નોકરીમાં પગાર ન કપાઇ તે માટે કામદારે ગજબનું ભેજું વાપર્યું, રખિયાલ પોલીસને નોંધવો પડ્યો કેસ
મિલમાં કામ કરતા હસમુખ ધામનકર નામના કર્મચારીએ રજા પગાર મેળવવા ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવ્યા બાદ હોસ્પિટલના તબીબને બતાવાની જગ્યાએ રૂ. 500 એજન્ટને આપ્યા હતા. બાદમાં દર્દી બનેલા હસમુખે બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: નોકરી ચાલુ રહે અને કંપનીનો રજા પગાર મળે તે માટે કર્મચારીએ વિચારી ન શકાય એવી ચારસો વિસી કરી નાખી. સારવાર માટે કર્મચારી ખોટી રીતે હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં ઓપીડી કેસ કઢાવી ડોક્ટર પાસે ન ગયો. એજન્ટ અને બોગસ વ્યક્તિ પાસે જઇ દવા અને રેસ્ટ લખાવી ડોક્ટરની ડુપ્લીકેટ સહીઓ પણ કરાવી લીધી. હોસ્પિટલના ધ્યાને આ વાત આવતા જ પોલીસ ફરિયાદ નોંધાઇ. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી.
આરોપી અમરતલાલ પરમાર અને ગુલામ મહોમદ રાજપૂતે ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવનારને બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો. મિલમાં કામ કરતા હસમુખ ધામનકર નામના કર્મચારીએ રજા પગાર મેળવવા ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવ્યા બાદ હોસ્પિટલના તબીબને બતાવાની જગ્યાએ રૂ. 500 એજન્ટને આપ્યા હતા. બાદમાં દર્દી બનેલા હસમુખે બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો.
આ અંગે શંકા જતા હોસ્પિટલ સત્તાવાળાએ તપાસ કરતા સમગ્ર મામલે ભાંડો ફુટ્યો હતો. જે મામલે ESIC હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટરે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી. રખિયાલ પોલીસે દર્દીને પૈસા લઇ રેસ્ટ લખી આપનાર અને એજન્ટ સહિત બે આરોપીની ધરરપકડ કરી.
પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે હસમુખ નામનો વ્યક્તિ 10 ફેબ્રુઆરી 2023ના રોજ દર્દી બનીને ઓર્થોપેડિકની સારવાર માટે આવ્યો હતો. ત્યારબાદ કેસ કઢાવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર લેવાની જગ્યાએ ઓપીડી સ્લીપ લઇ બહાર જતો રહ્યો હતો. બહારના તબીબ પાસે રેસ્ટ લખાવી સહિ કરાવી હસમુખ ESIC હોસ્પિટલ આવ્યો હતો. જેથી સ્ટાફને રેસ્ટનું લખાણ ડુપ્લીકેટ જણાયું હતું. જેથી ઓર્થોપેડિક તબીબ જીતેન્દ્ર પરમાર પાસે આ અંગે પુછવા સ્ટાફ પહોંચ્યો હતો.
જેથી તબીબે જણાવ્યું હતું કે આ સ્લીપ વાળુ દર્દી તેમની પાસે આવ્યું નથી. જેથી સ્ટાફને જાણવા મળ્યું હતું કે, હસમુખભાઇ બહારથી બોગસ રીતે રેસ્ટ લખાઇ લાવ્યો છે. જેથી આ મામલે હસમુખને પુછતા તેણે હોસ્પિટલની બહાર એજન્ટ અમરતલાલ પાસેથી રૂપિયા 500 માં 15 દિવસનો રેસ્ટ લખાવી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જ્યારે ગુલામમોહંમદ રાજપુતે ડુપ્લીકેટ રેસ્ટ લખાવ્યો હોવાની ભૂમિકા ભજવી હતી.
હાલ તો આરોપી જેણે આ કૌભાંડ આચર્યુ છે તે ફરાર છે. આરોપી એ માત્રને માત્ર રજા પગાર મેળવવા આ કૌભાંડ આચર્યુ હતું. પણ આ ઘટના પરથી એક વાત ચોક્કસ કહી શકાય કે સરકારી હોસ્પિટલની બહાર આવા લેભાગુ તત્વો હોય જ છે જે પૈસા લઇને લોકોના ખોટા કામ કરાવી આપે છે. ત્યારે દર્દી બનેલો આરોપી કેટલા સમયમાં પકડાય છે અને તેની તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે