અલ્લુ અર્જુન માટે આવ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે આપ્યા જામીન, મૃતક મહિલાનો પતિ પણ કેસ પરત લેવા તૈયાર
Allu Arjun Arrest News: પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી પરંતુ હવે આ કેસમાં અભિનેતાને જામીન મળી ગયા છે.
Trending Photos
હૈદરાબાદઃ અભિનેતા અલ્લુ અર્જુનના ફેન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. અલ્લુ અર્જુનને હાઈકોર્ટે જામીન આપી દીધા છે. આ પહેલા નિચલી અદાલતે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. પરંતુ તેલંગણા હાઈકોર્ટે પુષ્પા ફેમ અભિનેતાને વચગાળાના જામીન આપ્યા છે.
સનસની ફેલાવવા માટે ધરપકડ
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો કે એક્ટરની ધરપકડ માત્ર સનસની ફેલાવવા માટે થઈ છે. જ્યારે તેની જરૂર નહોતી. સુનાવણીમાં જજે પૂછ્યું કે શું અભિનેતા વિરુદ્ધ BNS ની કલમ 105(B) અને 108 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. શું તે આ ઘટના માટે જવાબદાર છે? તેના પર સરકારી વકીલે કહ્યું કે અલ્લુ અર્જુન એક્ટર જરૂર છે, પરંતુ તે હવે આરોપી છે. માત્ર તેમની હાજરીને કારણે થિએટરમાં ભાગદોડ થઈ, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી.
મહિલાનો પતિ કેસ પરત લેવા તૈયાર
ભાગદોડમાં મૃત્યુ પામેલા મહિલાના પતિનું કહેવું છે કે તે કેસ પરત લેવા તૈયાર છે. રેવતીના પતિ અને તેના પરિવારનું કહેવું છે કે તે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ પરત લેવાનો વિચાર કરી રહ્યાં છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારને 25 લાખની મદદ કરવાની જાહેરાત પણ અભિનેતાએ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે મહિલાનો પરિવાર કેસ પરત લેવાનું વિચારી રહ્યો છે.
સંધ્યા થિયેટર કેસમાં થઈ હતી ધરપકડ
પુષ્પા 2ના અભિનેતા અલ્લુ અર્જૂનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની ધરપકડ થઈ હતી. અત્રે જણાવવાનું કે 4 ડિસેમ્બરના રોજ પુષ્પા 2 ફિલ્મની રિલીઝની પૂર્વ સંધ્યા પર સંધ્યા થિયેટરમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન થયું હતું. અહીં એડવાન્સ ટિકિટ ખરીદીને લોકો ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા. કોઈને ખબર નહતી કે અલ્લુ અર્જૂન પણ આવવાના છે. પરંતુ અલ્લુ અર્જૂનની ટીમ અચાનક પહોંચી ગઈ. જેવો તે થિયેટરમાં પહોંચ્યો કે તેના પ્રશંસકો મોટી સંખ્યામાં તેને જોવા માટે ઉમટી પડ્યા જેના કારણે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. જેના કારણે અલ્લુ અર્જૂન અને અન્ય પર અપરાધિક બેદરકારીનો આરોપ લાગ્યો.
અલ્લુ અર્જૂને વ્યક્ત કર્યું હતું દુ:ખ
આ અગાઉ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂને મહિલાના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. બુધવારે રાતે 9.30 વાગે પુષ્પા 2 ધ રૂલના પ્રીમીયર વખતે એમ રેવતી નામની મહિલાનું ભાગદોડમાં મોત થયું હતું. અલ્લુ અર્જૂને એક્સ પર ઘટનાનો ઉલ્લેખ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. અભિનેતાએ લખ્યું કે સંધ્યા થિયેટરમાં થયેલી દુ:ખદ ઘટનાથી ખુબ દુ:ખી છું. આ કપરા સમયમાં પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. હું તેમને ખાતરી અપાવવા માંગુ છું કે તેઓ આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ. શોક મનાવવા માટે તેમની જરૂરિયાતનું સન્માન કરતા હું આ કપરી મુસાફરીમાંથી પસાર થવામાં તેમની દરેક શક્ય મદદ કરવા માટે પ્રતિબદ્ધ છું.
25 લાખ રૂપિયા આપવાનું વચન
અલ્લુ અર્જૂને મૃત મહિલાના પરિજનોને આશ્વાસન આપ્યું કે તેઓ હંમેશા તેમના માટે હાજર રહેશે. અભિનેતાએ પરિવારને સદભાવના તરીકે 25 લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે