#Throwback : કપૂર પરિવારની 'ટેક્સી'એ  બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી કરિયર

40 વર્ષ સુધી બોલિવૂડ પર રાજ કરનાર સુપરસ્ટારનો આજે બર્થ-ડે છે

#Throwback : કપૂર પરિવારની 'ટેક્સી'એ  બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી કરિયર

નવી દિલ્હી : હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કપૂર પરિવારના સંતાન અને દિગ્ગજ કલાકાર શશી કપૂરની આજે 81મી જન્મજયંતિ છે. તેમણે 79 વર્ષની વયે લાંબી બીમારી પછી 2017માં અંતિમ શ્વાસ લીધા હતા. શશીનો જન્મ 18 માર્ચ, 1938ના દિવસે કોલકાતામાં થયો હતો અને તેમનું બાળપણનું નામ બલબીર રાજ કપૂર હતું. 

સાલ 1957માં શશી કપૂર બ્રિટિશ નાટક કંપની 'શેક્સપિયરના' સાથે જોડાયા. આ કંપની ભારતમાં નાટકો કરવા આવી હતી. આ જ કંપનીના માલિકની પુત્રી અને તેના કરતા ત્રણ વર્ષ મોટી જેનિફર કેન્ડલ સાથે શશી કપૂરને પ્રેમ થઇ ગયો અને ત્યારબાદ બંનેએ લગ્ન પણ કરી લીધાં. એક સમયે શશી કપૂરે એકસાથે 150 ફિલ્મો સાઈન કરી લીધી હતી. આ તમામ ફિલ્મોનું શૂટિંગ કરવા શશી કપૂર દિવસમાં ત્રણથી ચાર જુદી જુદી જગ્યાએ જતા. શશીના મોટા ભાઈ રાજ કપૂરે પણ આ વિષે તેમની મજાક કરતા શશીને 'ટેક્સી'નું ઉપનામ આપ્યું હતું.

શશી કપૂરે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે 1948માં રિલીઝ થયેલી રાજ કપૂરની ફિલ્મ આગથી કરી હતી. યશ ચોપરાએ શશી કપૂરને હીરો તરીકે પહેલવહેલો ચાન્સ આપ્યો અને 1961માં શશી કપૂરની હીરો તરીકે પહેલી ફિલ્મ રિલીઝ થઇ 'ધર્મ પુત્ર'! આ ફિલ્મતો ફ્લોપ ગઈ જ પરંતુ ત્યારબાદ શશી કપૂરે લગાતાર ઘણી ફ્લોપ ફિલ્મો આપી. છેવટે 1965માં આવેલી 'જબ જબ ફૂલ ખીલે' ની સફળતાએ શશી કપૂરને રાતોરાત સ્ટાર બનાવી દીધા. આ ફિલ્મ હીટ જવાને લીધે શશી કપૂરની ઈમેજ રોમેન્ટિક હીરોની પડી ગઈ જે તેમની કરિયરના અંત સુધી તેમની સાથે વળગી રહી.

શશી કપૂરે પોતાની 40 વર્ષ લાંબી કરિયરમાં 160 ફિલ્મોમાં કામ કર્યું જેમાં 148 હિન્દી અને 12 અંગ્રેજી ફિલ્મો શામેલ છે. શશી અને જેનિફરના ત્રણ સંતાનો કુણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર છે. સંજના હાલમાં પિતાની પૃથ્વી થિયેટરની પરંપરાને સંભાળીને આગળ વધારી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news