વડોદરામાં 'તક્ષશિલા અગ્નિકાંડ' થતા રહી ગયું! ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે લાગી આગ, 20થી બાળ દર્દીઓનો આબાદ બચાવ
આજે સાંજે હોસ્પિટલ નજીક આવેલી વિશ્વામિત્રી નદીની કોતરમાં આવેલા ઝાડી ઝાંખરામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોત જોતામાં આગે એ હદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની છત પણ આગમાં લપેટાઈ ગઈ હતી.
Trending Photos
હાર્દીક દીક્ષિત/વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે, તેવામાં આજે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ નજીક વિશ્વામિત્રી નદીની કોતરમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વડોદરા શહેરના મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની કોતરને બિલકુલ અડીને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, આજે સાંજે હોસ્પિટલ નજીક આવેલી વિશ્વામિત્રી નદીની કોતરમાં આવેલા ઝાડી ઝાંખરામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોત જોતામાં આગે એ હદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની છત પણ આગમાં લપેટાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ નજીકની કોતર તેમજ હોસ્પિટલની છત આ બંને સ્થળે આગ પ્રસરી ગઈ હતી. ત્યારે હોસ્પિટલમાં પણ ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા, જેના કારણે ફાયર ઇમરજન્સી માટે લગાવેલું ફાયર એલાર્મ અચાનક રણકી ઉઠ્યું હતું. જેથી હોસ્પિટલમાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટયા હતા અને હોસ્પિટલમાં આગથી બચવા તેમજ અહી દાખલ બાળ દર્દીઓને બચાવવા ભારે દોડધામ મચી હતી.
આગ લાગી તે વખતે હોસ્પિટલની અંદરની સ્થિતિની વાત કરીએ તો હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળ દર્દીઓ દાખલ હતા, છત પર લાગેલી આગ હોસ્પિટલના વોર્ડ સુધી પહોંચે એ પહેલા તાત્કાલિક ધોરણે બાળ દર્દીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ તેમના દ્વારા 20થી વધુ બાળ દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ વાલીઓ પણ પોતાના નાના નાના બાળકોને લઇ આમતેમ દોડધામ કરતા નજરે ચડ્યા હતા. જોકે હોસ્પિટલના વોર્ડ સુધી આગ નહોતી પહોંચી, પરંતુ જે રીતે હોસ્પિટલમાં ધુમાડો ફેલાયો હતો તે જોતા ગુંગળામણ થવા લાગી હતી. જેના કારણે જ અફરાતફરી સર્જાઈ હતી. સદનસીબે હાલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ સલામત છે.
તો બીજી તરફ હોસ્પિટલ બહારની વાત કરવામાં આવે તો કારેલીબાગની કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની બિલકુલ નજીક કારેલીબાગ વિસ્તારથી ફતેગંજ વિસ્તાર ને જોડતો એક નાનકડો બ્રિજ આવેલો છે. વિશ્વામિત્રી નદીની કોતરમાં લાગેલી આ ભીષણ આગા જોતજોતામાં બ્રિજની બંને તરફ ફેલાઈ ગઈ હતી. જેના કારણે પોલીસ દ્વારા જાનહાનિ ટાળવા આ બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. અહી લાગેલી આગ એટલી હદે વિકરાળ હતી કે દૂરદૂર સુધી આગની જ્વાળા તેમજ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
વિશ્વામિત્રી કોતરમાં આગ લાગવાનો મેસેજ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડની ટીમને આગ બુઝાવવા ભારે જહેમત નો સામનો કરવો પડ્યો હતો. આશરે બે કલાકની મેહનત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવતા આખરે તમામે હાશકારો અનુભવ્યો હતો. વિશ્વામિત્રી કોતરમાં લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે