અમદાવાદનો ચકચારી બનાવ : નિવૃત્ત પ્રોફેસરે પત્ની સાથે સજોડે આત્મહત્યા કરી, કારણ હતું બંનેની બીમારી
Trending Photos
- બીમારીથી કંટાળીને નિવૃત્ત પ્રોફેસરે પત્ની સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
- સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં ફરી એક વખત સિનિયર સિટીઝન દંપતીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. વૃદ્ધ દંપતીએ એક સાથે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે. કયા કારણથી આ દંપતીએ મોતને વ્હાલું કર્યું છે. જોકે, આત્મહત્યા (suicide) કરનાર શખ્સ નિવૃત્ત પ્રોફેસર હતા. નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસે કિડની અને તેમનાં પત્નીએ કેન્સરની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ભારે ચર્ચા ઉઠી છે.
સેટેલાઈટ વિસ્તારમાં આવેલ સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. મૃતક ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી છે. મહત્વનું છે કે પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં એક સાથે આત્મ હત્યા કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. જોકે ઘટનાની જાણ પોલીસ થતા સેટેલાઇટ પોલીસ સ્થળ પર તપાસ કરતા એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.
આ પણ વાંચો : પાટણમાં પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકીને સત્યના પારખા કરાવ્યા, ઉકળતા તેલમાં ડૂબાડ્યો હાથ
પોલીસની વાત માનીએ તો, સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બને જણાંએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા. પરંતુ કોઈ પરિણામ ના મળતા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલા કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતાં હતાં. જ્યારે અંજના બેન હાઉસ વાઈફ હતા.
ચોંકાવનારી વાત તો એ છે કે, મૃતક સિનિયર સિટીઝન દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવી રહયાં છે. હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. ત્યારે એ વાત પણ સમજવી જોઈએ કે, આત્મહત્યા એ કોઈ પણ મુશ્કેલીનો અંત નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે