શિયાળુ પાકના વાવેતર પહેલાં મોટી આફત, માવઠાની આગાહી સાથે ખાતરની પણ અછત

ચોમાસાની સીઝનમાં છેલ્લે છેલ્લા વરસાદ ન પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. હવે ખેડૂતો શિયાળુ પાકના વાવેતરમની તૈયારીઓ કરી રહ્યાં છે. પરંતુ હવે જગતના તાત માટે નવી મુશ્કેલી સામે આવી છે. સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ખાતરની અછતને કારણે ખેડૂતોએ લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. 

શિયાળુ પાકના વાવેતર પહેલાં મોટી આફત, માવઠાની આગાહી સાથે ખાતરની પણ અછત

રાજકોટઃ જગતના તાત પર માવઠાની ઘાત મંડરાઈ રહી છે, આ એક ઘાત ઓછી હતી ત્યાં ઘણાં વિસ્તારોમાં ખાતરની અછત સર્જાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. સરકાર પૂરતો જથ્થો હોવાની વાત કરે છે, તેમ છતાં ખેડૂતોને ખાતર લેવા માટે લાઈનો લગાવવાની ફરજ પડી છે. શું છે આખો મામલો જોઈએ આ અહેવાલમાં... 

રાજ્યના ખેડૂતોના માથે એક પછી એક ઘાત આવી રહી છે. ક્યાંક વાવાઝોડાથી પાકને નુકસાન, તો ક્યાંક પાણી વિના પાક થઈ રહ્યો છે બરબાર... એટલું જ નહીં નકલી બિયારણ પણ ખેડૂતોનો મહામૂલો પાક બગાડી રહ્યા છે. ત્યારે શિયાળુ પાકના વાવેતર વચ્ચે હવામાન વિભાગે કરેલી માવઠાની આગાહીએ પણ ખેડૂતોની ચિંતા વધારી છે. આટલી સમસ્યા ઓછી હતી ત્યાં હવે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખાતરની અછત સર્જાઈ છે. 

રાજ્યમાં શિયાળાએ દસ્તક આપી દીધી છે. શિયાળો શરૂ થતાં જ ખેડૂતોએ શિયાળું પાકના વાવેતરની શરૂઆત કરી દીધી છે. એક તરફ શિયાળું પાક પર માવઠાની ઘાત વર્તાઈ રહી છે, ત્યાં બીજી તરફ પાક માટે ખુબ જ જરૂરી એવા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ખૂબ રોષે ભરાયા છે. 

સરકાર દર વખતે ખાતરનો પુરતો જથ્થો હોવાની વાતો કરતી હોય છે. પરંતુ જ્યારે ખરેખર ખાતરની જરૂર હોય ત્યારે ખેડૂતોને ખાતર લેવા માટે લાઈનો લગાવવી પડે છે. રાજકોટના ઉપલેટા પંથકના ખેડૂતોને ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવવી પડી રહી છે. એટલું જ નહીં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખેડૂતને માત્ર 5 થેલી જ ખાતર આપવામાં આવી રહ્યુ છે. ત્યારે આવા સમયે રોષે ભરાયેલા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ખેડૂત માટે 5-5 થેલી ખાતર મળે છે, જ્યારે વેપારીઓએ ખાતરના ગોડાઉન ભરીને રાખ્યા છે. 

સરકાર એક તરફ બધુ જ બરાબર હોવાની વાતો કરી રહી છે, ત્યારે થોડા દિવસ પહેલા જ કિસાન સંઘના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલ દુધાત્રાએ ખાતરની અછતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાતરની વધુ અછત છે. DAP અને NPK ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે. એટલે જ વિઠ્ઠલ દુધાત્રાએ પત્ર લખીને વિવિધ કંપનીઓ પાસે ખાતરનો સ્ટોક હોય તો રિલીઝ કરવા અપીલ કરી હતી. 

એક તરફ સરકાર ખાતરની અછત ન હોવાનો દાવો કરી રહી છે. પરંતુ જે રીતે ખેડૂતો ખાતર લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. તે દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થાય છે કે સ્થિતિ કઈક અલગ છે, ત્યારે જગતનો તાત પણ સરકાર પાસે ગુહાર લગાવી રહ્યો છે કે તેમનો મહામૂલો પાક નિષ્ફળ જાય તે પહેલા સરકાર ખાતરની અછત દૂર કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news