મૂવી રિવ્યુ: પટાખા ટૂંકી વાર્તાને ખેંચવામાં દમદાર પર્ફોમન્સ વેડફાયું

દંગલની દમદાર અદાકારા સાન્યા મલ્હોત્રા, બોલિવૂડ હજુ જેની બરાબર કદર નથી કરી શક્યું એવો જબરદસ્ત અભિનેતા વિજય રાઝ. કોમિકમાં જેની સેન્સ અને ટાઇમિંગ વર્તમાન સમયમાં સૌથી શ્રેષ્ઠ માની શકાય એવો સૂનિલ ગ્રોવર, નવોદિતા પણ ગજબનો આત્મવિશ્વાસ ધરાવતી રાધિકા મદન અને આ બધા પર ગ્રામીણ અને જમીનથી જોડાયેલી વાર્તા કહેવાનો માસ્ટર સ્ટોરી ટેલર વિશાલ ભારદ્વાજ. ઘણીવાર કાસ્ટ અને ક્રૂ એટલું મજબૂત હોય કે તમે આંખ બંધ કરીને એ મૂવી જોવા દોટ લગાવો. પણ એક મૂવી તો તમામ પાસા પર ખરી ત્યારે જ ઉતરે છે જ્યારે તેની સાથે જોડાયેલાં સર્વસ્વ પોતાનું શ્રેષ્ઠ આપે. અને એવું ન થાય તો જે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય તેને જ ભોગવવું પડે છે, પટાખા સાથે કંઇક એવું જ થયું છે.
મૂવી રિવ્યુ: પટાખા ટૂંકી વાર્તાને ખેંચવામાં દમદાર પર્ફોમન્સ વેડફાયું

મુફદ્દલ કપાસી/ અમદાવાદ : દંગલની દમદાર અદાકારા સાન્યા મલ્હોત્રા, બોલિવૂડ હજુ જેની બરાબર કદર નથી કરી શક્યું એવો જબરદસ્ત અભિનેતા વિજય રાઝ. કોમિકમાં જેની સેન્સ અને ટાઇમિંગ વર્તમાન સમયમાં સૌથી શ્રેષ્ઠ માની શકાય એવો સૂનિલ ગ્રોવર, નવોદિતા પણ ગજબનો આત્મવિશ્વાસ ધરાવતી રાધિકા મદન અને આ બધા પર ગ્રામીણ અને જમીનથી જોડાયેલી વાર્તા કહેવાનો માસ્ટર સ્ટોરી ટેલર વિશાલ ભારદ્વાજ. ઘણીવાર કાસ્ટ અને ક્રૂ એટલું મજબૂત હોય કે તમે આંખ બંધ કરીને એ મૂવી જોવા દોટ લગાવો. પણ એક મૂવી તો તમામ પાસા પર ખરી ત્યારે જ ઉતરે છે જ્યારે તેની સાથે જોડાયેલાં સર્વસ્વ પોતાનું શ્રેષ્ઠ આપે. અને એવું ન થાય તો જે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય તેને જ ભોગવવું પડે છે, પટાખા સાથે કંઇક એવું જ થયું છે.

ડિરેક્ટર-પ્રોડ્યુસર વિશાલ ભારદ્વાજનું એક નિવેદન ખુબ જાણીતું છે. તેમનુ કહેવું છે કે તેમની કોઇપણ મૂવી આજ સુધી બોક્સઓફિસ પર નાણાં કમાઇ શકી નથી. ડિરેક્ટરે ઘણીવાર કેટલાંક આકરા નિર્ણય લેવા પડતાં હોય છે. જેમ કે એક રચયિતા પોતે રચેલી રચનાને પોતાનું સંતાન માનતો હોય છે. અને ઘણા સંજોગોમાં તેમાંથી તે કાપકૂપ કરવાનું માંડી વાળે છે. બહુ લાંબા ગાળે એકાદ ફિલ્મ એડિટ કરતાં એડિટર એ.શ્રીકર પ્રસાદ અહિંયા કાતર જ ભૂલી ગયા છે. કેમ કે કેટલાંક દ્રશ્યો તો તમને સાવ કારણ વિનાના લંબાયેલા કે કાપકૂપ વગર રૉ જ મૂકી દેવાયેલાં હોય એવું લાગશે. વિશાલ ભારદ્વાજની સ્ટાઇલ જ જો કે ઘણાખરા અંશે રૉ છે. માન્યું કે વિશાલ ભારદ્વાજ દરેક દ્રશ્યને હંમેશા વિસ્તારથી જ દર્શાવે છે. પણ ક્યાંક તો એને પોતાને પણ એ રિપીટેટિવ લાગવું જોઇતુ હતું. લંબાઇ ઓછામાં ઓછી 30 મિનિટ ઘટાડી શકાઇ હોત. સૌથી મહત્વની વાત રાજસ્થાનના વાર્તાકાર ચરણસિંઘ પથિકની ટૂંકી વાર્તા 'દો બહેને' પરથી આ મૂવી તૈયાર થઇ છે! મતલબ સ્ક્રીન પ્લે લખવામાં ભારદ્વાજ વધુ ભાવૂક થઇ ગયાં છે.

