રાજકોટમાં રાજસ્થાનવાળી, હવે રાજકોટમાં 1 માસમાં 111 શિશુનાં મોત

રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે.

રાજકોટમાં રાજસ્થાનવાળી, હવે રાજકોટમાં 1 માસમાં 111 શિશુનાં મોત

રક્ષિત પંડ્યા, રાજકોટઃ રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે. 111માંથી 96 નવજાત પ્રિ-મેચ્યોર અને ઓછા વજનના હતાં, જ્યારે 77નું વજન દોઢ કિલોથી ઓછું હતું. બાળકોની હોસ્પિટલમાં એનઆઈસીયુ છે પણ તે કાર્યક્ષમ ન હોવાથી દોઢ કિલોથી ઓછાં વજનનાં બાળકો બચાવી શકાય તેવી ક્ષમતા અને સુવિધાના નથી એમ તબીબી અધીક્ષક ડૉ. મનિષ મહેતા કહી રહ્યા છે.

આખા વર્ષમાં સૌથી વધુ મૃતાંક ડિસેમ્બર માસમાં રહ્યો છે. આ માટે અન્ય હોસ્પિટલ, ગ્રામ્ય વિસ્તારો તેમજ ઘરે ડિલિવરી થતાં બાળકોની તબિયત બગડે અને કેસ રીફર થાય ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હોય તેવા કેસ પણ અડધાથી વધુ છે. જો કે, બાળકોના મોતનું મુખ્ય કારણ એનઆઈસીયુમાં કાર્યક્ષમતાનો અભાવ છે, જેથી ઊંચા મૃત્યુદરમાં આરોગ્ય તંત્ર જવાબદારીમાંથી છટકી શકે નહીં.

ડિસેમ્બર માસમાં દાખલ થયેલાં 386ની સામે 111નાં મોત થયાં
સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા મુજબ 2018માં 4321 બાળકો દાખલ કરાયાં હતાં જેમાંથી 20.8 ટકા એટલે કે 869નાં મોત થયા છે. 2019માં 4701 દાખલ થયાં અને તેમાંથી 18.9 ટકા બાળકોનાં મોત થયાં છે. મૃત્યુદર ઓછો છે પણ ડિસેમ્બરમાં 386ની સામે 111નાં મોત થતાં તે માસનો દર 28 ટકા જેટલો ઊંચો ગયો છે. આ 111માંથી 96 પ્રિ મેચ્યોર અને 77 નવજાતના વજન 1.5 કિલો કરતા ઓછું હોવાનું તબીબી અધીક્ષકે જણાવ્યુ હતું.

એનઆઈસીયુમાં 2 શિશુ દીઠ 1 નર્સ જોઈએ, સિવિલમાં 10 માટે 1 જ નર્સ
એનઆઈસીયુમાં સ્પેશિયલ નર્સિંગ કેર, ટેમ્પરેચર કંટ્રોલ, ઈન્ફેક્શન ફ્રી એર ખાસ જરૂરી છે. ઓછા વજનનું બાળકો હોય તો દરેક બાળક દીઠ એક નર્સ અને વધુમાં વધુ બે બાળકો દીઠ એક નર્સ હોવી જ જોઇએ. જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 10 નવજાત શિશુ માટે એક જ નર્સ હોય છે.

આ મુદ્દાની મને જાણકારી નથી પણ હું તેમાં તપાસ કર્યા બાદ જ ચોક્કસ વાત જણાવી શકીશ. - નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી

સ્ટાફની અછત અને કામગીરી જવાબદાર
‘સિવિલમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ ખાનગી હોસ્પિટલ જેટલા જ કાર્યક્ષમ છે પણ તેમની સંખ્યા ઓછી છે. ડોક્ટર પેશન્ટનો રેશિયો હોવો જોઈએ, તેના કરતાં અનેકગણા વધારે દર્દીઓ છે. આ ઉપરાંત બીજા સેન્ટર તેમજ ઘરે ડિલિવરી થઈ હોય તેવા બાળકોમાં ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે હોય છે. તેમની ખાસ કાળજી ન મળતા ડેથ રેશિયો વધારે રહે છે.’ - ડો. મેહુલ મિત્રા

નિઓનેટોલોજિસ્ટની નિમણૂક કરવી જોઈએ
‘બીજે ડિલિવરી થઈ હોય અને પછી રીફર થયા હોય, તેમજ ત્યાં દર્દીઓની સંખ્યા પણ વધુ હોય છે જેથી પણ મૃત્યુદર વધારે છે. સિવિલમાં નિઓનેટોલોજિસ્ટની ખાસ જરૂર છે. પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી સ્ટાફની સંખ્યા વધારવી જોઈએ.’ - ડો. યજ્ઞેશ પોપટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news