6 વર્ષ પછી સૂરજ પંચોલીએ જિયા ખાનની આત્મહત્યા વિશે કર્યો મોટો ખુલાસો
સૂરજે પોતાના 28મા જન્મદિવસે સોશિયલ મીડિયામાં મોટો ખુલાસો લખ્યો છે
Trending Photos
નવી દિલ્હી : આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી પર લાંબા સમયથી બોલિવૂડ એક્ટ્રેસ અને તેની ભૂતપૂર્વ પ્રેમિકા જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ ચાલી રહ્યો છે. સૂરજે આ મામલામાં હજી સુધી કોઈ નિવેદન નથી આપ્યું. જોકે હવે 6 વર્ષ પછી સૂરજે સોશિયલ મીડિયા પર આ કેસ વિશે નિવેદન આપ્યું છે. સૂરજે પોતાના 28મા જન્મદિવસે સોશિયલ મીડિયામાં એક મેસેજ શેયર કર્યો છે. આ પોસ્ટમાં સૂરજે લખ્યું છે કે તેણે ઘણા દિવસથી તેના દિલમાં એક વાત દબાવીને રાખી છે પણ હવે ચૂપ રહેવાનું મુશ્કેલ છે.
આ પોસ્ટમાં સૂરજે લખ્યું છે કે 'હું આજે મારા જીવનના 28 વર્ષ પુરા કરી રહ્યો છું. હું આ ક્ષણે કેટલાક વિચારો વ્યક્ત કરવા ઇચ્છું છું જે લાંબા સમયથી મારા દિલમાં દબાયેલા હતા. હું આ મામલાના અંતની રાહ જોઈ રહ્યો હતો પણ એણે ધાર્યા કરતા વધારે સમય લઈ લીધો છે. આ કેસ દરમિયાન મને હત્યારો, રેપિસ્ટ તેમજ રાક્ષક કહેવામાં આવ્યો અને મેં આ ચુપચાપ સહન કર્યું છે. મારા કારણે મારા પરિવારજનોને બહુ મુશ્કેલી પડી છે. હું સતત 6 વર્ષથી પોઝિટીવ બનાવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ પ્રવાસમાં જેણે મારો સાથ આપ્યો છે તેમનો આભાર.'
નોંધનીય છે કે અભિનેત્રી જિયા ખાનને કથિત રીતે આત્મહત્યા કરવા ઉશ્કેરવા માટે મુંબઈની એક સેશન્સ કોર્ટે બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી વિરૂદ્ધ 30 જાન્યુઆરી, 2018ના રોજ આરોપ ફાઇલ કર્યા હતા. ચાર્જશીટ પ્રમાણે જિયા ખાનનો મૃતદેહ 3 જૂન, 2013ના દિવસે પંખા પર લટકતો મળ્યો હતો. સીબીઆઇના દાવા પ્રમાણે પૂછપરછ દરમિયાન સૂરજે માહિતી સંતાડી છે અને ખોટી જાણકારી આપી છે. સૂરજે પોલીગ્રાફી તેમજ બ્રેન મેપિંગ ટેસ્ટ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
હાલમાં સીબીઆઈ (CBI) આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોતાની ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું છે કે સૂરજ પંચોલીએ પોતાની પ્રેમિકા જિયા ખાન સાથે લગ્નનો ખોટો વાયદો કર્યો અને તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે જિયા અને સૂરજ સપ્ટેમ્બર, 2012થી ફેસબુક મારફત સંપર્કમાં હતા અને આ સંપર્ક જિયાના મૃત્યુ સુધી જળવાયેલો રહ્યો હતો. આ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે