સુરતમાં સર્જાયા લાગ્ણીસભર દ્રશ્યો! અંગદાન મેળવનાર મહિલાએ માતા બની મૃતકની દીકરીનું કર્યું કન્યાદાન
આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર કરનારાં દ્રશ્યો સર્જાયાં હતાં.
Trending Photos
ચેતન પટેલ/સુરત: અંગદાનને કેમ મહાદાન કહેવામાં આવે છે એનો લાગણીસભર કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. ચાર વર્ષ પહેલાં એક મહિલાને ડૉક્ટરોએ બ્રેનડેડ જાહેર કર્યાં હતાં. બાદમાં આ મહિલાની કિડની દાન કરાઈ. હવે ચાર વર્ષ પછી બ્રેનડેડ થયા બાદ સ્વર્ગવાસી થયેલી મહિલાની દીકરીનાં લગ્ન યોજાયાં. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર કરનારાં દ્રશ્યો સર્જાયાં હતાં.
ન્યૂ સિટીલાઈટમાં રહેતા કલ્પેશભાઈ લાકડાવાળાનાં પત્ની રાધેકિરણ કલ્પેશભાઈ લાકડાવાળાં ચાર વર્ષ પહેલાં 16 જૂન 2019ની રાત્રે બાથરૂમમાં તેમનો પગ લપસતા ગંભીર રીતે ઇજાગ્ર્સ્ત થયાં હતાં. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં, જ્યાં 20 જૂને તેમને બ્રેનડેડ જાહેર કરાયાં. તેમના પરિવારે તેમનું હૃદય, ફેફસાં, કિડની અને આંખોનું દાન કરી 6 વ્યક્તિને નવું જીવન આપ્યું હતું.
આ દરમિયાન થોડા દિવસ પહેલાં રાધેકિરણબહેનની દીકરી ક્રિષ્નાનાં લગ્ન હતાં.અંગદાનના એક કાર્યક્રમમાં રાધેકિરણબહેનની કિડની મેળવી નવું જીવન મેળવનારાં બાયડનાં જ્યોત્સનાબેન સાથે પરિવારની મુલાકાત થઈ હતી અને બંને પરિવાર સંપર્કમાં આવ્યા. જેથી ક્રિષ્નાનાં લગ્નમાં જ્યોત્સનાબેન અને તેમના પરિવારને પણ આમંત્રણ અપાયું. જ્યોત્સનાબહેન અને તેમના પતિ પણ ક્રિષ્ના તેમની જ દીકરી હોય તેવા ભાવ સાથે લગ્નપ્રસંગમાં હાજર રહ્યાં હતાં.
એટલું જ નહીં પણ જ્યોત્સના બહેનને પરિવારે લગ્નપ્રસંગની પૂજાવિધિ માટે બેસવાનું કહેતાં તેઓ પણ ખુશ થઈ પૂજાવિધિમાં બેઠાં હતાં. તેમજ દીકરી ક્રિષ્નાના કન્યાદાનની વિધિ પણ પોતે કરી હતી. પોતાની માતાની કિડની જ્યોત્સના બહેને મેળવી હોય અને તેઓ પોતે કન્યાદાન કરતાં હોય ત્યારે દીકરી ક્રિષ્નાને પણ જાણે કે તેની માતા જ પોતાનાં લગ્નપ્રસંગમાં હાજર રહી હોય તેવી અનુભૂતિ થઈ હતી.
સ્વાભાવિક છે કે દીકરી પરણીને સાસરે જતી હોય ત્યારે તેની સામે સૌથી પહેલાં મા હોય છે. જોકે મારી કમનસીબી હતી કે આ સમયે મારી પાસે મા ન હતી પરંતુ એક વાતનો સંતોષ હતો કે જેમનાં શરીરમાં મારી માનું એક અંગ છે તે જ્યોત્સના માસીએ મારું કન્યાદાન કર્યું. એવું લાગ્યું કે મમ્મી મને કશે ને કશે જુએ છે અને એમના આશીર્વાદ છે મારી સાથે છે.
બ્રેનડેડ મહિલાની પુત્રી રાધેકિરણબેનનું હૃદય અને ફેફસાં મહારાષ્ટ્રના સતારાની 25 વર્ષીય રૂપાલીમાં એક કિડની બાયડનાં જ્યોત્સનાબેનમાં અને એક કિડની વડોદરાના રમેશભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયાં હતાં. તેમજ બંને આંખોનું ચક્ષુબેન્કમાં દાન કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે