વર્ષનો અંતિમ દિન હોંશેહોંશે ફરવા નીકળેલા કપલના જીવનનો અંતિમ દિવસ બન્યો

વર્ષનો અંતિમ દિન હોંશેહોંશે ફરવા નીકળેલા કપલના જીવનનો અંતિમ દિવસ બન્યો
  • વન વિભાગની કારની ટક્કરે બાઈક ચાલક યુવક અને ફિયાન્સી બંને રોડ પર પટકાયા હતા
  • યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું, જ્યારે ફિયાન્સીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :નવા વર્ષની રાત્રિ ભિલોડનો સુતરિયા પરિવાર અને ઈડરના વણકર પરિવાર માટે દુખનું મોજુ લઈને આવ્યું. એક તરફ આખું વિશ્વ નવા વર્ષના આગમની ઉજવણી કરી રહ્યું હતું, ત્યાં બીજી તરફ આ પરિવારે તેમના વ્હાલસોયાને ગુમાવ્યા હતા. બંને પરિવારોમાં થોડા દિવસોમાં જ લગ્નના તોરણ બંધાવાના હતા, ત્યાં તો વર્ષના પહેલા જ દિવસે અર્થીઓ ઉઠી હતી. વન વિભાગની ગાડીથી સુતરિયા પરિવારનો યુવક અને વણકર પરિવારની યુવતીનું મોત નિપજ્યું છે. બંનેના થોડા દિવસોમાં લગ્ન થવાના હતા. આમ, વર્ષના અંતિમ દિવસ હોંશેહોંશે ફરવા નીકળેલો કપલના જીવનનો અંતિમ દિવસ બની રહ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડરના નેત્રામલી પાસે બે દિવસ પહેલા રાત્રિના સમયે વન વિભાગની કારથી અકસ્માત સર્જાયો હતો. વર્ષનો અંતિમ દિવસે ફિયાન્સીનો જન્મ દિવસ યુવક અને તેની ફિયાન્સી ફરવા માટે નીકળ્યા હતા. ત્યારે વર્ષનો અંતિમ દિવસ તેમના માટે આખરી દિવસ બન્યો હતો. ફીયાન્સીના જન્મ દિવસ ઉજવીને યુવક તેને પરત ઘરે મૂકવા જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વન વિભાગની કારની ટક્કરે બાઈક ચાલક યુવક અને ફિયાન્સી બંને રોડ પર પટકાયા હતા. ભિલોડાના મુનાઇના યુવકનું ગંભીર ઈજાને લઈને ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ફિયાન્સીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઇડર પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો : ગોંડલ હાઈવે પર કાર અને ટ્રક એવી જોરદાર ટકરાઈ કે ત્રણ મહિલાઓ અંદર જીવતી ભડથુ થઈ 

ભિલોડાના મુનાઈ ગામના સંજય સુતરિયાના લગ્ન ઈડરના રૂડરડી ગામના મમતા વણકર સાથે નક્કી થયું હતું. 31 ડિસેમ્બરે મમતાનો જન્મદિવસ હતો. જેથી આ કપલ બાઈક પર ફરવા નીકળ્યું હતું. મોડી સાંજે સંજય મમતાને તેના ઘરે છોડવા જઈ રહ્યો હતો ત્યારે નેત્રામલી પાસે ડીસીએફ લખેલી ટાટાસુમોએ તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં સંજયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત મમતાને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. 

થોડા દિવસોમાં જ બંનેના લગ્ન થવાના હતા, ત્યારે બંને પરિવારોમાં ગમગીન માહોલ છવાઈ ગયો હતો. જોકે, જે ગાડીથી તેમનો અકસ્માત સર્જયો હતો તે વન વિભાગના ડીસીએફ( ડિસ્ટ્રીક્ટ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, સામાજીક વનીકરણ અધિકારી) ની સરકારી ગાડી હતી. ત્યારે આ સરકારી વાહનમાં અધિકારીની હાજરી હોવાની પણ ચર્ચા ઉઠી છે. અકસ્માત સર્જીને ચાલક અને તેની સાથેના અધિકારી ફરાર થઇ ગયા હતા. ત્યારે પોલીસે કહ્યું કે, ચાલક કે અન્ય કોઈ અકસ્માત સ્થળ પર હાજર ન હતા. ઇડર પોલીસે ગાડીનો નંબર લખી ગુનો નોંધ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news