પોલીસ પર હુમલો; આરોપીને પકડવા ગયેલી ટીમ પર ચાર શખ્સો તલવાર લઇ તુટી પડ્યા, એકને ઇજા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણે કે પોલીસ નો કોઈ ખોફ નો હોય તેમ ખુલ્લેઆમ મારામારી, લૂંટ, અને અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે. પૂર્વ વિસ્તારમાં લોકોની રક્ષા કરનારી પોલીસ જ અસામાજિક તત્વોથી સુરક્ષિત નથી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. બે ગેંગની અદાવતમાં જ્યારે પોલીસ એક આરોપીને પકડવા ગઈ હતી તે સમયે અન્ય ગેંગના આરોપીઓ ત્યાં હાજર હતા જે દરમિયાન તેણે પોલીસ પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પણ આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણે કે પોલીસ નો કોઈ ખોફ નો હોય તેમ ખુલ્લેઆમ મારામારી, લૂંટ, અને અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે. પૂર્વ વિસ્તારમાં લોકોની રક્ષા કરનારી પોલીસ જ અસામાજિક તત્વોથી સુરક્ષિત નથી. ગઇકાલે શહેરના રખિયાલ પોલીસ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. રખિયાલ પોલીસની ટીમ જ્યારે આરોપી ફેઝાન ઉર્ફે પતલીને તેના ઘરે પકડવા ગઈ હતી. પોલીસ ફેઝાનના ઘરે પહોંચી તે પહેલાં તેના ઘરની બહાર ફેઝાનનાં અન્ય દુશ્મનો તેને મારવા માટે આવ્યા હતા. ફેઝાનનાં દુશ્મનોએ તલવારથી પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં જયેશ જાદવ નામના પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
રખિયાલ વિસ્તારમાં જમીનની એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી તરીકે ફેઝાન ઉર્ફે પતલી વોન્ટેડ હતો. જેને પકડવા પોલીસ તેના ઘરે પહોંચી હતી. જોકે આ આરોપી ના ઘરે તેના બાપુનગર વિસ્તારના દુશ્મન સરવર ઉર્ફે બિરાદર રાજપૂત સહિત અન્ય ચાર લોકો ત્યાં હાજર હતા અને તેમણે પોલીસને જણાવ્યું કે તમે જે આરોપી ફૈઝાનની ધરપકડ કરવા આવ્યા છો અમારે તેને મારવાનો છે એટલે તમે અહીંથી ચાલ્યા જાઓ. જે મામલે પોલીસ અને અન્ય લોકો સાથે બોલાચાલી અને જપાજપી થઈ હતી. જેમાં સરવર ઉર્ફે બિરાદર રાજપૂતે પોલીસકર્મી પર તલવારથી હુમલો કર્યો હતો.
હાલ તો પોલીસકર્મીની ફરિયાદ પરથી રખિયાલ પોલીસે ચારથી પાંચ લોકો પર ફરિયાદ નોંધી છે, પરંતુ હજી સુધી એક પણ આરોપી પોલીસ પકડી શકી નથી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પોલીસ પર હુમલો કરનારા આરોપીઓ બાપુનગર વિસ્તારમાં છે અને એક દિવસ પહેલા બે આરોપીઓએ બાપુનગર વિસ્તારમાં પણ આતંક મચાવ્યો હતો અને હત્યાની પ્રયાસ કરવાનો ગુનો પણ બાપુનગર પોલીસ મથકમાં નોંધાયો હતો.
હાલ તો પોલીસ આવા અસામાજીક તત્વોથી ડરી ગઈ હોય તેમ બાપુનગર અને રખિયાલ સહિતના આવા અસામાજિક તત્વોને પકડી શકી નથી. હવે જોવાનું રહેશે કે આવા તત્વોને પોલીસ ક્યારે પકડી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે