મોરબીમાં વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના : ટ્રેક્ટર કોઝવેમાં તણાતા 17 લોકો ડૂબ્યા, 11 ને બચાવી લેવાયા, બાકીના લાપતા
NDRF Rescue Operation : મોરબી જિલ્લાના હળવદના ઢવાણા ગામે નદીના કોઝ-વે પરથી પાણીમાં ટ્રેક્ટર તણાયું, ટ્રેક્ટરમાં સવાર લોકોમાંથી 17 લોકો પાણીમાં તણાયા, લોકોને બચાવવા માટે NDRF અને SDRFની ટીમ બોલાવવામાં આવી, 11 લોકોને બચાવવામાં સફળતા મળી, છ થી સાત લોકો હજુ પણ છે લાપતા, લાપતા લોકોની કરવામાં આવી રહી છે શોધખોળ
Trending Photos
Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપરથી પાણીમાં ટ્રેક્ટર તણાઇ ગયુ હતુ. જેથી તેમાં બેઠેલા લોકોમાંથી લગભગ 17 લોકો પાણીમાં તણાયા હતા. જેથી એનડીઆરઆફ તેમજ એસડીઆરએફની ટીમોને બોલાવવાાં આવી હતી અને બચાવ રાહતની કામગીરી કરવામાં આવી છે. જો કે, પાણીમાં તણાયેલા લોકોમાંથી 11 જેટલા લોકોને વહેલી સવાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ હજુ છથી સાત જેટલા લોકો લાપતા છે તેને શોધી રહ્યા છે.
- 17 લોકો ટ્રેક્ટરમાં સવાર હતા
- 4 લોકો પાણીમાંથી નીકળી ગયા
- 1 વ્યક્તિ ઝાડ પર ફસાયો
- અત્યારે એનડીઆરએફ ટીમ બોલાવી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાની વાત કરીએ તો રવિવારે બપોરના બે વાગ્યાથી લઈને રાત્રના દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હળવદ તાલુકામાં કુલ મળીને 6.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેથી કરીને સ્થાનિક નદી નાળામાં વરસાદી પાણી આવી ગયા હતા. કેટલીક જગ્યાએ દુર્ઘટનાઓ બની હોવાનું સામે આવી રહ્યું છે તેવામાં રાતના ૯:૦૦ વાગ્યાના અરસામાં તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપર પાણી આવી ગયું હતું. ત્યારે ત્યાંથી ટ્રેક્ટર પસાર થતાં ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું અને આ ટ્રેક્ટરમાં બેઠેલા લોકોમાંથી અમુક લોકો પાણીમાં તણાયા છે અને સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ ટ્રેક્ટરમાં 17 જેટલા લોકો બેઠેલા હતા, જેમાંથી ચાર વ્યક્તિઓ તરત જ બહાર આવી ગયા હતા. જો કે કેટલા લોકો એક બીજાના સહારે નદીના બીજા છેડે બહાર આવી ગયા હતા અને એક મહિલા તથા પુરુષને ફાયરની ટીમે બચાવેલ હતા આમ કુલ 11 લોકોને બચાવેલ છે જો કે, હજુ સુધી છ થી સાત લોકો લાપતા છે.
આ અંગે કલેકટર કે બી ઝવેરી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ઢવાણા ગામ પાસે નદીના પાણીમાં જે ટ્રેક્ટર તણાયું હતું. તેમાં કુલ મળીને ૧૭ વ્યક્તિઓ બેઠેલા હતા. જે પૈકીના ચાર વ્યક્તિઓને જે તે સમયે જ બચાવીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને એક મહિલા સહિત બે વ્યક્તિ પાણીમાં તણાયેલ હતા જેને રેસ્ક્યુ કરીને બચાવ્યા છે અને કેટલાક લોકો નદીના બીજા છેડે બહાર જાતે આવી ગયા હતા. આમ 11 લોકોને બચાવી લીધેલ છે અને જે લાપતા છે, તેમને શોધવા માટેની કામગીરી રાતે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવ્યા છે. વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, ગામના જ રહેવાસીઓ તેમજ અહીંયા મજૂરી કામ કરવા માટે આવેલા આદિવાસી પરિવારના લોકો ટ્રેક્ટરમાં બેસીને જુના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બનેલ છે અને સરકાર તરફથી તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
મદદ માટે બૂમો પાડી, પણ કોઈ ન આવ્યું
ઢવાણા ગામ પાસે જ્યારે ટ્રેક્ટર પાણીમાં તણાવવા લાગ્યું હતું ત્યારે ટ્રેક્ટરમાં બેઠેલા લોકો બચાવવા માટે થઈને બૂમો પાડવા લાગ્યા હતા. પરંતુ કોઈ તરફથી તેઓને મદદ મળી શકે તેમ ન હતી અને પાણીની થપાટ લાગતાની સાથે જ ટ્રેક્ટર કોઝવે ઉપર થી નીચેના ભાગમાં પડી ગયું હતું અને તે ટ્રેક્ટરની અંદર બેઠેલા લોકો પાણીમાં તણાવા ગયા હતા. દરમ્યાન તેમાં બેઠેલ પાંચાભાઇ મુંધવા એ પોતાનો જીવ બચાવવા માટે થઈને ત્રણ કલાક સુધી બાવળના થડને પકડી રાખ્યું હતું અને ત્યાં બચાવવા માટે થઈને બૂમો પાડી રહ્યા હતા, જે ફાયરની ટીમના જવાનો આવાજ સાંભળી જતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ તેને તરત જ પાંચાભાઇ મુંધવાને બહાર લાવવા માટેની કવાયત હાથ ધરી હતી અને લગભગ ૯:૦૦ વાગ્યાના અરસામાં પાણીમાં તણાઈ જવાથી ફસાઈ ગયેલા પાંચાભાઇ મુંધવાને અંદાજે ત્રણેક કલાક બાદ પાણીના પ્રવાહમાંથી હેમખેમ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
હળવદ તાલુકાના ધણાદ ગામ પાસે રવિવારે એક રીક્ષા તણાઈ હતી જેમાં બેઠેલા પાંચ પૈકીના ચાર વ્યક્તિઓનો બચાવ થયો હતો. જો કે, એક મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. આવી જ રીતે બુટાવડા ગામ પાસે નદીમાં એક પુરુષ તણાઈ ગયો હોવાની માહિતી સામે આવી હતી. જો કે, ઢવાણા ગામ પાસે ટ્રેકટર પાણીમાં તણાઇ જવાથી જેટલા લોકો તણાયા હતા તેમાંથી સાત જેટલા લોકો હજુ પણ લાપતા છે જેથી તેને શોધવા માટેની કવાયત જુદીજુદી ટીમો ચલાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે