ધરતીનું ઋણ અદા! દેશના સિમાડે સેવા આપ્યા બાદ નિવૃત BSF જવાન સુરતમાં યુવાનોને આપી રહ્યો છે ખાસ ટ્રેનિંગ
યુવા ધન કોઈ ખોટા માર્ગે ન જાય અને દેશ સેવાના ભગીરથ કાર્યમાં જોડાય આ માટે સુરતમાં સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન કાર્યરત છે. જેમાં બીએસએફના રીટાયર્ડ જવાન તેમને ફિઝિકલ ટ્રેનિંગ આપે છે...
Trending Photos
ચેતન પટેલ/સુરત: 21 વર્ષ સુધી બીએસએફમાં ફરજ બજાવી દેશની સેવા કરનાર જવાન હવે નિવૃત્ત થયા બાદ પણ દેશની સેવા કરવા માટે આર્થિક રીતે કમજોર વર્ગના યુવાનોને સેનામાં ભરતી થવા માટે ટ્રેનિંગ આપી રહ્યા છે. યુવા ધન કોઈ ખોટા માર્ગે ન જાય અને દેશ સેવાના ભગીરથ કાર્યમાં જોડાય આ માટે સુરતમાં સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન કાર્યરત છે. જેમાં બીએસએફના રીટાયર્ડ જવાન તેમને ફિઝિકલ ટ્રેનિંગ આપે છે, જ્યારે આ ગ્રુપના શિક્ષિત વર્ગના યુવાનો આશરે 60 થી વધુ યુવાનોને ફોર્સિસ જવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે.
હાલ મુશળધાર વરસાદ વચ્ચે પણ સુરતના ઉધના વિસ્તારમાં 60 થી વધુ યુવક યુવતીઓ દેશભક્તિના રંગમાં રંગાઈ દેશની સેવા કરવા માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે. ભારતીય સેનામાં જોડાવા માટે આર્થિક રીતે પછાત વર્ગના યુવક યુવતીઓ સુરતના ઉધના વિસ્તારમાં તનતોડ મહેનત કરી રહ્યા છે અને તેમની મદદ ભારતીય બીએસએફના રીટાયર્ડ જવાન કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતના આવા યુવાનો કે જેઓ આર્થિક રીતે પછાત છે તેમ છતાં ભારત દેશની સેવા કરવા માટે સેનામાં જવા માંગે છે પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ કોઇ પણ એકેડમીમાં પ્રવેશ કરી શકતા નથી તેવા યુવાનોને સુરત શહેરના સનરાઈઝ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન દ્વારા નિશુલ્ક ભરતી માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે.
આ સંસ્થાના સાથે જોડાયેલા બીએસએફના નિવૃત્ત જવાન શિવરાજ સાવલે પોતાનો 21 વર્ષ દેશસેવા આપી ચૂક્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર પર ફરજ બજાવનાર શિવરાજ ટ્રેનિંગ સેન્ટરમાં પણ સેવા આપી ચૂક્યા છે જેથી તેમને ખબર છે કે ભારતીય સેનામાં પ્રવેશ મેળવવા માટે કેવી રીતે ફિઝિકલ ટ્રેનિંગની જરૂરિયાત હોય છે તેમના આ અનુભવ તેઓ હાલ સુરતમાં આવા વર્ગના યુવાનોને આપી રહ્યા છે કે જેઓ આર્થિક રીતે સક્ષમ નથી તેમ છતાં દેશ સેવા કરવા માટે તેઓ ભાવના રાખે છે.
પાંચ વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધી તેઓ યુવાનોને ખાસ ટ્રેનિંગ આપે છે જેમાં યુવતીઓ પણ સામેલ છે 10 km સુધી યુવાનો અને સાત કિલોમીટર સુધી યુવતીઓને રોજ દૌડ કરાવવામાં આવે છે આ ઉપરાંત અનેક પ્રકારની ફિઝિકલ ટ્રેનિંગ તેઓ નિશુલ્ક આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે