મોરબીની હોનારતોનું શું છે રહસ્ય? શું મોરબીને મળેલા શ્રાપની લોકવાયકા સાચી પડી!

A Samay Ni Vaat Chhe : ઝૂલતા પુલના નિર્માણની અને મોરબીના રાજાશાહી વખતના વિકાસની સાથએ મોરબી પુલ સાથે કેટલીક લોકવાયકા જોડાયેલી છે, એ પણ એક નહિ બે છે

મોરબીની હોનારતોનું શું છે રહસ્ય? શું મોરબીને મળેલા શ્રાપની લોકવાયકા સાચી પડી!

ચિંતન ભોગાયતા/અમદાવાદ :ગત રવિવારે મોરબીમાં ઝૂલતા પૂલની હોનારત બની. જેને આખા ગુજરાતને હચમચાવી દીધું. મોરબીના મચ્છુ નદીમાં કેટલાય લોકો અને બાળકોએ જળ સમાધિ લીધી. કેટલાય પરિવારોએ સ્વજન ગુમાવ્યા. રાજાશાહી વખતના આ પૂલની કહાની અનોખી છે. આ એ સમયની વાત છે જ્યારે મોરબીના શાસક હતા સર વાઘજી ઠાકોર. વર્ષ હતું 1887. આ એ જ સમય હતો જ્યારે રાજાએ મોરબીમાં ઝૂલતા પુલનું નિર્માણ કરાવ્યું હતું.

રાજાને પોતાના મહેલથી દરબારગઢ સુધી જવું હોય તો ફરીને જવું પડતું હતું. માટે રાજાએ મચ્છુ નદી પર આ પુલનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયે આ ઝુલતા પુલ માટેનું મટિરિયલ ઈંગ્લેન્ડથી મંગાવાયું હતું. આ પૂલ બનાવાયો એ સમયે અંગ્રેજો પણ આશ્ચર્ય સાથે ઝુલતા પૂલને જોવા આવતા. વળી વિદેશમાં પણ મોરબીના રાજવી પરિવારને સારા સંબંધો એટલે ત્યાંથી પણ રજવાડાં ભારત આવે એટલે ઝૂલતા પુલની મુલાકાત જરૂર લે. 

મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે મોરબીને સૌરાષ્ટ્રનું પેરિસ બનાવી દીધુ, જેમાં મોરબીના ઝુલતા પુલ સિવાય વુડહાઉસ નામનો લોખંડનો ટાવર બંધાવ્યો, જેને ગ્રીન ટાવર તરીકે ઓળખાય છે. આ ટાવર અદ્દલ પેરિસના એફિલ ટાવર જેવો જ લાગે. 

1877ના વિક્ટોરિયા રાણીના શાસનના 40 વર્ષ પૂરા થયા એ વખતે વાઘજી મહારાજને કેસર-એ-હિન્દનું બિરૂદ આપ્યું હતું. જેથી મહારાજે મોરબીના એક પુલને કેસર-એ-હિન્દ નામ આપ્યું. પુલની શોભા વધારવા માટે મહારાજાએ સ્પેનિશ આખલાઓની બે કાંસની પ્રતિમા છેડે મુકાવી અને પુલના છેડે રાજના પ્રિય બે ઘોડાની પ્રતિમા મુકાવી જેના નામ છે. રોયલ અને ડોલર.

આ તો વાત થઈ ઝૂલતા પુલના નિર્માણની અને મોરબીના રાજાશાહી વખતના વિકાસની. હવે વાત કરીએ લોકવાયકાની. એ લોકવાયકા જે લોક મુખે ચર્ચાય છે.

શું છે લોકવાયકા? 
એક લોકવાયકા એવી છે કે જ્યારે મચ્છુ-2 ડેમ બનતો હતો ત્યારે જોગડુંગરી આશ્રમ ડેમના ડૂબમાં આવતો હતો. પૂજારીએ ના પાડી છતાં ત્યાં ડેમ બનાવાયો અને પૂજારીનો આત્મા કચવાતાં શ્રાપ લાગ્યો કે મોરબી ત્રણ વખત સાફ થઈ જશે. મોરબીમાં મચ્છુ હોનારત થઈ, જેમાં હજારો લોકો અને પશુઓનાં મૃત્યુ થઈ ગયાં. આ ઘટનાને લોકો શ્રાપ સાથે જોડે છે. 

બીજી લોકવાયકામાં એવું કહેવાય છે કે મોરબીના રાજા જિયાજી જાડેજા એક સ્ત્રી તરફ આકર્ષાયા. એ સ્ત્રીને ન ગમ્યું. પરંતુ રાજા માન્યા નહીં અને એ સ્ત્રીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. રાજાથી કંટાળી સ્ત્રીએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું અને મૃત્યુ પામી. ડૂબતાં પહેલાં તેણે કહ્યું હતું કે, તમારી સાત પેઢીઓ જશે અને પછી ન તો તમારો વંશ રહેશે કે ન તો તમારું શહેર રહેશે. એવું કહેવાય છે 1978ના વર્ષમાં મોરબીના છેલ્લા રાજવી મયૂરધ્વજજી કોઈ સાથે લડ્યા અને પોતાનો જીવ ગુમાવ્યો.

લોકવાયકાઓ જે પણ હોય એ હકીકત છે કે મોરબી ભૂતકાળમાં ઘણી થપાટો ઝીલી ચૂક્યું છે. પછી તે મચ્છુ ડેમ તૂટવાની ઘટના હોય કે પછી વાવાઝોડું. 2001નો ભૂકંપ હોય કે તાજેતરમાં બનેલી ઝુલતો પૂલ તૂટવાની ઘટના. મોરબી આ તમામ ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. 

જાણવા જેવું 
મોરબીના ઝૂલતા પુલની રાજાશાહી વખતની લંબાઈ 765 ફૂટ અને પહોળાઈ 4.6 ફૂટ હતી. ઝૂલતો પુલ બનાવાયો ત્યારે નદીની 60 ફૂટ ઊંચાઈએ પુલનું નિર્માણ કરાયું હતું. આ પુલના નિર્માણ માટેનું મટિરિયલ ઈંગ્લેન્ડથી મંગાવાયું હતું. સરકારે 2005ની સાલમાં ઝૂલતા પુલને હેરિટેજ સ્થળમાં સમાવી લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news