અમરાઈવાડી દુર્ઘટનાઃ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો, હજુ બે વ્યક્તિ કાટમાળ નીચે દટાયેલી છે

અમદાવાદના અમરાઈવાડીમાં આજે 100 વર્ષ જૂનું એક મકાન તુટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, આ દુર્ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 7 વ્યક્તિને એલજી હોસ્પિટલમાં અને 2 વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
 

અમરાઈવાડી દુર્ઘટનાઃ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો, હજુ બે વ્યક્તિ કાટમાળ નીચે દટાયેલી છે

મૌલિક ધામેચા/ગૌરવ પટેલ- અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડીમાં આજે 100 વર્ષ જૂનું એક મકાન તુટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે, જ્યારે હજુ પણ બે વ્યક્તિ કાટમાળમાં દટાયેલી છે. આ દુર્ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 7 વ્યક્તિને એલજી હોસ્પિટલમાં અને 2 વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

અમરાઈવાડીની બંગલાવાળી ચાલીમાં ધરાશાયી થયેલા આ મકાનના નામથી જ આ ચાલીનું નામ પડ્યું હતું. આ મકાનની ત્રણ દિવાલો કકડભૂસ થઈને તુટી પડી હતી. ત્રણ માળના મકાનમાં સુરી પરિવાર અને ભાડુઆત મળીને કુલ 12 સભ્યો રહેતા હતા. કુલ 12 સભ્યોમાંથી બે સદસ્ય બહાર ગયા હતા, જ્યારે બાકીના 10 વ્યક્તિ મકાન તુટી પડ્યું ત્યારે ઘરમાં હાજર હતી.

આ દુર્ઘટના અંગે માહિતી આપતા ઝોન-5ના ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, "શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મકાન તુટી પડવાની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને તાત્કાલિક ધોરણે રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે અહીં પુરતો બંદોબસ્ત ગોઠવીને બચાવ કામગીરીને ઝડપી બનાવવામાં મદદ કરી હતી."

દુર્ઘટના અંગે શહેરના મેયર બીજલ પટેલે જણાવ્યું કે, "આ ઘટના ખરેખર દુખદ છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા રથયાત્રા પહેલા જ શહેરમાં આવેલા તમામ જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી. ખાનગી માલિકીના મકાનોને કોર્પોરેશન તોડી શક્તી નથી. કેટલીક વખત ભાડુઆત રહેતા હોવાના કારણે મકાન માલિકો દ્વારા આવા મકાનોનું રિપેરિંગ કાર્ય હાથ ધરાતું નથી. તેના માટે કોઈની જવાબદારી નક્કી કરી શકાય નહીં. સાથે જ જર્જરિત મિલકત ધરાવતા લોકોને કોર્પોરેશનને સાથ-સહકાર આપવા મેયરે અપીલ કરી હતી."

ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, "મકાનના કાટમાળ હેઠળ દબાઈ ગયેલામાંથી 5 વ્યક્તિને તાત્કાલિક બહાર કાઢીને એલજી હોસ્પિટલમાં મોકલાયા હતા, જ્યારે 2 વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા. કાટમાળ નીચેથી 2 મૃતદેહ મળ્યા હતા. એક મૃતદેહ પાછળથી બહાર કઢાયો હતો. હજુ પણ બે વ્યક્તિ કાટમાળમાં દટાયેલી હોવાનું સ્થાનિકોનું કહેવું છે."

દુર્ઘટના અંગે માહિતી આપતા પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, "ગુરૂવારે બપોરે 2 વાગ્યાની આસપાસ પૂર્વ ઝોનના અમરાઈવાડી વોર્ડમાં બંગલાવાળી ચાલીમાં સુરીના બંગલા તરીકે જાણીતું 3 માળનું 70 વર્ષ જુનું એક મકાન તુટી પડી ગયું હતું. દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સૌ પ્રથમ પહોંચી ગયું હતું. ત્યાર પછી પોલીસ, કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કામગીરીમાં મદદ કરી હતી. આ દુર્ઘટનામાં 3 વ્યક્તિનાં મોત થયા છે અને 8 વ્યક્તિ ઘાયલ થઈ છે. હાલ ઘટનાસ્થળે રાહત-બચાવ કામગીરી ચાલુ છે."

અમરાઈવાડી દુર્ઘટનામાં મૃતકોની યાદી 
1. આશાબેન પટેલ (36 વર્ષ- પડોશી)
2. બળદેવભાઈ બિન્દુરાજ સૂરી ( 85 વર્ષ- મકાન માલિક)
3. વિમાળાબેન બળદેવભાઈ સુરી ( 75 વર્ષ - મકાન માલિક)

હજુ પણ કાટમાળ હેઠળ દટાયેલી વ્યક્તિઓ
1. રાજેન્દ્રભાઈ બળદેવભાઈ સુરી (55 વર્ષ, મકાન માલિક)
2. એક મહિલા 

અમરાઈવાડી દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિઓ
1. રુપાબેન મનીષભાઈ (25 વર્ષ, ભાડુઆત, છાતીમાં ઈજા)
2. સુમનબેન સુરેન્દ્રભાઈ (25 વર્ષ, ભાડુઆત, પેટમાં ઈજા)
3. સૃષ્ટિ મનિષભાઈ (1.5 વર્ષ, ભાડુઆત, માથામાં ઈજા)
4. રીટાબેન સુનિલ કુમાર (55 વર્ષ, ડાબા પગમાં ઈજા)
5. સત્યમ હેમપ્રકાશ પટેલ (18 વર્ષ, પડોશી, ડાબા થાપા અને કોણીમાં ઈજા)
6. અંચલ રાજકુમાર સરોજ (8 વર્ષ, પડોશી, ડાબા ઢીંચણમાં ઈજા)
7. વિજયભાઈ ચંદ્રશેકર મોઢ (28 વર્ષ, પડોશી, જમણા પગે ઈજા)
8. રેખાબેન રાહુલભાઈ પટેલ (33 વર્ષ, પડોશી, પગમાં ઈજા)
ઉપરના તમામ ઈજાગ્રસ્તો એલજી હોસ્પિટલમાં સારવાર હાઠળ છે. 

સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતી વ્યક્તિઓઃ શશીકલાબેન બિપીનભાઈ રાજપુત(38 વર્ષ) અને વિરબાઈ મનોજભાઈ પટેલ(12 વર્ષ)

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news