સુરતના 400 દિવ્યાંગ બાળકો બન્યા આત્મનિર્ભર, બનાવ્યા ડિઝાઈનવાળા દીવા
Trending Photos
ચેતન પટેલ/ સુરત: રોશનીનો તહેવાર દીવાળી નજીક આવી રહ્યો છે. ત્યારે લોકોના ઘરમાં પ્રકાશ ફેલાવવા માટે સુરતની દિવ્યાંગ શાળાના 400 દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ ડિઝાઈનવાળા દીવા બનાવવામાં આવ્યા છે. આ બાળકો પણ આત્મનિર્ભર બને એ હેતુથી દીવા તેઓ પાસે બનાવવામાં આવ્યા છે.
એકવીસમી સદીમાં જ્યારે દિવ્યાંગો પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જ મહેનત કરીને રોજગારી મેળવી રહ્યા છે ત્યારે સુરતની ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટની શાળાના 400 જેટલા દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ દીવા બનાવવામાં આવ્યા છે. માટીમાંથી જુદા-જુદા આકારો આપી દીવડા બનાવ્યા બાદ તેની પર અવનવી ડિઝાઇન કરવામાં આવે છે અને તેના પર કલર કરવામાં આવે છે. જેમાં વિવિધ રંગો પણ આ બાળકોએ પોતાના હાથથી જ ભર્યા છે. બાળકો નાના હોય ત્યારેથી જ તેમને દીવા બનાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે.
જેમ જેમ મોટા થાય તેમ તેમ તેમની આવડતમાં વધારો થાય છે અને ભવિષ્યમાં તેઓ મોટા થઈને કોઈક ને કોઈક આવડતનો ઉપયોગ કરીને પગભર થઈ શકે અને તેઓએ ભીખ માંગવાની નોબત ન આવે. બાળકોએ વિવિધ ડિઝાઇનના ફેન્સી દીવા, ફ્લોરિંગ દીવા,મીણબત્તીના દીવા જેવા અનેક દીવા તૈયાર કર્યા છે.આજે આ દિવ્યાંગ બાળકો માત્ર દીવા કે ફેન્સી મીણબત્તી જ નહીં પરંતુ અનેક એન્ટિક વસ્તુઓ તેમજ પેઈન્ટિંગ પણ બનાવતા થયા છે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન પહેલા ટ્રેનિંગના સમયથી જ આ દીવાઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને હાલ કોરોનાને ધ્યાનમાં રાખીને બાળકોએ ઘરે રહીને તેને રંગવાનું અને મીણ પુરવાનું કામ કર્યું છે.કનું ટેલરે જણાવ્યું હતું કે, બાળકોએ 500 જેટલા દીવાઓ બનાવ્યા છે અને તેને કંપનીઓએ આપી દેવામાં આવશે.દીવા દ્વારા થયેલી આવકનો ઉપયોગ આજ બાળકોને માટે કરવામાં આવે છે. જેથી તેઓ પણ અન્ય લોકોની જેમ જ ખુશી ખુશી દીવાળી ઉજવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે