63.5% ટકા લોકો દિવસમાં 2 કલાકથી વધુ સમય જુએ છે રીલ્સ, સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

વર્તમાન યુગના યુવાનો લગભગ કોઈને કોઈ ઈન્ટરનેટ વ્યસન ધરાવે, કોઈપણ વ્યસન માણસને આધારિત બનાવે છે. વ્યસનના સંતોષ માટે વ્યક્તિ ગમે તે હદ સુધી જવા તૈયાર થાય છે તે જ બતાવે છે કે તે કેટલો આધારિત થઈ ગયો છે. જેઓ સ્વ નિયંત્રણ જાળવી નથી શકતા તેઓ તત્કાળ રિલ્સના વ્યસનમાં પડે છે.

63.5% ટકા લોકો દિવસમાં 2 કલાકથી વધુ સમય જુએ છે રીલ્સ, સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

રાજકોટઃ વર્તમાન યુગ સોશીયલ મીડિયાથી પ્રભાવિત છે. સોશિયલ મીડિયા એ એક એવું પ્‍લેટફોર્મ છે કે જેના દ્વારા તમે દેશ-વિદેશની માહિતી મેળવી શકો છો કે જે તમને સમાજ સાથે તાલથી તાલ મિલાવવામાં ઘણી ઉપયોગી નિવડે છે. પરંતુ વર્તમાન સ્‍થિતિ જોતા એવું જણાય છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ માહિતી મેળવવા કરતાં મનોરંજન માટે વધુ થઈ રહ્યો છે. 
    
સોશિયલ મીડિયા જેવા કે, ફેસબુક, ઈન્‍સ્‍ટાગ્રામ, ટ્‍વિટર વગેરે વર્તમાનમાં ખૂબ પ્રચલિત થઈ રહૃાા છે. ખાસ કરીને રીલ્‍સ (ઈન્‍સ્‍ટાગ્રામ / ફેસબુક રીલ્‍સ, યુ-ટયુબ શોર્ટસ) આજકાલ ખૂબ જ લોકપ્રિય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વયના લોકો રીલ્‍સ જોવાના આદિ બની ગયા છે. લોકો પોતાના દિવસનો ખણો-ખરો સમય રીલ્‍સ જોવામાં પસાર કરે છે. પોતાના અનિવાર્ય કાર્યો પૂરા થતાં જ નવરાશનો સમય મળે છે તેમાં લોકો રીલ્‍સ જોવાનું પસંદ કરી રહૃાા છે. 

રીલ્‍સ એ લોકોનું વ્‍યસન બની રહ્યું છે. તેનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. રીલ્‍સ જોઈએ છીએ ત્‍યારે આપણું મગજ ડોપામાઈન રિલિઝ કરે છે જેનાથી વ્‍યકિત આનંદની અનુભૂતિ કરે છે અને એ આનંદની અનુભૂતિ કેળવી રાખવા કોઈવાર વ્‍યકિત ઈચ્‍છે તો પણ રીલ્‍સ જોવાનું બંધ કરી શકતો નથી. 

આ પણ વાંચોઃ દિલ્હીથી અમદાવાદ લાવી બનાવ્યા પોલીસ કમિશ્નર, જાણો કેમ મલિક પર મહેરબાન થઈ સરકાર
    
રીલ્‍સના વ્‍યસનનું એક કારણ એ પણ છે કે રીલ્‍સમાં અનંત સ્‍ક્રોલિંગ કરવાનું ફિચર આપેલ છે. એકવાર સ્‍ક્રોલિંગ શરૂ કર્યા પછી તેની ચેન બ્રેક કરવામાં મુશ્‍કેલી અનુભવાય છે. એ ઉપરાંત, સોશીયલ મિડિયા એ ક્ષમતા ધરાવે છે કે તે વ્‍યકિતને લાઈક, કોમેન્‍ટ, શેરના રૂપમાં પોતાના જ માટેની સ્‍વીકૃતિ માંગતો કરી શકે છે અને બીજાની સ્‍વીકૃતિ મેળવવા માટે વ્‍યકિત રીલ્‍સ બનાવવામાં વિપુલ પ્રમાણમાં સમય વેકફી નાખે છે. રીલ્‍સ જીવનના ઘ્‍યેયોને પણ ભટકાવે છે. 
    
રીલ્‍સની આપણા જીવન પર આટલી ગંભીર અસરો થઈ રહી છે ત્‍યારે તેની અસરોનો અભ્‍યાસ અનિવાર્ય બને છે કે જેથી રીલ્‍સની અસરો વિષે વધુ સ્‍પષ્‍ટ માહિતી મળી શકે અને રીલ્‍સ જોવાની વર્તણુંકને નિયંત્રણ કરવાના ઉપાયો જણાવી શકાય.

