'તારા દાણા પાણી ભરાઈ ગયા, તને પતાવી દઈશું', કહીને મંદિરના ઓટલે યુવકની દર્દનાક હત્યા
અમદાવાદની સાબરમતી પોલીસની ગીરફતમાં દેખાતા આરોપીઓના નામ અજય ઉર્ફે ચકો ઠાકોર, રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ અને કાર્તિક રાજપુત છે. આ ત્રણે આરોપીઓ ઓગણજ, સાબરમતી અને ચાંદલોડિયા અને વિસ્તારમાં રહે છે અને સાબરમતી પોલીસે આ ત્રણેયની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જુના ઝઘડાની અદાવત રાખીને મંદિરના ઓટલે યુવકની હત્યાને અંજામ ત્રણ શખ્સો દ્વારા આપવામાં આવ્યો છે. હત્યાનો બનાવ આખો સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે. અમદાવાદની સાબરમતી પોલીસની ગીરફતમાં દેખાતા આરોપીઓના નામ અજય ઉર્ફે ચકો ઠાકોર, રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ અને કાર્તિક રાજપુત છે. આ ત્રણે આરોપીઓ ઓગણજ, સાબરમતી અને ચાંદલોડિયા અને વિસ્તારમાં રહે છે અને સાબરમતી પોલીસે આ ત્રણેયની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ ની વિગત ની વાત કરીએ તો ગઈ તારીખ 6 જુલાઈ 2024 ના રોજ આ ત્રણેય આરોપીઓએ અન્ય એક આરોપી સાથે ભેગા મળીને સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુ રાણીપ માં સરસ્વતી નગર વિભાગ ૨ પાછળ મહાકાળી માતાના મંદિરના ઓટલા પર અમરજીત ચૌહાણ નામના 23 વર્ષીય યુવકની હત્યા ને અંજામ આપ્યો હતો. જે મામલે રમાકાંત રાજપુત નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી.
5 જુલાઈ 2024 ના રાત્રીના સમયે રમાકાંત ને ગરમી લાગતા તે રાતના 11:00 વાગે ઘરની બહાર મંદિરના ઓટલા ઉપર સુવા માટે ગયો હતો. જ્યાં મોડી રાત્રે તેની બાજુમાં રહેતો અમરજીત ચૌહાણ પણ તેજ ઓટલા ઉપર સુવા આવ્યો હતો. 6 જુલાઈ ના સવારના 4:30 વાગે આસપાસ બૂમાબૂમ થતા તેઓ જાગી ગયા અને જોતા અમરજીત ચૌહાણને ચાર જેટલા ઈસમો તીક્ષણ હથિયાર તેમજ લાકડીઓથી માર મારતા હોય જેમાં અજય ઠાકોર રાહુલ ઠાકોર દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોય અને અન્ય 2 યુવકો લાકડીથી આડેધડ મારતા હતા. જે બાદ ચારેય શખ્સો ફરાર થઈ જતા ફરિયાદી અમરજીત ચૌહાણને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.
અમરજીત ચૌહાણને હોસ્પિટલ લઈ જવાતા રસ્તામાં તેણે રમાકાંતને જણાવ્યું હતું કે તે અગાઉ ચાણક્યપુરી ખાતે રહેતો હતો ત્યારે અજય ઠાકોર અને રાહુલ ખિસકોલી સાથે મોટરસાયકલની ચાવી માંગવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારથી અવારનવાર તેઓ ધમકીઓ આપતા હતા અને તેઓના ડરના કારણે તેણે ત્યાંથી મકાન બદલી સાબરમતી ખાતે રહેવા આવ્યો હતો. ચાર દિવસ પહેલા અજય ઠાકોર અને રાહુલ તેમજ પપ્પુ ઠાકોર અને કાર્તિક દ્વારા સરસ્વતી નગર ખાતે અમરજીતને મળીને તારા દાણા પાણી ભરાઈ ગયા છે, ગમે ત્યારે તને પતાવી દઈશું તે પ્રકારની ધમકી ઓ આપી હતી. જે નિવેદન આપ્યા બાદ અમરજીત ને લઈને ફરિયાદી હોસ્પિટલ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત થતાં આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો.
સાબરમતી પોલીસે આરોપી ઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં અજય ઠાકોર સામે અગાઉ વાડજ, નારણપુરા અને સોલામાં પાંચ ગુના નોંધાયા છે. જ્યારે રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ સામે સોલા સાબરમતી વાડજ સહિત 9 ગુના નોંધાયા છે. કાર્તિક રાજપૂત સામે સાબરમતી, નારણપુરા, સોલા સહિત ચાર ગુનાઓ નોંધાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે