Ahmedabad: માસૂમ બાળકીની 'જીંદગી જીવવાની જીદ' સામે ગંભીર બીમારીએ હેઠા મૂક્યા હથિયાર

'કોરોના' (Coronavirus), 'મ્યુકરમાઇકોસિસ' (Mucormycosis) જેવા ભયાવહ રોગનું નામ સાંભળી લોકોના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે

Ahmedabad: માસૂમ બાળકીની 'જીંદગી જીવવાની જીદ' સામે ગંભીર બીમારીએ હેઠા મૂક્યા હથિયાર

અતુલ તિવારી/ અમદાવાદ: 'કોરોના' (Coronavirus), 'મ્યુકરમાઇકોસિસ' (Mucormycosis) જેવા ભયાવહ રોગનું નામ સાંભળી લોકોના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે. પરંતુ જો હકારાત્મક અભિગમથી આવા રોગોનો સામનો કરવામાં આવે તો તેમાંથી મુકત થવુ અધરૂ નથી. અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલના (Civil Hospital) ટ્રોમા સેન્ટરના આઇ.સી.યુ.માં (ICU) દાખલ કરાયેલ 10 વર્ષની કિર્તી કોઠારીની 'જીંદગી જીવવાની જીદ' અને રોગને ગમે તે ભોગે હરાવવાનો હકારાત્મક અભિગમ અને વલણને જોતા તમે તેનાથી પ્રભાવિત થયા વિના ના રહી શકો.

અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલના (Civil Hospital) ટ્રોમા સેન્ટરમાં MIS-C થી પીડિત 10 વર્ષીય કિર્તી કોઠારી 12 દિવસની સારવાર દરમિયાન પળભર માટે પણ હિંમત હારી નહી. જીદ હતી તો ફક્ત જીવી જવાની. આ જીદને લઇને સમગ્ર સારવાર કરાવ્યા બાદ અંતે MIS-Cને હરાવીને સ્વગૃહે પરત ફરી છે. સમગ્ર ઘટના એવી છે કે, અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં (Maninagar) રહેતી 10 વર્ષની કિર્તી કોઠારી વેકેશન માણવા રાજસ્થાનના (Rajasthan) અજમેર સ્થિત દાદા ના ઘરે ગઇ હતી. તે દરમિયાન 10 મી મે ના રોજ કિર્તીને એકાએક હાઇગ્રેડ તાવ ચઢ્યો.

આંખ પર સોજો જણાઇ આવ્યો. માતા-પિતા ખૂબ જ ચિંતીત બન્યા. ક્ષણભર પણ વિલંભ કર્યા વિના તેઓ કિર્તીને અમદાવાદ લઇ આવ્યા. અમદાવાદ શહેરની (Ahmedabad) વિવિધ ખાનગી હોસ્પિટલમાં (Privet Hospital) તપાસ કરાવ્યા બાદ 10 થી 15 દિવસ સારવાર પણ કરાવી. સારવાર દરમિયાન આંખની પાસેના વિસ્તારના ઇન્ફેકશનનું (Infection) પરૂ દૂર કરવામાં આવ્યું. તે છતાંય સંતોષકારક પરિણામ મળ્યું નહી. છેલ્લે પહેલી જૂનના રોજ કિર્તીના માતા-પિતા અમદાવાદ સિવિલમા સારવાર માટે લઇ આવ્યા.

કિર્તી કોઠારી અમદાવાદ સિવિલમાં આવી ત્યારે તેને હાઇગ્રેડ તાવની ફરીયાદ હતી. સાથે સાથે ડાબી આંખના ભાગે સોજો જોવા મળી રહ્યો હતો. તે આંખ ખોલવા સક્ષમ પણ ન હતી. પેટમાં પણ અસહ્ય દુખાવાની ફરિયાદ હતી. આ તમામ ફરિયાદ અને તકલીફ જોતા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબોને MIS-C ની તકલીફ હોવાની સંભાવના જણાઇ આવી. જેની ખરાઇ કરવા તબીબોએ વિવિધ રીપોર્ટસ કરાવ્યા. રીપોર્ટસમાં MIS-C અને ફંગલ ઇન્ફેકશનનું પણ નિદાન થયું.

કિર્તીનું CRP (સી-રીએક્ટીવ પ્રોટીન), ડી-ડાઇમર વધવાના કારણે ઇન્ફ્લામેટરી માર્કર્સ (સોજા) વધી રહ્યા હતા. આ તમામ રીપોર્ટસ જોતા બાળરોગ વિભાગના ડૉ. બેલા શાહ, ડૉ. ચારૂલ મહેતા અને ડૉ. ધારા ગોસાઇની ટીમ દ્વારા ઇ.એન.ટી. વિભાગના નિષ્ણાંત તબીબો, ઓપ્થેલમોલોજીસ્ટ(આંખના તબીબ) અને ન્યુરોસર્જન્સ સાથે સમગ્ર કેસની વિગતવાર ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સમગ્ર સારવાર હાથ ધરી.

રોગની ગંભીરતા અને કિર્તીની તકલીફો જોતા આક્સમિક સંજોગોમાં ઇમ્યુનોગ્લોબ્યુલીન ઇન્જેકશન જે સોજો દૂર કરવા માટે અસરકાર છે અને એન્ટીફંગલ ઇન્જેકશનની સારવાર આપવાની જરૂરિયાત ઉભી થઇ. જે બંને ઇન્જેકશન મોંધા હોવાથી સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટની પરવાનગીની જરૂર હતી. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ પણ વિલંબ કર્યા વગર તમામ ઇન્જેકશન સરળતાથી ઉપલબ્ધ કરાવી આપ્યા. આ ઇન્જેકશન ઉપરાંત તમામ સપોર્ટીવ થેરાપી શરૂ કરવામાં આવી જે કારણોસર કિર્તીની તબીબયતમાં સુધાર જોવા મળ્યો.

12 દિવસની સધન સારવાર મેળવીને કિર્તી કોઠારી સંપૂર્ણપણે સાજી થઇ સ્વગૃહે પરત થઇ છે. સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ કહે છે કે, MIS-C રોગમાં શરીરના વિવિધ અવયવોમાં સોજો થતો જોવા મળે છે. જેના લક્ષણોમાં વધુ તાવ આવવો, ઝાડા-ઉલ્ટી થવી, પેટમાં દુખાવો થવો, આંખમાંથી પાણી પડવું, માથામા દુખાવો થવો, ચામડી પર ચાઠા પડવાનો સમાવેશ થાય છે. સામ્ન્ય રીતે ડેન્ગ્યુ, ઓરી, અછબડામાં પણ આ પ્રકારના લક્ષણો જોવા મળે છે.

સામાન્ય કિસ્સાઓમાં બાળકને કે તેના પરિવારમાં કોઇને કોરોના થયો હોય. કોરોનાના ઇન્ફેકશનથી આ પ્રકારના લક્ષણો બાળકમાં પ્રસરણ થયા હોય ત્યારે MIS-C થવાની  સંભાવનાઓ રહેલી હોય છે. અમદાવાદ સિવિલમાં બીજી લહેર બાદ 15 જેટલા બાળકો એમ.આઇ.એસ.સી. ની સારવાર હેઠળ આવ્યા છે. જેમાં મોટા ભાગના બાળકો સાજા થઇને ઘરે પરત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news