અમદાવાદને મળશે નવું નજરાણું! આ જગ્યાએ બનશે બાયોડાઇવર્સિટી પાર્ક, એવિએશન એન્ડ ડિફેન્‍સ સ્પેસ ગેલેરી

સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા આકર્ષણો ઉમેરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી. સાયન્સ સિટીની મુલાકાત અનેરો અવસર અને કાયમી યાદગીરી બને તેવી આનુષાંગિક વ્યવસ્થાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું.

અમદાવાદને મળશે નવું નજરાણું! આ જગ્યાએ બનશે બાયોડાઇવર્સિટી પાર્ક, એવિએશન એન્ડ ડિફેન્‍સ સ્પેસ ગેલેરી

ઝી બ્યુરો/ગાંધીનગર: સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે 107 હેક્ટર વિસ્તારમાં આ વર્લ્ડક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ 2001માં કરાવેલું છે. આ સાયન્સ સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ખાસ કરીને બાળ વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ અને જિજ્ઞાસા જગાવ્યા છે. 

મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવશે!
સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્ત અભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન વર્ધન થાય તેવો અભિગમ રાખવામાં આવ્યો છે. દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં આવે છે. આ સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવે છે.

750 કરોડના ખર્ચે હાથ ધરાશે નવા આકર્ષણો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં પ્રવર્તમાન ગેલેરીઝ અને વિવિધ પ્રોજેક્ટસની વિશેષતાઓ તથા તેને વધુ સુવિધા સભર બનાવવા અંગે પણ સમીક્ષા કરી હતી. સાયન્સ સિટીમાં બીજા ફેઇઝનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં ઉદઘાટન કર્યા બાદ હવે આગામી સમયમાં જે વધુ નવીનતા સભર આકર્ષણો ઊભા કરવાનું આયોજન છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી. સાયન્સ સિટીમાં હાલના મ્યુઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે. હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ રૂ. ૭૫૦ કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક પણ ઊભા કરવામાં આવશે.

એક જ વર્ષમાં 12.39 લાખ લોકોએ સાયન્સ સિટી નિહાળ્યું
આ સમીક્ષા બેઠકમાં પ્રેઝન્ટેશન દરમિયાન જણાવવામાં આવ્યું કે, સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. 2012 થી 2023 ના દશકમાં અંદાજે 77 લાખ લોકો તેમજ 2022ના એક જ વર્ષમાં 12.39 લાખ લોકોએ સાયન્સ સિટી નિહાળ્યું છે. અંદાજે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી જોવા આવનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રેમી યુવાઓ પોતાના અનુભવો અને સાયન્સ સિટીની વ્યવસ્થા અંગેના ફીડબેક માટે અદ્યતન કિયોસ્ક, ટચસ્ક્રિન ટેકનોલોજી વગેરેને કાર્યરત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે સ્વચ્છતા-સફાઈનું સતત ધ્યાન રાખવાની પણ તાકીદ કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે નિર્માણ માટે માર્ગદર્શન મેળવ્યું
સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકો પોતે જોયેલી ગેલેરીઝ અને અન્ય આકર્ષણો અનુરૂપ પોતાના પ્રયોગાત્મક વિચારો, કાર્યો અભિવ્યક્ત કરી શકે તે માટે ઓપન-એર સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સપ્લોરેટોરીયમ પણ બનાવવાનું આયોજન છે. ભૂપેન્દ્ર પટેલે આ બધા જ વિષયો અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને સમયબદ્ધ આયોજન સાથે નવી ગેલેરીઝ અને પાર્કસના નિર્માણ માટે માર્ગદર્શન આપ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news