શ્રાવણિયા જુગાર પર પોલીસની ધોંસ વધી, રવિવારની રજામાં અમદાવાદ પોલીસે 40 જુગારી પકડ્યા
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :જન્માષ્ટમીનો તહેવાર જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ જુગાર રમનારાઓની સંખ્યા વધતી જાય છે. આવામાં પોલીસ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દે છે. જન્માષ્ટમી તહેવાર નિમિત્તે અનેક જગ્યાઓએ જુગાર રમાડવામાં આવે છે. ત્યારે રવિવારની રજામાં અમદાવાદ પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી 40થી વધુ જુગારીઓ પકડી પાડ્યા હતા.
શ્રાવણિયો જુગાર પર પોલીસે ધોંસ વધારી છે. રવિવારની રજામાં અમદાવાદ પોલીસે જુગારીઓને પકડ્યા હતા. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. આમ, પોલીસે રવિવાર આખા દિવસમાં જુગારીઓ પકડવાનું અભિયાન ચલાવ્યુ હતું, જેમાં સારી સફળતા મળી હતી.
નરોડાના પુષ્પમ ટેનામેન્ટમાંથી આઠ જુગારીઓની 74 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી. તો બીજી તરફ, સીજી રોડ પર આવેલ રાજયોગ એપાર્ટમેન્ટમાં નવરંગપુરા પોલીસે આઠ જુગારીઓની ધરપકડ કરી હતી. આ તમામ પાસેથી સાતેક લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ ઉપરાંત અમરાઇવાડી, દરિયાપુર, હવેલી, ગોમતીપુર, માધુપુરા, મેઘાણીનગર અને રાણીપ પોલીસે પણ જુગારીઓ પકડ્યા હતા. તમામ કેસોમાં 40થી વધુ આરોપીઓની લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમી સમયે ગુજરાતમાં જુગાર રમવાનુ ચલણ છે. અનેક લોકો રમત માટે ઘરમાં પત્તા રમતા હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું અનેરુ મહત્વ હોય છે. પરંતુ તહેવારોનો લાભ લઈ માર્કેટમાં અનેક જુગારધામ સક્રિય થાય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે