ચંબલની ઘાટીમાં દબાયેલાં ચિત્કારના ડૂમાની લાંબી લચ્ચક કહાની છે સોનચિડીયા !
ચંબલના વેરાન રણ જેવા ઉજ્જડ વનની કરાડો અને કોતરોમાં ઇમરજન્સીના કાળની તત્કાલીન વર્ણવ્યવસ્થાની યાતનાઓ અને સંઘર્ષની આ ગાથાંમાં સ્ક્રીન પ્લે તો મજબૂત લખાયો છે
Trending Photos
- Film: SONCHIRIYA
- Rating: 6/10
મુફદ્દલ કપાસી/અમદાવાદ : રાક્ષસી સામંતવાદ અને ઉચ નીચના અસહ્ય ભેદભાવના શિકાર થઇને બંદુક ઉઠાવવી અને બહારવટે જવું. ચંબલની વિશ્વવિખ્યાત ઘાટીઓમાં ડકેતી કરતાં ડાકુઓનો જન્મ આ જ પ્રકારની પરિસ્થિતિઓના આધારે થયો એવું કહેવાય છે. બહારવટિયા બનતા આવા ડાકુઓના મૂળમાં બળવો રહેલો છે. આ બળવાથી માંડીને સ્વમાન, બદલો, ક્રોધ, લાલસા, ઘૃણા, વિશ્વાસઘાત, મજબૂરી, પૂર્વગ્રહ, શોષણ, પીડા વિષાદ અને સંઘર્ષ આ તમામ ભાવને એકસામટા દર્શાવતી પ્રલંબ નાટ્યાત્મક કથા એટલે સોનચિડીયા. પરદા પરની વાર્તામાં ઘોંઘાટ છે (લાઉડ પણ લાજવાબ બેકગ્રાઉન્ડ સ્કોર) પણ સમગ્રતયા એક કરતાં વધુ પાત્રોમાં એક દેખીતો ડૂમો ભરાયેલો છે. ચીસ પાડતું મૌન ! ડિરેક્ટર અભિષેક ચૌબેની નજરને અનુજ ધવનના કસબથી (મેસ્મેરાઇઝિંગ કેમરા વર્ક) પરદે ઉતારાઇ છે અને એ કેમ માસ્ટર ક્લાસ છે એ પહેલાં જ દ્રશ્યથી સ્પષ્ટ થઇ જાય છે. આરંભથી અંત સુધી સતત એક આર્ટ તમને બાંધી રાખે છે અને એ છે અનુજ ધવનની સિનેમેટોગ્રાફી. જો કે સંપૂર્ણપણે એક મૂવી તરીકે કેવી છે સોનચિડીયા. આવો જોઇએ !
પહેલા પેરાનો જ્યાંથી અંત થયો ત્યાંથી જ શરૂ કરીએ. ડિરેક્ટર પોતાની વાતને પરદા પર જે રીતથી રજૂ કરવા માગે છે અથવા તો ડિરેક્ટરની સમજ જેટલી છે. તેને પણ ઘણીવાર આઉટસ્માર્ટ કરી દે તેવી ફ્રેમમાં એ દ્રશ્યોને કેમરામાં આબાદ ઝીલી લે તેનું નામ એક ઢાંસુ સિનેમેટોગ્રાફર. અહીં અનુજ ધવન આખીય વાર્તાના પ્રવાહને પોતાની બાહોશ નજરથી સ્ક્રીન પર ઉતારવામાં સફળ રહ્યાં છે. વજનદાર કાસ્ટ હોવાને લીધે કોણ કોનાથી ચઢિયાતું સાબિત થાય છે તે જોવા માટે એક એકને બારીકીથી અવલોકવા પડે. મધ્યપ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં બોલાતી બોલી જ અહીં દરેક પાત્ર બોલતું હોવાથી થોડું ધ્યાનથી સાંભળો ત્યારે જ સંવાદો સમજાય એવું છે. ડાકુ માનસિંઘના પાત્રમાં મનોજ બાજપાઇ જ્યાં સુધી સ્ક્રીન પર છે. પોતાની છાપ છોડે છે. ડાકુ માનસિંઘની કમાનવાળી ડાકુ ટોળકી તેમને ઠાર મારવા ફરતાં ઇન્સપેક્ટર ગુજ્જરસિંઘથી ભાગી રહી હોય છે ત્યારે ઇન્દુમતી નામની મહિલા એક બાળકી સાથે (જેની સાથે દુષ્કર્મ થયું છે) તેને બચાવવા ડાકુ ટોળકીની મદદ માગે છે. આ મહિલાને શોધતો તેનો પોતાનો જ વેરી પરિવાર અને પોલીસ બંનેથી હવે આ ડાકુ ટોળકીને બચવાનું છે પણ તેનાથી મોટું ટાસ્ક છે મોત સામે ઝઝૂમતી દુષ્કર્મ પીડિત
ચંબલના વેરાન રણ જેવા ઉજ્જડ વનની કરાડો અને કોતરોમાં ઇમરજન્સીના કાળની તત્કાલીન વર્ણવ્યવસ્થાની યાતનાઓ અને સંઘર્ષની આ ગાથાંમાં સ્ક્રીન પ્લે તો મજબૂત લખાયો છે. પણ વધુ પડતી ડિટેઇલમાં દરેક વાત કહેવા જતાં વાર્તા હદ વગરની લાંબી લાગે છે. મતલબ કે લગભગ અઢી કલાક સુધી લંબાવી શકાય એટલી કથાવસ્તુ તો નથી જ. ડિરેક્ટર કેટલાંક ઠેકાણે વધુ પડતાં સ્પેસિફીક થવા જાય છે. જો કે દરેક દ્રશ્યની વાર્તા સાથે જરૂરિયાત છે જ પણ દ્રશ્યો જેટલાં લાંબા ખેંચાયા છે એ ટૂંકા હોત તો અને વાર્તાને બે જ કલાકમાં સમેટી લીધી હોત તો નબળી કડી બની જતી લંબાઇને ખાળી શકાઇ હોત. વેલ જે આ વાર્તાને પચાવી શકવાનું ધૈર્ય રાખતા હશે તેના માટે પછી લંબાઇ અડચણરૂપ નહી રહે. જો કે તેમ છતાં સ્માર્ટલી એડિટને બદલે કેટલાંક સ્થળે દ્રશ્યોને ડિરેક્ટરે દર્શકો પર છોડવા માટે જ પૂરતી લંબાઇના રાખ્યાં છે. ક્યાંક તમને લાગે કે ડિરેક્ટર અહીં બિલકૂલ નોન-કોમર્શિયલ એથિક્સ અપનાવી રહ્યાં છે. દાખલા તરીકે એક જગ્યાએ વાર્તાનું એક પાત્ર પોલીસ પાસે આત્મસમર્પણ કર્યાં બાદ સજા કાપીને પછી ઉંટ પર બેસીને ખેતી કરવાનું સ્વપ્ન ધરાવે છે. એની વાતને યાદ કરીને બીજું એક પાત્ર એક સ્થળે બેસીને પોતાની જાતને ઉંટ પર બેસીને જતી જુએ છે. દરેક પાત્રની અંદરની બાજુએ ઝાંખીનો પ્રયાસ થયો છે. ગનફાઇટના કેટલાંક દ્રશ્યો પણ બેહદ લાંબા છે.
દેખીતી રીતે સ્ક્રીન પર જે ચાલે છે તેની આસપાસ પણ કેટલાંક પડળો છે. લેયર્સ છે. વાર્તાના પાત્રને ઉપમાની જેમ રજૂ કરાયું છે. સોનચિડીયા નામ કેમ છે એ પણ ડિરેક્ટર આગળ જતાં દર્શાવે છે. તત્કાલીન વર્ણ વ્યવસ્થા, ઇમરજન્સીનો સમય એટલે રાજકીય સ્થિતિ, સ્ત્રીની તત્કાલીન સ્થિતિ દર્શાવવા એક સંવાદ જ પૂરતો છે! એક સ્ત્રી પાત્ર બીજીને કહે છે કે આ ઠાકુર, ગુજ્જર, દલિત આ બધી જાતિઓ તો પુરુષજાત માટે છે સ્ત્રીની તો કોઇ જાતિ નથી એ તો આ તમામ જાતિઓથી પણ નીચે છે ! આ સિવાયના કેટલાંક અસરકારક સંવાદો પણ છે. એક ડાકુ બીજાને કહે છે સરકારી ગોળીઓથી કોઇ મર્યું છે, મરે છે તો આ નેતાઓના વાયદાથી, ભાઇઓ, બહેનો.., A રેટિંગ હોવા છતાં પણ ડિરેક્ટરે એક દ્રશ્યમાં માસુમોની હત્યાને સ્ક્રીન પર સીધી દર્શાવવાને બદલે બહુ સિફતપૂર્વક પ્રતિકાત્મક રીતે રજૂ કરી છે. વાર્તાના બીજા હાફમાં એક બહુજાણીતું પાત્ર પણ એન્ટ્રી મારે છે. જેને એક અદાકારાએ સરસ નિભાવ્યું છે. સુશાંતસિંહ રાજપૂત લાખનના પાત્રમાં બરાબર ઢળ્યો છે. એટલું જ સારું કામ છે ટેલેન્ટેડ રણવીર શૌરીનું.
ભૂમિ પેડનેકર પણ પોતાનું ઓછા સંવાદો ધરાવતું પાત્ર બરાબર નિભાવી ગઇ છે. ઇન્સપેક્ટર ગુજ્જરના પાત્રમાં આશુતોષ રાણા સૌથી વધુ અસરકારક છે. બદલાની ભાવના ધરાવતું તેમનું પાત્ર આંખોમાંથી જ નફરતની આગ વહાવે છે.
ગયા સપ્તાહે ક્રિટિક્સના હાથે પૂરી રીતે ધોવાયેલી પણ બૉક્સઓફિસ પર 'ધમાલ' મચાવતી મૂવી આ પ્રકારનો 'ટોટલ' વિરોધાભાસ રહેવાનો જ તેવું પોકારીને કહે છે. અહી પણ એવું જ થવાનું છે. પણ વિપરિત રીતે ! સતત દુષ્કર બનતા જઇ રહેલાં જીવનમાં તમે સપ્તાહના અંતે તમને તમારી દૂનિયાથી બહાર લઇ જતું મનોરંજન જોવા ઇચ્છો તો અહી તમે ટોટલ રોંગ છો. હા મજબૂત અભિનય અને સુપર્બ કેમરા વર્ક, વાર્તાને અનુરૂપ બેકગ્રાઉન્ડ સ્કોર સાથે એક પીરિયડ સિનેમેટિક ડ્રામા જોવાની ઇચ્છા હોય અને અગાઉ કહ્યું એમ પૂરતું ધૈર્ય હોય તો માત્ર એમના માટે જ આ મૂવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે