છોટાઉદેપુરમાં આદિવાસીઓના નામે વધુ એક મોટું કૌભાંડ; મૃત્યુ પામેલા લોકોના નામે પણ લાખો રૂપિયાનું ચૂકવણું!

ગુજરાત વન વિકાસ નિગમ લીમીટેડ દ્વારા મહુડાનાં ફૂલ, ટીમરું પાન, ખાટી આમલી વિગેરે વન પેદાશોની ખરીદી કરવામાં આવે છે. ગરીબ આદિવાસીઓ જંગલ માંથી આ વન પેદાશો વીણીને લાવે અને તેમને રોજગારી મળે તેવો સરકારનો આશય છે.

છોટાઉદેપુરમાં આદિવાસીઓના નામે વધુ એક મોટું કૌભાંડ; મૃત્યુ પામેલા લોકોના નામે પણ લાખો રૂપિયાનું ચૂકવણું!

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: આદિવાસીઓના ઉત્થાનના નામે કૈભાંડનો વધુ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. ખોટા લાભાર્થીઓ દર્શાવી વન વિકાસ નિગમ દ્વારા ચૂકવનું કરાયું છે. એટલું જ નહીં ઝી 24 કલાકની તપાસમાં કેટલાક લાભાર્થીઓ તો અવસાન પામેલા હોવા છતાં એમના નામે સરકારી નાણા ફાળવાયા છે.

છોટાઉદેપુર જિલ્લામાંથી તાજેતરમાં જ નકલી સરકારી કચેરી ઉભી કરી કરોડોનો કૌભાંડનો મામલો સામે આવ્યો છે ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત વન વિકાસ નિગમ લીમીટેડ દ્વારા મહુડાનાં ફૂલ, ટીમરું પાન, ખાટી આમલી વિગેરે વન પેદાશોની ખરીદી કરવામાં આવે છે. ગરીબ આદિવાસીઓ જંગલ માંથી આ વન પેદાશો વીણીને લાવે અને તેમને રોજગારી મળે તેવો સરકારનો આશય છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગરીબ આદિવાસીઓના હકના નાણાં અધિકારીઓના ખિસ્સા ગરમ કરે છે. 

આદિવાસી આગેવાન નરેન્દ્ર રાઠવાએ RTI કરી માહિતી મેળવી જેમાં જે લાભાર્થીઓના નામ દર્શાવવામાં આવ્યા છે તેમાંના એક ગામ ઘોડીસામેલના માત્ર એક જ ફળિયાના લાભાર્થીઓની મુલાકાત કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. લિસ્ટમાં દર્શાવવામાં આવેલ નાયકા સત્યાભાઈ ભજિડાભાઈ ને 27/6/2022 ના રોજ ચેક દ્વારા રૂપિયા 13200 ચૂકવવામાં આવ્યા છે, પરંતુ સત્યાભાઈનું તો 19/12/2021 અવસાન થઈ ચૂકયુ છે તો આ રૂપિયા મળ્યા કોણે ? અને વ્યકતિ હયાત જ નથી તો વન પેદાશ લાવે કેવી રીતે ? એટલે કે માત્ર નામ અને ડોક્યુમેન્ટનો જ ઉપયોગ કરી ઉચાપત કરાઈ છે. 

ઝી 24 કલાકની ટીમે સત્યાભાઈના પરિવારની મુલાકાત કરી તો પરિવારજનો પણ ચોંકી ગયા. આવી જ રીતે નજીકમાં અન્ય લાભાર્થી રાઠવા તેરસિંગભાઈ ઝીનિયાભાઈ પણ અવસાન ત્રણ વર્ષ આગાઉ 9/9/2020 ના રોજ થઈ ચૂક્યું છે પરંતુ એમના નામે પણ વન નિગમે 27/6/2022ના ચેક દ્વારા રૂપિયા 10230 ચૂકવ્યાનો ઉલ્લેખ છે. એટલે કૌભાંડકારીઓ ને કૌભાંડ માટે વ્યક્તિની પણ જરૂર નથી, જે આ દુનિયામાં જ નથી તેવા મૃતકોના નામે અને મૃતકોના પરિજનોની પણ જાણ બહાર સરકારી રૂપિયા ચાઉ કરી ગયા. 

ધોળીસામેલ ગામે મોટાભાગના ગ્રામજનો વન પેદાશ વીણીને રોજગારી માટે વન્ય પ્રાણીઓના જોખમ વચ્ચે મહેનત કરે છે. પરંતુ કાં તો તેમને પૂરતી રકમ આપવામાં નથી આવતી કાં તો માત્ર વાયદો જ કરવામાં આવે છે , મૃતકો સહિત કેટલાક ગામલોકોના નામો સરકારી ચોપડે ચડેલા છે. પરંતુ તેમને લાભ મળ્યો નથી.

છોટાઉદેપુર જિલ્લો મોટો જંગલ વિસ્તાર ધરાવે છે , ગુજરાત વન વિકાસ નિગમે દરેક તાલુકામાં વન પેદાશના સંગ્રહ માટે ગોડાઉન બનાવ્યા છે, અને સરકારની એક નિર્ધારિત પ્રક્રિયા થકી ખરીદી કરવાની હોય છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ ના પાપે આદિવાસીઓને તેમના હકના નાણાં મળતા નથી, માત્ર ધોળીસામેલ ગામ જ નહિ પરંતુ સમગ્ર જિલ્લામાં આ પ્રમાણે ખોટા લાભાર્થીઓ ઊભા કરી ભ્રષ્ટાચાર આચરાયો છે અને આ વાત ખુદ કવાટ તાલુકાના ધનિવાડી ગોડાઉનના વોચમેને સ્વીકારી છે. લાભાર્થીઓના રૂપિયા ખુદ વોચમેને ઉઘરાવી કચેરીના વડા દિગ્વિજયસિંહ ગોહિલને આપ્યા હોવાની વાત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news