અરવલ્લીમાં ખેડૂતોએ હોંશેહોંશે વાવ્યા હતા કેપ્સિકમ, એક વાયરસે આખી ખેતીનો સત્યાનાશ વાળી દીધો

Arvalli Farmers : અરવલ્લીના ખેડૂતોએ હોંશેહોંશે કેપ્સિકમની ખેતીનુ વાવેતર કર્યુ હતું, પરંતું હવે તેમને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે

અરવલ્લીમાં ખેડૂતોએ હોંશેહોંશે વાવ્યા હતા કેપ્સિકમ, એક વાયરસે આખી ખેતીનો સત્યાનાશ વાળી દીધો

સમીર બલોચ/અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે કેપ્સીકમ મરચાનું વાવેતર કરનાર ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કેપ્સિકમ મરચામાં આવેલા વાયરસે મરચાના ઉત્પાદન ઉપર અસર કરતા ખેડૂતોને માત્ર 35 ટકા જ ઉતારો આવતા વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઉભી થતા ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે.

અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે સમગ્ર જિલ્લામાં 400 વીઘા જમીનમાં ખેડૂતોએ બાગાયતી પાક કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ પાક ઉગીને તૈયાર થઇ ગયો છે. તેવામાં પાકમાં વાયરસ આવતા પાકના ઉત્પાદન ઉપર અસર થઇ છે. વાયરસના કારણે પાકના પણ સૂકાઈ જવા ઉપરાંત મુરઝાઈ રહ્યાં છે. તેમજ મરચાની સાઈઝ પણ મોટી થતી નથી અને સુકાઈ જાય છે. જેથી ખેડૂતો પરેશાન છે. ખેડૂતોએ ચાલુ વર્ષે અન્ય પાકોના બદલે બાગાયતી પાકનું વાવેતર કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી. પરંતુ સતત  વાતાવરણને પગલે પાકમાં આવેલા વાયરસે ખેડૂતોને રોવડાવ્યા છે. 

આ પણ વાંચો : 

ખેડૂત આશિષભાઈ પટેલ કહે છે કે, જિલ્લામાં સૌથી વધુ કેપ્સિકમ મરચાંનું વાવેતર જિલ્લાના ભિલોડા તાલુકાના ગદાદર કંપાના 30 ખેડૂતોએ 250 વીઘા જમીનમાં કર્યું છે. ખેડૂતોએ એક વીઘા પાછળ અંદાજે 1 લાખ જેટલો ખર્ચ કરી વાવેતર કર્યા બાદ હાલ પાક તો તૈયાર થયો. પણ એક લાખ ખર્ચની સામે માત્ર 35 હજારના કેપ્સિકમ મરચાનો ઉતારો મળી રહ્યો છે. જેથી ખેડૂતો પરેશાન છે. બીજી તરફ ચાલુ સાલે ખાતર ખેડ બિયારણ તેમજ વોટર સોલેબલ જે ગયા વર્ષે 2 હજારમાં મળતુ હતું, તેના ચાલુ વર્ષે ભાવ 4 હજાર થઇ ગયા છે. જ્યારે મરચાંના ભાવ પણ પોષણક્ષમ નથી મળી રહ્યા. ગયા વર્ષે 25 રૂપિયે કિલો મરચા વેચાતા હતા, ત્યારે ચાલુ વર્ષે માત્ર 5 થી 7 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. જેથી ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ થયો છે અને મરચાંના વાવેતરમાં મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. 

જિલ્લાના કેટલાક ખેડૂતોએ રોકડીયા પાકમાં કેપ્સીકમનું વાવેતર કર્યું, પણ તેમાં વાયરસ આવતા કેટલાક ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલો પાક ઉપર કલ્ટીવેટર ફેરવી દેવાની ફરજ પડી છે. જમીન પુનઃ અન્ય પાક માટે તૈયાર કરી છે, ત્યારે ચાલુ વર્ષે માર્ચમાં આવેલા વાયરસ, ભાવમાં ઘટાડો જેવા કારણોએ ખેડૂતોને ખરેખર રોવડાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news