આ અંગે મનોવિજ્ઞાન ભવનના ડિપ્લોમાનો અભ્યાસ કરતા જાની નમ્રતાએ ડૉ. ધારા આર દોશીના માર્ગદર્શનમાં 947 લોકોનો સર્વે કર્યો 

પ્રસ્‍તુત સર્વેના પરિણામો નીચે મુજબ જોવા મળ્યા

• 63.5% લોકો 2 કલાકથી વધુ, 27.4%  લોકો 1 થી 2 કલાક અને 9.1% લોકો 1 કલાકથી ઓછો સમય રીલ્‍સ જોવામાં પસાર કરે છે.

• 88.3%    લોકો રીલ્‍સ જોઈને આનંદ અનુભવે છે. 

• 82.2%    લોકો રીલ્‍સ જોઈને આક્રમકતા અનુભવે છે

• 23.9%    લોકો રીલ્‍સ જોઈને દુઃખ અનુભવે છે.. 

• 77.7%    લોકો રીલ્‍સ જોઈને ચંચળતા અનુભવે છે.

• 61.9%    લોકો રીલ્‍સ જોવાના કારણે અન્‍ય કાર્યો પર ઘ્‍યાન આપી શકતા નથી.

•    59.4%    લોકો રીલ્‍સ તેમને તેમના લક્ષ્યથી દૂર લઈ જઈ રહી છે તેવું અનુભવે છે.

• 61.9%    લોકો રીલ્‍સના કારણે સ્‍વજનોને કવોલિટી ટાઈમ આપી શકતા નથી.

• 77.2%    લોકો રીલ્‍સના કારણે સ્‍વજનો સાથે સંઘર્ષ અનુભવે છે. 

• 69%    લોકોને રીલ્‍સ બનાવવાની ઈચ્‍છા થાય છે.

• 77.2%    લોકોને રીલ્‍સ બનાવી ફેમસ થયેલ લોકોની જેમ ફેમસ થવાની ઈચ્‍છા થાય છે. 

• 72.6%    લોકોને રીલ્‍સના કારણે નિંદ્રામાં ખલેલ પહોંચે છે.

• 81.7%    લોકોને રીલ્‍સના કારણે ભુખના પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે. 

• 68.5%    લોકોને રીલ્‍સના કારણે આંખ, માથુ અને શરીરના દુઃખાવાની ફરીયાદો રહે છે. 

ઉપરોકત પરિણામો જોતા એ જણાય છે કે રીલ્‍સની અસર વ્‍યકિતના જીવનના દરેક પાસા પર પડી છે અને ખૂબ ગંભીર અને બહોળા પ્રમાણમાં પડી રહી છે. રીલ્‍સની આ ગંભીર અને નિષેધક અસરો ઘટાડવાનો પ્રયાસ અનિવાર્ય બન્‍યો છે. રીલ્‍સની અસરો નિયંત્રિત કરવા કેટલાક ઉપાયો સહાયરૂપ બની શકે છે. 

રિલ્સની ઘેલછાને ઓછી કરવાના ઉપાય
રીલ્‍સની અસરો ઘટાડવાના ઉપાયોમાં સૌપ્રથમ ઉપાય એ છે કે રીલ્‍સ જોવા માટે ટાઈમ લિમિટ નકકી કરો અને તેને વળગી રહો. ડિજિટલ દુનિયાથી થોડો સમય બ્રેક લો, તમારા મનને તમારી મનગમતી પ્રવૃત્તિઓ, શોખમાં પરોવો, તમારા કુટુંબ અને મિત્રો સાથે કવોલિટી સમય પસાર કરો કે જે ડિજિટલ ડિટોકસ માટે ખૂબ ઉપયોગી છે. સોશિયલ મીડિયાના એવા અકાઉન્‍ટ કે યુઝરથી સચેત રહેવું કે જે નેગેટીવિટી, આક્રોશ અને ખોટા સમાચારો ફેલાવતું હોય. આવા અકાઉન્‍ટ કે યુઝરથી બને એટલું દૂર રહેવું કેમ કે તે માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક છે. જો તમે રીલ્‍સના વ્‍યસનને દૂર કરવામાં સંઘર્ષ અનુભવતા હોય તો એ વિષે કુટુંબના કોઈ સભ્‍ય કે મિત્રને તે વિષે વાત કરો. બની શકે કે તેમની પાસે તમારા ઉપયોગી સલાહ હોય. રીલ્‍સના વ્‍યસનને છોડવા માટે તમે થેરાપિસ્‍ટની પણ મદદ લઈ શકો છો કે જે તમને વ્‍યસન વિષે વધુ સ્‍પષ્‍ટરીતે માહિતગાર બનાવે છે અને વ્‍યસનને સામે લડત આપવાની પ્રયુકિતઓ શીખવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news