AHMEDABAD: આ Brain Dead મહિલાએ ત્રણ વ્યક્તિઓને સજીવન કર્યાં
Trending Photos
અમદાવાદ : છેલ્લા એક મહિનામાં સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ત્રીજું અંગદાન સફળતાપૂર્વક કરાવવામાં આવ્યું છે. SOTTO અંતર્ગત અંગદાનની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. બ્રેઈનડેડ એવા 48 વર્ષીય મીનાબેન ઝાલાનું અંગદાન કરાવવામાં આવ્યું. અમદાવાદના ચાણક્યપુરી - ઘાટલોડિયાના રહેવાસી મીનાબેન ઝાલાના અંગો થકી 3 લોકોને નવજીવન મળ્યું. અંગદાન કરનાર મીનાબેનના પરિવારમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે. નીલમ, પૂજા અને જ્યોતિ તેમજ અજય અને અર્જુન પાંચ બાળકોએ તેમની માતાના અંગદાનની આપી હતી પરવાનગી.
બ્રેઈનડેડ એવા મીનાબેન ઝાલાને 16 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. 19 જાન્યુઆરીએ મીનાબેન ઝાલાને ડોક્ટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. SOTTO ના કાઉન્સિલરો દ્વારા મીનાબેનના પરિવારજનો સાથે અંગદાન કરવા અંગે વાતચીત કરવામાં આવી. 19મી જાન્યુઆરીએ બ્રેઈનડેડ જાહેર કરાયેલા મીનાબેનના પરિવારજનોએ એ જ દિવસે SOTTO અંતર્ગત અંગદાનની પરવાનગી આપી હતી. તમામ પ્રક્રિયાઓ બાદ મીનાબેનનું એક લીવર અને 2 કિડનીનું સફળતાપૂર્વક અંગદાન કરવામાં આવ્યું. અમદાવાદ સિવિલના નવનિર્મિત ટ્રોમા સેન્ટર ખાતે અંગોને રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ દ્વારા 3 જિંદગીમાં સ્મિત ઉમેરાયું. મીનાબેનના લીવરને જામનગર જિલ્લાના 15 વર્ષના બાળકમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. તેમની બંને કિડનીમાંથી એક કિડની સુરેન્દ્રનગરના 30 વર્ષીય અને બીજી કિડની પણ સુરેન્દ્રનગરના 35 વર્ષીય વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવી. મીનાબહેનના અંગો થકી બે કિડની અને એક લીવર એમ કુલ 3 દર્દીઓને નવજીવન મળ્યું.
ગુજરાત SOTTO ના કન્વીનર ડોક્ટર પ્રાંજલ મોદીએ જણાવ્યું કે લીવર જેને મળ્યું તેને જો એક અઠવાડિયામાં ના મળ્યું હોત તો તેનું મોત થઈ જાય તેવી શકયતા હતી, એવામાં મીનાબેનના અંગદાનના માધ્યમથી તેનો જીવ બચવાવામાં સફળતા મળી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું એ દર્દીના પેટમાં પાણી ભરાયેલું હતું. અમે એડલ્ડ દર્દીનું આખું લીવર પીડિયાટ્રિક દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. આ કિસ્સામાં એડલ્ડ વ્યક્તિનું લીવર પીડિયાટ્રિક દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ભૂતકાળમાં એડલ્ડ દર્દીના લીવર પીડિયાટ્રિક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા સ્પ્લિટ કરવાની ફરજ પડી હતી, 6 લીવર સ્પ્લિટ કરીને એટલે કે એડલ્ડના લીવરના બે ભાગ કરીને પીડિયાટ્રિક બાળકને આપ્યું હતું. આ સિવાય મીનાબેનની બે કિડની બે જુદા જુદા વ્યક્તિઓને મળી છે. જે કિડનીના દર્દીઓ લાંબા સમયથી ડાયાલીસીસ પર રહેતા હોય છે, એમને કિડનીની જરૂર હોય તો આવા દર્દીઓએ SOTTO માં રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે, એમનો વારો એટલે અંગદાન કરનારના અંગો તેમને મળતા હોય છે. ત્યારે મળનાર અંગ વારા મુજબ જરૂરિયાત હોય એવા દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
બ્રેઈનડેડ એવા મીનાબેન ઝાલાની દીકરી નિલમે જણાવ્યું કે અમે 5 ભાઈ બહેન છીએ જેમાં 3 બહેનો અને બે ભાઈ છે. જ્યારે SOTTO મારફતે અંગદાન માટે આમારું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું ત્યારે બ્રેઈનડેડ એવી અમારી માતાના અંગદાન માટે અમારી નાની બહેને સ્પષ્ટ ના પાડી દીધી. પણ આખરે ડોકટરોએ અમને સમગ્ર જાણકારી આપીને અમને સમજાવ્યા. અમે અમારી માતાને પાછી તો નહીં લાવી શકીએ પણ અમારી માતાના અંગદાન થકી અન્ય 3 લોકોના જીવ બચાવી શક્યા છે એનો અમને ગર્વ છે. અમારી માતા તો હવે અમારી સાથે નથી, પણ તેના 3 અંગો કોઈના શરીરમાં કોઈના પરિવારમાં ખુશીનું કારણ બન્યા એની અમને ખુશી છે. અન્ય પરિવારો પણ આ પ્રકારે આગળ આવે જેથી એવી પ્રાર્થના કરીએ છીએ.
બ્રેઇનડેડ હોય તેવા વ્યક્તિઓના સ્વજનો દર્દીના અંગદાન માટે પરવાનગી આપે જેથી અન્ય જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળી શકે તેવા પ્રયાસો SOTTO ના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. આવા પ્રયાસ કરનાર ડોકટર નિલેશ કાછડીયા જણાવે છે કે જ્યારે બ્રેઇનડેડ વ્યક્તિના સગાને મળીએ છીએ તેમને અંગદાન વિશે સમજાવીએ છીએ એ વખતે અનેક સવાલો સ્વજનો તરફથી પૂછવામાં આવે છે. સામાજિક, ધાર્મિક અનેક સવાલો અડચણરૂપ બનીને સામે આવે છે. દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ અને ડેડ વચ્ચેનો અમારે અર્થ સમજાવવો પડે છે. ધાર્મિક દ્રષ્ટિએથી કેટલાક પરિવારોને અંગદાન માટે છૂટ નથી હોતી એમને સમજાવવા ખૂબ જ અઘરું સાબિત થાય છે. અમે અન્યને નવજીવન મળે તેવા સતત પ્રયાસો કરીએ છીએ. જેમને અંગની જરૂર હોય છે તેમની મુસીબતો વિશે અમે બ્રેઈનડેડ હોય એવા દર્દીઓના પરિવારજનોને જણાવીએ છીએ. છેલ્લા કેટલાક સમયમાં 8 જેટલા બ્રેઇનડેડ કિસ્સામાં કાઉન્સિલિંગ કર્યા છે. ધીમે ધીમે સફળતા મળી છે અમે અમારા પ્રયાસો સતત વધારીશું.
અંગદાનનું મહત્વ શુ છે, તેનાથી લોકોને નવજીવન મળી શકે છે એની સમજ લોકોમાં આવે હવે તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં 3 બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન થકી કુલ 9 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. જે દર્શાવી રહ્યું છે કે SOTTO અંતર્ગત અંગદાન માટે કરાઈ રહેલા પ્રયાસો રંગ લાવી રહ્યા છે. બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો અંગદાનનું મહત્વ સમજી રહ્યા છે અને કેટલાય નિરાશ પરિવારોના જીવનમાં રંગો ઉમેરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે