અમદાવાદીઓ ટેક્સ ચૂકવવામાં અવ્વલ, છતાં પાયાની સુવિધા માટે મારવા પડે છે વલખાં
1 જૂનથી લઇ 22 જુલાઈ સુધીમાં મનપામાં લોકોએ પાણી, ગટર, રોડ, સ્ટ્રીટલાઈટ, ICDS જેવી વિવિધ સમસ્યાઓ માટે કુલ 120000 કરતા વધુ ફરિયાદો કરી છે, છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી
Trending Photos
સપના શર્મા/અમદાવાદ :નાગરિકો ટેક્સ ચૂકવવામાં અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબરે આવે છે. સ્માર્ટ સિટીના બણગા તો જોરશોરથી સરકાર દ્વારા ફૂંકવામાં આવે છે. પણ અમદાવાદનું તંત્ર લોકોની સુવિધા આપવામાં કાચુ પડ્યુ છે. કારણ કે, રોજની 60 ટકાથી વધુ ફરિયાદો માત્ર રોડ પાણી ગટર જેવી પ્રાથમિક સુવિધા મેળવવા નોંધાય છે.
અમદાવાદ શહેર માથાદીઠ ટેક્સ ચૂકવવામાં દેશમાં છઠ્ઠા નંબરે છે. છતાં અહીંના લોકોને પાયાની સુવિધા મેળવવામાં વલખા મારવા પડી રહ્યા છે. વર્ષ 2021-22 માં શહેરના લોકોએ 1226.36 કરોડ રૂપિયાનો AMC ને ટેક્સ ચૂકવ્યો છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 289.48 કરોડનો ટેક્સ ચૂકવાયો છે. તેમ છતાં ચાલુ ચોમાસામાં AMC ના ચોપડે જે 28 ભુવા નોંધાયા છે, તેમાં સૌથી વધુ 6 ભુવા પશ્ચિમ ઝોનમાં જ પડ્યા છે. અમદાવાદમાં ટેક્સ સારો મળતા તેની સામે સુવિધાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થવું જોઈએ. પરંતુ AMC હજી સુધી પાયાની સુવિધા આપી શકી નથી. શહેરમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાને લઇ રોજની 2400 થી 2500 ફરિયાદો થઇ રહી છે.
રોજે રોજ અધધ સંખ્યામાં સોશિયલ મીડિયા સહિત AMC ના ટોલ ફ્રી નંબર અને રૂબરૂમાં AMC કચેરીએ જઇ લોકો ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદ લોકો જ્યારે ઓનલાઇન નોંધાવે છે, ત્યારે ઘણા કિસ્સાઓમાં ફરિયાદનું નિરાકરણ લાવ્યા વિના જ મનપાના અધિકારીઓ ફરિયાદ ક્લોઝ કરી દે છે. 1 જૂનથી લઇ 22 જુલાઈ સુધીમાં મનપામાં લોકોએ પાણી, ગટર, રોડ, સ્ટ્રીટલાઈટ, ICDS જેવી વિવિધ સમસ્યાઓ માટે કુલ 120000 કરતા વધુ ફરિયાદો કરી છે. લોકો દ્વારા કરવામાં આવેલો ફરિયાદો પૈકી સૌથી વધુ 60 ટકા ફરિયાદો એટલે કે 73000 ફરિયાદો માત્ર ઈજનેર વિભાગની એટલે કે રોડ, ગટર અને પાણીની ફરિયાદો નોંધાઈ છે. જૂન જુલાઈ મહિનામાં નોંધાયેલી ફરિયાદોમાંથી મનપાએ 18 હજાર જેટલી ફરિયાદોનો નિકાલ કર્યો નથી. આમ જે સેવા AMC ની પ્રાથમિક સેવા છે તે પણ લોકો સુધી પહોંચી નથી.
ઝોન 2021-22 ટેક્સ (crore) Amc માં થયેલી ફરિયાદો ભુવા
મધ્ય 177.72 19933 4
ઉત્તર 112.83 23579 3
દક્ષિણ 127.96 18635 5
પૂર્વ 152.01 13257 2
પશ્ચિમ 289.48 25804 6
ઉત્તર પશ્ચિમ 212.00 11180 3
દક્ષિણ પશ્ચિમ 160.31 8807 5
આવી જ પ્રાથમિક સમસ્યા સામે લાંભાના જ્યોતિનગરમાં રહેતા લોકો પણ ઝઝૂમી રહ્યા છે. અહીંના લોકોની ફરિયાદ છે કે તેઓ amc માં ટેક્સ ભરતા હોવા છતાં તેમના વિસ્તારમાં રોડ બન્યો નથી. આ સાથે અન્ય પણ ઘણી સમસ્યા છે. પણ amc અધિકારી હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ, લોકોની સમસ્યાની દરકાર લેવામાં કોઈને રસ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે