VIDEO : રિલીઝ થયું 'મણિકર્ણિકા'નું ટ્રેલર, કંગનાનો અવતાર જોઈને રહી જશો ચકિત
Trending Photos
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રણોતની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની સ્ટોરી ભારતની આઝાદીની પ્રથમ લડાઈની કહાની છે, જે 1857માં લડાઈ હતી. રાની લક્ષ્મીબાઈનું દમદાર પાત્ર કંગના રણોત ભજવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાધા કૃષ્ણ જગરલમૂડીએ કર્યું છે. દેશની આઝાદીની લડાઈમાં 'ઝાંસી કી રાની'નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેમની આંખોમાંથી ક્રાંતિ અને બળવાની આગ વરસતી જોવા મળતી હતી.
ફિલ્મનું ટ્રેલર છે દમદાર
હવે રાજ સિંહાસન પર બેસેલી રાની લક્ષ્મીબાઈનો એ જ અંદાજ તમને કંગના રણોતની આંખમાં જોવા મળી રહ્યો છે, જે આ ફિલ્મનું ટ્રેલર કહી જાય છે. કંગનાનો આવો અવતાર આપણને અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી.ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી મેગા બજેટ ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' આગામી 25 જાન્યુઆરીના રોજ હિન્દી અને તેલુગુ ભાષામાં એકસાથે રીલિઝ કરવામાં આવનારી છે. આ ફિલ્મમાં અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડેની અને અંકિતા લોખંડે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
કંગના રણોતનું માનવું છે કે, આ ફિલ્મ સાથે સંકળાવું તેના માટે નસીબની બાબત છે. કેમ કે આ પાત્રએ દેશના અસંખ્ય લોકોને પ્રેરણા આપી હતી. કંગના રણોતે જણાવ્યું કે, "મેં અને અમારી ટીમે લોહીનું પાણી કરીને અને અત્યંત હૃદયપૂર્વક આ ફિલ્મ બનાવી છે. મને સંપૂર્ણ આશા છે કે, આ ફિલ્મ દરેક ભારતીયમાં દેશદાઝની લાગણી જગાડશે."
તમે પણ જૂઓ આ ફિલ્મનું ટ્રેલર...
'સુપર-30' સાથે નહીં ટકરાય
તાજેતરમાં જ કંગના રણોતે આશા વ્યક્ત કરી હતી કે તેની આગામી ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' આગામી વર્ષની શરૂઆતમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. એવા સમાચાર હતા કે ઋતિક રોશનની ફિલ્મ 'સુપર-30' અને કંગનાની 'મણિકર્ણિકા' એક સાથે અથવા નજીકમાં જ રિલીઝ થશે. જોકે, સુપર-30 ફિલ્મના દિગ્દર્શક વિકાસ બહેલનું નામ જાતીય શોષણના કેસમાં બહાર આવ્યા બાદ આ ફિલ્મની 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની સંભાવના નહિંવત છે.
કંગનાની ખુશીનો પાર નથી
કંગનાને જ્યારે પુછવામાં આવ્યું કે શું આ સ્થિતિ તેની ફિલ્મ માટે ફાયદાકારક છે. તો તેણે જણાવ્યું કે, "આ ઘણી જ સારી વાત છે. કેમ કે મારું માનવું છે કે, આપણે સ્વતંત્રતા દિવસ કે ગણતંત્ર દિવસ જેવા દિવસોમાં એવા લોકોને યાદ કરવા જોઈએ જેમણે આપણા દેશની આઝાદી માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે."
કંગનાએ વધુમાં જણાવ્યું કે, "અમારી ફિલ્મ દેશભક્તીની થીમ પર બનેલી છે. આથી ગણતત્ર દિવસનો આગળનો દિવસ અમારા માટે અત્યંત મહત્વનો છે. એ દિવસે ફિલ્મની સિંગલ રીલીઝથી અમે ખુબ જ ખુશ છીએ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે