મૂળ ભાજપના નેતાઓ કરે છે ખુરશી સાફ : કોંગ્રેસના બને છે મંત્રી, આ કયા નેતાએ ભાજપને ઝાટકી

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ આ પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. આજે અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાએ પાર્ટી છોડી દીધી છે. આ પહેલા ઘણા કોંગ્રેસના નેતા પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા છે. આ વચ્ચે આપના નેતા ઉમેશ મકવાણાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. 
 

મૂળ ભાજપના નેતાઓ કરે છે ખુરશી સાફ : કોંગ્રેસના બને છે મંત્રી, આ કયા નેતાએ ભાજપને ઝાટકી

ભાવનગરઃ ગુજરાતના રાજકારણમાં આજે મોટી ઉથલપાથલ થઈ છે. રાહુલ ગાંધીની 7મી માર્ચે ન્યાય યાત્રા પહેલાં ગુજરાત કોંગ્રેસમાંથી 2 મોટી વિકેટો પડી છે. કોંગ્રેસના કદાવર નેતા અને ધારાસભ્ય અર્જુંનભાઈ મોઢવાડીયા અને અંબરિશ ડેરે આજે રાજીનામું આપીને મોટો ઝટકો આપ્યો છે. આ બે નેતાઓના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં નવો મોડ આવ્યો છે. ગુજરાતમાં લોકસભાની 26 સીટો માટે ભાજપે 15 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યો નથી પણ ભાવનગર અને ભરૂચ બેઠક આપ સાથે ગઠબંધનમાં છોડી દીધી છે. કોંગ્રેસ ગુજરાતમાં 24 સીટો પરથી ચૂંટણી લડવાની છે પણ હાલમાં કોગ્રેસમાં આયારામ ગયારામ જેવી સ્થિતિ છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ થઈ રહી છે. 

ઝાડું હાથમાં આવ્યું એટલે કચરો સાફ થઈ ગયો
આજે અમરીશ ડેર અને અર્જુંન મોઢવાડીયાના રાજીનામા બાદ ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના મુખ્ય પક્ષો કોંગ્રેસ અને આપના કાર્યકરોની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાએ અમરીશ ડેર અને અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કોંગ્રેસમાંથી આપેલા રાજીનામાને લઈ મોટું નિવેદન કર્યું હતું. ઉમેશ મકવાણા જણાવ્યું હતું કે આપનું ઝાડું હાથમાં આવ્યું એટલે કચરો સાફ થઈ ગયો છે, હાથની અંદર ઝાડું આવી જતાં કચરો સાફ થયો અને બધો કચરો ભાજપમાં ગયો છે. હવે સાચું ભાજપ રહ્યું જ નથી મૂળ ભાજપના નેતાઓ ખુરશી સાફ કરવામાં લાગ્યા છે, અને કોંગ્રેસમાંથી આવેલાને મંત્રી બનાવાય છે. પીએમ મોદીને હવે ગુજરાતની પ્રજા ઉપર વિશ્વાસ રહ્યો નથી એટલે કોંગ્રેસના સભ્યોને ખરીદી રહયા છે. આપના ઉમેદવારના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાલમાં ગુજરાત કોંગ્રેસમાંથી 100થી વધારે નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાના સપનાં જોતી ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહી છે. 

અર્જુન મોઢવાડિયાને કોંગ્રેસને આપી સલાહ
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. એક બાદ એક કોંગ્રેસને ફટકા લાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને રામ રામ કરતા સમયે અર્જુન મોઢવાડિયાને કોંગ્રેસના નેતાઓને એક સલાહ પણ આપી છે. જેમાં તેમણે કહ્યુ કે મારા જેવા કાર્યકરો કેમ પાર્ટી છોડી રહ્યા છે, તે અંગે કોંગ્રેસે મંથન કરવાની જરૂર છે. અર્જુન મોઢવાડિયાની સાથે સાથે કોંગ્રેસને બીજો પણ એક ઝટકો લાગ્યો હતો. જેમાં સાંજે અર્જૂન મોઢવાડિયા રાજીનામું આપ્યું તો સવારે રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગગજ નેતા અંબરીશ ડેરે પણ કોંગ્રેસને અલવિદા કહ્યુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષથી અમરિશ ડેરને ભાજપમાં જોડવાને લઈને સંકેત આપી રહ્યા હતા. 

ભાવનગરમાં આપના ઉમેદવારને ઝટકો લાગશે
અંબરીશ ડેરને ભાજપ દ્વારા રાજુલા વિધાનસભા બેઠક પર લડાવવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. તો બીજી તરફ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ દ્વારા લોકોસભાની ટીકીટ આપવા ભાજપ મોવડી મંડળ તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગર બેઠક પર કોળી સમાજનો ચહેરો ઉતારે તેવા ગણિતો છે. હાલમાં ભારતીબેન શિયાળ એ કોળી નેતા જ છે. ભાજપ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક પર ઉતારે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળનું નામ કપાઈ શકે છે. હવે મહત્વની બાબતએ છે કે કોંગ્રેસ અને આપ દ્વારા ભાવનગર અને ભરૂચ બેઠક પર ગઠબંધન ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે વિપક્ષની રણનીતિનો જવાબ આપવા ભાજપ ભાવનગરમાં કોળી સમાજનો ચહેરો ઉતારી શકે છે. 

ભાજપે અમરીશને લઈને ગેમ રમી
ભાવનગર લોકસભા બેઠક પર આપના ધારાસભ્ય ઉમેદવાર હોવાથી ભાજપે એમનો તોડ કાઢવા માટે સમીકરણો ફેરવી દીધા છે. ભાવનગર જિલ્લામાં લોકસભા બેઠક ઉપર 1980થી કૉંગ્રેસને માત્રને માત્ર હાર મળી છે. હવે 2024ની લોકસભા ચૂંટણીને લઈને ગઠબંધન કરવામાં આવ્યું છે. ભાવનગર લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે બોટાદ જિલ્લાના ઉમેશ મકવાણા પસંદ કર્યા છે.  શક્તિસિંહ ગોહિલના હોમટાઉન એવા ભાવનગર બેઠક ઉપર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ હાર મેળવતી આવી છે, તેના ઉમેદવાર જીત્યા નથી. મોટા માર્જિનથી કૉંગ્રેસે આ બેઠક ગુમાવી છે. આ વર્ષે નવો પ્રયોગ કદાચ કરવામાં આવ્યો છે પણ ભાજપે આપ અને કોંગ્રેસના ગઠબંધનને હરાવવા માટે વિકલ્પ શોધી લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news