બે બહેનો જે નાનપણથી એટલી ઝઘડે છે કે ઝઘડ્યાં વિના બન્નેનો દિવસ પૂરો થતો નથી. બાકી રહી ગયું હોય તો ચુગલીખોર ડીપર એટલે કે સૂનિલ ગ્રોવર પણ એ વાતનું ધ્યાન રાખે છે કે ઝઘડ્યાં વિના બન્નેનો દિવસ પૂરો ન થાય! બન્ને દિકરીઓ પર ખુબ વ્હાલ ધરાવતો પિતા(વિજય રાઝ) દિકરીઓ માટે જ બીજા લગ્ન નથી કરતો. બન્ને બહેનોનું એવું છે કે ઝઘડ્યાં વગર પણ ન ચાલે અને કદાચ બન્નેને એકમેક પ્રત્યે લાગણી પણ છે જે ઝઘડાને લીધે દર્શાવી નથી શકતી. જો કે સંજોગો એવા સર્જાય છે કે ઝઘડાથી દૂર જવા ઇચ્છતી બન્ને પોતપોતાના લગ્ન થઇ જાય એવું ઇચ્છે છે પણ ભાગીને લગ્ન કર્યા બાદ ખબર પડે છે કે બન્નેના પતિ તો સગા ભાઇ છે!

ટ્રેઇલર પરથી જ જે સ્પષ્ટ હતું તે પ્રમાણે દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા અહી પણ દમદાર છે. વધુ એક મૂવીમાં સાન્યાને ખુબ 'કૂશ્તી' કરવાની આવી છે. તો એટલી જ લાજવાબ છે રાધિકા મદન. સિચુએશનલ કોમિક ઉપરાંત કેટલાં સંવાદો પણ વિશાલ ભારદ્વાજ સ્ટાઇલમાં હસાવે છે. સૂનિલ ગ્રોવર જેટલો સમય સ્ક્રીન પર રહે છે સતત હસાવે છે. વિજય રાઝ અગેઇન ઇમ્પ્રેસિવ છે. બાકીના બધાએ પણ પોતપોતાના કેરેક્ટર બરાબર નિભાવ્યાં છે. કેટલાંક દ્રશ્યો ક્રિસ્પી ફ્રેશ છે. તો અમૂક દ્રશ્યો સાવ બોરિંગ. છતાં એકંદરે વાર્તા ફ્રેશ છે.

ડિરેક્ટરે બે બહેનોની વાર્તા કહેવા ઉપરાંત બન્નેને ભારત-પાકિસ્તાન જેવી દર્શાવીને મૂવીમાં કેટલીક પરિસ્થિતિ પણ ભારત-પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ સાથે મેળ ખાતી હોય તે પ્રકારે દર્શાવી છે. ઝઘડો, અબોલા, જૂદા થઇ જવું જેવા ઘટનાક્રમ જાણે કે ઉપમા અલંકારમાં કહેવાયા હોય. ક્લાઇમેક્સ પણ વળી એ વાતની પુષ્ટિ કરે છે કે રાઇટર-ડિરેક્ટર વિશાલ ભારદ્વાજના દિમાગમાં છૂટકીને બડકીની સાથે પેરેલલ ભારત-પાકિસ્તાન પણ ચાલ્યાં કરતું હશે! ઓવરઓલ ફ્રેશ વાર્તા સાથે દમદાર પર્ફોર્મન્સ જોવા ઇચ્છતા હોવ તો મૂવીને વન્સ ટ્રાય મારી શકો. પણ કેટલાંક દ્રશ્યો કંટાળો લાવે તો થોડી સહનશક્તિ પણ રાખવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news