'Young Blood' સિવિલમાં સેવા કરવા સજ્જ, ફ્રન્ટલાઈન વોરિયર્સ લડી રહ્યા છે મહામારી સામે
કોરોનાની વધુ વ્યાપક અને તીવ્ર એવી બીજી લહેરનો સૌ સામનો કરી રહ્યા છે. રાજ્યનું આરોગ્ય તંત્ર અને તેના વાહકો દિવસ-રાત દર્દીઓની સારવારમાં લાગ્યા છે
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: કોરોનાની વધુ વ્યાપક અને તીવ્ર એવી બીજી લહેરનો સૌ સામનો કરી રહ્યા છે. રાજ્યનું આરોગ્ય તંત્ર અને તેના વાહકો દિવસ-રાત દર્દીઓની સારવારમાં લાગ્યા છે. આવા કપરા કાળમાં અમદાવાદ સિવિલમાં નવા આવેલા ૬૦ યુવા તબીબોએ સેવા- કાળજીનો રંગ રાખ્યો છે. નવા આવેલા ૬૦ ઇન્ટર્ન તબીબોની જુસ્સા પૂર્વકની કામગીરીને સૌ કોઈ આવકારી રહ્યા છે. નિશ્ચિતપણે સિવિલમાં આવેલું 'નવું લોહી' દર્દીઓની સેવા કરવા સુસજ્જ બન્યું છે.
સામાન્ય રીતે નવા તાલીમાર્થી તબીબોએ ઈન્ટર્નશીપ દરમિયાન અલગ અલગ વિભાગોમાં તાલીમ મેળવવાની હોય છે. પરંતુ હાલ કોરોનાના કારણે તેઓ સીધા જ કોવિડ સંલગ્ન કામગીરીમાં જોડાઇ ગયા છે. એવા જ એક ઇન્ટર્ન તબીબ ડૉ. રાહુલ દિવ્યાંગ હોવા છતાં કોવિડ વોર્ડમાં જુસ્સાભેર કામગીરી કરી રહ્યા છે. કોવીડ ગાઈડલાઈન પ્રમાણે દિવ્યાંગ તબીબને કોવીડ વોર્ડમાં ફરજ અદા કરવી ફરજિયાત નથી છતાં તેઓ સ્વૈચ્છાએ દર્દીની સેવા-સુશ્રુષામાં લાગી ગયા છે.
ડૉ. રાહુલ જણાવે છે કે, આ તાલીમ અમને આજીવન કામ લાગશે. કોવિડના સમયમાં જ્યારે આરોગ્ય કર્મીઓની ભૂમિકા અતિ મહત્વની બની છે ત્યારે અમારે કોઈપણ રીતે પીછેહઠ કરાય નહીં. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી જણાવે છે કે, તાલીમાર્થી તબીબો ૧૦ એપ્રિલે સેવામાં જોડાયા બાદ તેઓને કોવિડ પ્રોટોકોલ અને કાર્ય રીતિનીતિથી અવગત કરવામાં આવ્યા હતા.
સૈનિકને સૈન્યમાં ભરતી થતાની સાથે જ દેશની રક્ષા કાજે રણભૂમિમાં ઉતરવાનું સૌભાગ્ય મળે તેવી જ રીતે તાલીમાર્થી તબીબોને સિવિલ હોસ્પિટલમાં આવ્યાની સાથે જ કોરોના મહામારી સામે ફ્રન્ટલાઈન વોરિયર્સ બની લડવાની તક મળી છે.
આ અંગે એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, ઇન્ટર્ન તબીબોને ઓરીયન્ટેશન, મોટીવેશન અને પ્રેઝન્ટેશનની તર્જ પર તાલીમ અપાઈ રહી છે. કોરોના દર્દી દાખલ થાય ત્યારથી લઇ સ્વસ્થ બની ઘરે પાછો જાય ત્યાં સુધીની આવશ્યક કામગીરીની તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત તબીબ પોતે સંક્રમિત ન બને તે માટેની જરૂરી તકેદારીઓ પણ જણાવવામાં આવે છે.
તેઓ વધુમાં કહે છે કે, નવા આવેલા તાલીમાર્થી તબીબો આઠ કલાકની શિફ્ટ દરમિયાન શીખવા અને સેવા કરવાના વલણ સાથે કામગીરી કરી રહ્યા છે. સાથે જ આ કપરા કાળમાં તાલીમાર્થી તબીબો વરિષ્ઠ તબીબ અને અધ્યાપકોની અપેક્ષા પર ખરા ઉતર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે