નાનકડી બાળકીની છેડતી કરનારા આધેડનું જેલમાં મોત, પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
Trending Photos
તેજસ મોદી/સુરત : પોલીસ પર સતત ગંભીર આરોપ લાગી રહ્યા છે, ત્યાં જ લાજપોર જેલનું પ્રશાસન પણ બાકાત રહ્યું નથી. સુરતના સોની ફળિયાની બાળકીની શારીરિક છેડતી પ્રકરણમાં લાજપોર જેલમાં મોકલી અપાયેલા આધેડને સારવાર માટે સિવિલ લાવતા મૃત જાહેર કરાયો હતો. સમગ્ર મામલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે, છેડતીના આરોપ બાદ લોકોના ટોળાએ વૃદ્ધ વસંતભાઈને માર મારી પોલીસને હવાલે કરી દીધો હતો. તારીખ 11 જુલાઈએ શારીરિક છેડતી કરનારને બેડ મેનર્સ કહીને ત્યાંથી ભાગી આવી હતી. બાળકીએ ઘરે માતાને વાત કરતાં સોસાયટીમાં હંગામો થયો હતો.
સમગ્ર મામલાની હકિકત એમ છે કે, ગત 11મીએ સાત વર્ષીય છોકરી બિલ્ડિંગમાં રમી રહી હતી. તેનો બોલ એક ફ્લેટમાં જતાં તે લેવા માટે અંદર ગઇ ત્યારે આ ફ્લેટમાં રહેતા વસંત ઠાકોર સુરતીએ આ બાળકીને પકડી રમાડવાના બહાને હાથ ઉપર કિસ કરી શારીરિક છેડતી કરી હતી. બાળકી બેડ મેનર્સ કહીને ત્યાંથી ભાગી આવી હતી. આ ઘટનાની બે દિવસ બાદ બાળકીએ માતાને વાત કરી હતી. સોસાયટીની મિટિંગમાં બાળકીએ પોતાની સાથે અશ્લીલ હરકત કરનાર હવસખોર ઓળખી બતાવતાં હંગામો મચ્યો હતો.
રહીશોએ પોલીસ બોલાવી ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આધેડને જેલ ભેગો કરી દેવાયો હતો. આ દરમિયાન શનિવારે મોડી સાંજે વસંતભાઈની તબિયત અચાનક લથડતા તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક વસંતભાઈની દીકરી ખુશ્બુએ આરોપ લગાવ્યો હતો કે, સોમવારે વસંતભાઈને મળવા ગઈ હતી ત્યારે જ તેમની તબિયત બગડેલી હતી. હાથ પર બોટલ ચઢાવવામાં આવ્યા હતા. અમને વ્હીલ ચેર પર મુલાકાત આપી હતી. તે સમયે તેઓ અમને ઓળખતા પણ હતા.
મહત્વનું છે કે, જે દિવસે ઘટનાના બની હતી ત્યારે લોકોએ વસંતભાઈને માર માર્યો હતો. જેમાં તેમના માથામાં માર મરાયો હતો. ત્યારથી જ તેમની હાલત આવી થઈ ગઈ હતી. અમે જ્યારે શનિવારે મળવા ગયા તો જેલ પ્રશાસને એવું કહ્યું હતું કે તેમને સિવિલમાં લઈ ગયા છે. જ્યારે અમે સિવિલ પર આવ્યો તો તપાસ કરતા ખબર પડી કે સ્ટ્રેચર ઉપર સફેદ ચાદર ઓઢાડીને તેમને સુવડાવાયા છે. ચાદર ઉચકી તો એ જ મારા પપ્પા હતા. મૃત્યુનું કારણ પૂછ્યું તો જણાવવામાં આવ્યું ખબર નથી. મારા પપ્પાનું મોત માથા ઉપર થયેલા મારને કારણે થયું છે અને જે તે સમયે પોલીસે અમારી ફરિયાદ પણ લીધી ન હતી. અમને ન્યાય મળવો જોઈએ. જોકે સમગ્ર મામલે જ્યારે મીડિયા સિવિલ હોસ્પિટલમાં કવરેજ કરવા માટે પહોંચી તો પોલીસ સફાળી જાગી હતી અને પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર થઈ હતી, જોકે પરિવારે મેજિસ્ટ્રેટની હાજરીમાં ફોરેન્સિક પીએમ કરવાની માંગણી કરી હતી, જે પણ સ્વીકારી લેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે