Ahmedabad: અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ શહેરના આ વિસ્તારમાં રહે છે ઠંડક, જાણો કારણ

અમદાવાદના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો ગરમીથી ત્રસ્ત છે. બરોરના સમયે તો કામ સિવાય લોકો બહાર નિકળવાનું ટાળી રહ્યું છે. એસી અને પંખા વગર રહેવાતું નથી. પરંતુ અમદાવાદમાં આવેલ પોળોના લોકો ભારે ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરે છે. 

Ahmedabad: અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ શહેરના આ વિસ્તારમાં રહે છે ઠંડક, જાણો કારણ

સપના શર્મા, અમદાવાદઃ રાજ્યમાં ગરમી કેર વર્તાવી રહી છે. તાપમાનનો પારો હવે રેડ એલર્ટ તરફ આગળ વધી રહ્યો છે, મકાનોમાં પણ પંખા અને એસી વિના રહી શકાય તેમ નથી, ત્યારે એક જગ્યા એવી પણ છે, જ્યાં ગરમી વચ્ચે પણ લોકો રાહત અનુભવી શકે છે. અહીં ગરમીને રોકવાની ખાસ વ્યવસ્થા છે. આ જગ્યા છે, અમદાવાદ શહેરની પોળો, જે ગમે તેવી ગરમી વચ્ચે પણ કૂલ રહે છે. શું છે તેની પાછળનું કારણ, જોઈએ આ અહેવાલમાં..

ગુજરાતમાં ગરમી પોતાનો દમ દેખાડી રહી છે. તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે. કામ વિના ઘરની બહાર નીકળવાની લોકોની હિંમત નથી થતી. ઘરમાં એસી અને પંખા વિના ચાલે તેમ નથી. લોકો ગરમીથી બચવા માટેના વિકલ્પ શોધી રહ્યા છે, પણ મળતા નથી.

જો કે જૂના અમદાવાદ શહેરની પોળોમાં રહેતા લોકોને ગરમીની વધુ ચિંતા નથી. કેમ કે અહીંના લોકોને ગરમીથી એક હદ સુધી રાહત મળી રહી છે. 

બહાર જ્યાં તાપમાન 44 ડિગ્રી સુધી હતું, ત્યાં પોળના મકાનની અંદર જતા જ તાપમાન 5થી 6 ડિગ્રી જેટલું ઘટી ગયું. આ વાત સ્વાભાવિક પણ છે. જો કે નવાઈની વાત એ છે કે પોળના મકાનોમાં ગરમીની વચ્ચે પણ ઠંડક અનુભવાય છે.

પોળના મકાનમાં જે જગ્યાએ ઉભા રહીને અમે તાપમાન માપ્યું, તે મકાનનો ખુલ્લો ચોક છે. જ્યાંથી ગરમી ઘરમાં પ્રવેશે છે. તેમ છતા આ જ ચોક ગરમીમાંથી રાહત મેળવવામાં મદદરૂપ થાય છે, એ પણ પંખા કે કૂલર વિના..કેમ કે અહીંથી ગરમી બહાર નીકળી જાય છે.

પોળોમાં મકાનની બનાવટ એ પ્રકારની હોય છે કે અહીં રહેતા લોકોને ગરમી નડતી નથી. મકાનો વેન્ટિલેશનની વ્યવસ્થા એવી હોય છે કે ગરમી ટકતી નથી. ઉનાળામાં પણ પોળના લોકોને વીજ બિલ વધવાની ચિંતા નથી રહેતી.

પોળના મકાનમાં ઠંડક જળવાઈ રહેવાનું એક મોટું કારણ જાડી દિવાલો છે, ત્યાં દિવાલોમાં સીમેન્ટની જગ્યાએ ચૂનાનો ઉપયોગ પણ ઠંડક વધારે છે. હાલના મકાનોમાં બહારની તરફ કાચનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે, આ કાચ નવા મકાનોમાં ગરમી વધારવાનું કામ કરે છે. પોળના મકાનમાં કાચનો ઉપયોગ ઓછો હતો. 

પોળોનું બાંધકામ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતું હતું. આ જ કારણ છે કે ભૂકંપ સમયે પણ પોળોના મકાન અડીખમ હતા. સમય જતા આર્કિટેક્ચરમાં પ્રગતિ જરૂર સધાઈ છે, પણ બાંધકામમાં પોળો જેવી મજા નથી રહી. લોકોને આજે તેની કિંમત સમજાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news