કરફ્યૂમાં વાહન ન મળતા હાથમાં બેગો ઉઠાવી ચાલતા નીકળ્યા મુસાફરો, રીક્ષાચાલકોએ ત્રણ ગણું ભાડું માંગ્યું

કરફ્યૂમાં વાહન ન મળતા હાથમાં બેગો ઉઠાવી ચાલતા નીકળ્યા મુસાફરો, રીક્ષાચાલકોએ ત્રણ ગણું ભાડું માંગ્યું
  • અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી રહેલા મુસાફરો આજે સવારથી જ પરેશાન થયા છે.
  • અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી પદયાત્રા કરવા મુસાફરો મજબૂર બન્યા

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે કરફ્યૂ (curfew) ની જાહેરાત કરાઈ છે. આવામાં અમદાવાદમાં વાહનોના પૈડા થંભી ગયા છે,  જેની સૌથી મોટી અસર મુસાફરો પર પડી હતી. ટ્રેનથી બહારથી આવેલા અને અમદાવાદથી બહાર જઈ રહેલા મુસાફરોની મોટી ભીડ અમદાવાદ રેલવે સ્ટેશન પર જોવા મળી. તો બીજી તરફ, એસટી બસના પૈડા થંભી ગયા હોવાથી ગીતા મંદિર બસ ડેપો સાવ સૂમસાન બની ગયું છે. 

લોકડાઉન જેવો નજારો જોવા મળ્યો 
અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી રહેલા મુસાફરો આજે સવારથી જ પરેશાન થયા છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી પદયાત્રા કરવા મુસાફરો મજબૂર બન્યા છે. હાથમાં સામાન, માથા પર બેગ અને પરિવાર સાથે લોકો માર્ગો પર ચાલતા નજરે પડ્યા. લોકડાઉન સમયે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે રીતે લોકો ચાલતા જવા મજબૂર બન્યા હતા, તે દ્રશ્યો ફરી અમદાવાદમાં જોવા મળ્યા. પોતાના ઘર સુધી પહોંચવા, સવારી મેળવવા લોકો અમદાવાદથી બહાર નીકળવા ચાલતા માર્ગો પર નીકળતા જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો : 57 કલાકના કરફ્યૂમાં અમદાવાદની પહેલી સવાર, જુઓ તસવીરોમાં... 

રેલવે સ્ટેશન પર ભીડના દ્રશ્યો 
રેલવે સ્ટેશન પર યાત્રીઓની ભીડ જોવા મળી. હજારોની સંખ્યામાં યાત્રીઓ અમદાવાદ રેલવે સ્ટેશન બહાર ઉભા છે. રેલવે યાત્રીઓ માટે એ.એમ.ટી.એસ. બસની સુવિધા શરૂ કરી છે. લોકોને એમના ઘર સુધી પહોંચાડવા માટે 150 એએમટીએસની બસો શરૂ કરાઈ છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો. બસોમા લોકો પાસે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવાઈ નથી રહ્યું. 

ગીતા મંદિર ડેપો સૂમસામ બન્યો 
અમદવાદના ગીતા મંદિર એસટી બસસ્ટોપની બહાર મોટી સંખ્યામાં મુસાફરો નજરે પડ્યા. પરિવારજનો તેમજ હાથમાં અને માથા પર બેગ સાથે સવારી મળશે તેવી રાહમા તેઓ અહી બેસ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ રીક્ષા મારફતે એસટી સ્ટેન્ડ પર પહોંચ્યા, પણ એસટી સ્ટેન્ડ પહોંચી મુસાફરો અટવાયા છે. કરફ્યૂમાં એસટીની સુવિધા પણ બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ રીક્ષા ચાલકો પણ અમદાવાદની બહાર સુધી લઈ જવા બેથી ત્રણ ગણું ભાડું માગતા હોવાનું મુસાફરોએ જણાવ્યું . એસટી સેવા બંધ થતાં મુસાફરોને હાલાકી પડી રહી છે. ગીતા મંદિર એસટી સ્ટોપ કે જ્યાં હજારો લોકો રોજની મુસાફરો કરતા હતા, એ જગ્યા કરફ્યૂને કારણે સૂમસામ બની છે. ગણતરીના કર્મચારીઓ એસટી સ્ટેન્ડ પર નજરે પડ્યા હતા. 

અમદાવાદમા બસોના પૈડા થંભી ગયા 
અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસના પૈડા પણ થંભી ગયા છે. બે દિવસમા કરફ્યૂને પગલે જાહેર ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરાઈ છે. જ્યાં રોજની સરેરાશ 650 એએમટીએસ બસો રસ્તા પર દોડતી હોય છે, અને 150 થી વધારે બીઆરટીએસ બસો મુસાફરોની સેવામાં હાજર હોય છે, ત્યાં આજે કરફ્યૂને પગલે તમામ બસ બંધ કરાઈ છે. માત્ર રેલવે અને એરપોર્ટના મુસાફરોને ઘર સુધી પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરાઈ છે. આ માટે 150 એએમટીએસ બસ આ સેવા માટે ફાળવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news