ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા શરૂ, એક સમયે પાવાગઢના રાજવીઓ પણ આ યાત્રામાં 44 કિમી ચાલ્યા હતા

Pavagadh Parikrama Start : ઈતિહાસમાં જેનુ સૌથી વધુ મહત્વ રહેલુ છે તે પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો.... ભક્તો જય માતાજીના જયઘોષ સાથે 44 કિમીની પગપાળા યાત્રા માટે નીકળી પડ્યા
 

ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા શરૂ, એક સમયે પાવાગઢના રાજવીઓ પણ આ યાત્રામાં 44 કિમી ચાલ્યા હતા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : કોરોનાકાળમાં બે વર્ષ મોકૂફ રહેલી સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો કોરોના ગાઈડલાઈન સાથે આજથી શુભારંભ થયો છે. આ યાત્રાનો વાઘેશ્વરી માતાજી મંદિરથી સંતો, મહંતો, પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જય ઘોષ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં પહેલા દેશ દુનિયામાંથી કોરોના મહામારી જલ્દી દુર થાય એવા સંકલ્પ લેવામા આવ્યો હતો. સાથે પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતભરના ખૂણે ખૂણેથી માઇભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા છે. આ યાત્રા સાથે હિન્દુ ધર્મ જાગરણ મંચ દ્વારા પંચમહાલ ધર્મ જાગરણ દિવસ તરીકે જાહેરાત કરી યાત્રાનું મહાત્મ્ય વધારી દીધું છે. પરિક્રમા યાત્રામાં નડિયાદથી આવેલા સંઘના માઇ ભક્ત મહાકાળી માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જે આકર્ષણનો ભાગ બન્યા છે. 

પરિક્રમા હિન્દૂ સંસ્કૃતિ ખુબ જ પવિત્ર યાત્રા માનવામાં આવે છે શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું ભારતીય શાસ્ત્રોમાં વિશેષ મહત્વ રહેલું છે. અંદાજિત 700 થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને કારણે સુસુપ્ત અવસ્થામાં હતી. જેને  છ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા જીવંત કરવામાં આવી છે. આજરોજ પાવાગઢના વાઘેશ્વરી મંદિરથી પગપાળા પરિક્રમાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેનું સમાપન યાત્રા પથમાં આવતા સ્થાનો ના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે થાય છે.

ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે, પાવાગઢના રાજવીઓ પણ આ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા અને પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. આજથી પ્રારંભ થયેલી  પાવાગઢ ની 44 કિલોમીટરની પગપાળા યાત્રા હોય છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પંચમહાલ જિલ્લાના સંતો મહંતો, હાલોલના હાલના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત અગ્રણી સાધુસંત ગણ તેમજ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ યાત્રિકો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news