હાથી પણ પસાર થાય તોય ન તૂટે તેવા પ્લાસ્ટિકના પેવર બ્લોક બનાવ્યા અમદાવાદી યુવકે

હાથી પણ પસાર થાય તોય ન તૂટે તેવા પ્લાસ્ટિકના પેવર બ્લોક બનાવ્યા અમદાવાદી યુવકે
  • જીટીયુના સ્ટાર્ટઅપકર્તાએ પ્લાસ્ટિક વેસ્ટ, ફ્લાય એસ અને સોલિડ વેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કર્યું
  • 2.75 કિલોના 1 પેવર બ્લોક 15 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે
  • 1 પેવર બ્લોકમાં 25% પ્લાસ્ટીક , 60% સેન્ડ અને 15% અન્ય સોલિડ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે
  • અન્ય પેવર બ્લોકની ક્ષમતાએ પ્લાસ્ટીક નિર્મિત પેવરબ્લોક 3 ગણી મજબૂતાઈ ધરાવે છે
  • માત્ર 20 થી 25 રૂપિયાની કિંમતે 1 ચોરસફૂટના બ્લોકનું નિર્માણ થાય છે
  • આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થવો એ સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા બની છે ત્યારે આ સ્ટાર્ટઅપ તેનું નિરાકરણ સાબિત થશે

અતુલ તિવારી/અમદાવાદ :સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન અને તેના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એવામાં પ્લાસ્ટિકના વપરાશ પછી તેનો યોગ્ય નિકાલ કરવો એ બહુ મોટી સમસ્યા સાબિત થઈ રહી છે. આ સમસ્યા સમગ્ર માનવસૃષ્ટિના જીવનચક્ર માટે પણ એક મોટો પડકાર છે. પ્લાસ્ટિક (plastic) નો યોગ્ય નિકાલ થાય તે હેતુથી જીટીયુ (GTU) ના સ્ટાર્ટઅપકર્તા કિશન પટેલ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ, ફ્લાય એસ અને સોલિડ વેસ્ટ (solid waste) નો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કરવાના આવ્યું છે.

આર્કોન કોમ્પોઝાઈટ્સ પ્રોડક્ટ સ્ટાર્ટઅપ (start up) ના કિશન પટેલે તૈયાર કરેલા પેવર બ્લોક અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ફૂટપાથ અને જાહેર સ્થળો પર લગાવવામાં આવતાં પેવર બ્લોકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી હતી. આજના સમયમાં પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ થાય તે ઉદ્દેશથી અમે પ્લાસ્ટિક વેસ્ટ, ફ્લાય એસ અને સોલિડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે. અમે તૈયાર કરેલા 2.75 કિલોના 1 પેવર બ્લોક 15 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. શરૂઆતના ધોરણે રિસર્ચ કરવાના ઉદ્દેશથી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન પાસેથી પિરાણા ડમ્પિંગ સાઈટનું 20,000 કિલો પ્લાસ્ટિક ખરીદવામાં આવ્યું હતું. હાલના સમયે આણંદ નગરપાલિકા પાસેથી 7 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પ્લાસ્ટિક વેસ્ટ ખરીદીને પેવર બ્લોક બનાવવામાં આવે છે.

આ પેવર બ્લોકમાં શું શું હોય છે તે વિશે તેમણે જણાવ્યું કે, પ્લાસ્ટિક સહિત તેમાં ટોરેન્ટમાંથી નીકળતી ફ્લાય એસ અને મિકેનિકલ ઈન્ડસ્ટ્રીઝમાંથી સેન્ડ સ્વરૂપે નિકળતાં વેસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. 1 પેવર બ્લોકમાં 25% પ્લાસ્ટિક, 60% સેન્ડ અને 15% અન્ય સોલિડ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય પેવર બ્લોકની ક્ષમતાએ પ્લાસ્ટિક નિર્મિત પેવરબ્લોક 3 ગણી મજબૂતાઈ ધરાવે છે. તેમજ આર્થિક રીતે પણ 20 થી 25 રૂપિયાની કિંમતે 1 ચોરસ ફૂટના બ્લોકનું નિર્માણ કરી શકાય છે. જેમાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાય છે. 

કેવી રીતે બનાવાય છે પેવર બ્લોક

  • સૌપ્રથમ પ્લાસ્ટિકનું વોશીંગ કરીને તેને ક્રશ કરવામાં આવે છે. 
  • ત્યારબાદ તેમાં અન્ય સોલિડ વેસ્ટનો ઉમેરો કરીને હિટ આપીને લિક્વિડ સેમી સોલિડ ફોર્મમાં રૂપાંતરીત કરાય છે. 
  • અંતે હાઈડ્રોલિક મશીન એક્સ્ટ્રુડરનો ઉપયોગ કરીને તેનો પેવર બ્લોકનો શેપ આપવામાં આવે છે. 
  • ભવિષ્યમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આગ સામે પણ ટકી શકે તેવી ટાઈલ્સ, પ્લાસ્ટિકના ટોયલેટ અને બેન્ચનું પણ નિર્માણ કરવામાં આવશે. જે પર્યાવરણમાંથી પ્લાસ્ટીકના નિકાલ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

આ પણ વાંચો : ગુજરાતને પગલે પીએમ મોદીની કાશી ચાલશે, ગંગા કિનારે બનશે ટેન્ટ સિટી 

પ્લાસ્ટિકમાંથી તૈયાર કરાયેલા પેવર બ્લોક સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, આજના સમયમાં પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ થવો એ સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા છે. આ પ્રકારના સ્ટાર્ટઅપ તેનું નિરાકરણ છે. જે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં પણ સહભાગી થશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ સ્ટાર્ટઅપકર્તાને સંશોધન બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news