને જલેબીનો પ્રસાદ લેવા માટે આવે છે. જેના પાછળનું મુખ્ય કારણ એ છે કે, નાગાબાવાએ તે સમયે રાજાને કોલ આપ્યો હતો કે જે લોકો આ પ્રસાદ લેશે તે નિરોગી રહેશે. માટે વાંકાનેર તેમજ આસપાસના વિસ્તારના લોકો આ મેળાનો લાભ લેતા જ હોય છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news