HBD Anil Kapoor: 64 વર્ષે પણ યંગ દેખાય છે અનિલ કપૂર, જાણો આ કલાકારના કેટલાક અવનવા કિસ્સા

કોઈએ કહ્યા મિસ્ટર ઇન્ડિયા તો કોઈએ કહ્યા નાયક. બેટા ફિલ્મથી દર્શકોના બન્યા લાડલા. કુછ ના કહો કહીને પણ દર્શકોને ઘણું બધી કહી ગયા. વારસામાં મળેલી વિરાસતને બખૂબીથી નિભાવી અને 40 વર્ષથી કામ કરી રહેલા અનિલ કપૂર આજે પણ કહે છે હમારા દિલ આપકે પાસ હૈ. આ છે રામ લખનના લખન એટલે કે અનિલ કપૂરની રોમાંચક કારકિર્દીની કહાની...

HBD Anil Kapoor: 64 વર્ષે પણ યંગ દેખાય છે અનિલ કપૂર, જાણો આ કલાકારના કેટલાક અવનવા કિસ્સા

ક્રિતિકા જૈન/ અમદાવાદ: યંગસ્ટર્સને પણ શરમાવે તેવી ઉર્જા અને સ્ફુર્તિનો ભંડાર  અને 'જક્કાસ' ડાયલોગથી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલા અભિનેતા અનિલ કપૂર 64 વર્ષના થયા. અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956ના મુંબઈના ચેમ્બૂરમાં થયો હતો. અનિલ કપૂર ફિલ્મ પ્રોડ્યુસર સુરિંદર કપૂર અને નિર્મલા કપૂરના પુત્ર છે. અનિલ કપૂરે તેની જળહળતી કારકિર્દીમાં સદાબહાર ફિલ્મો આપી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને લગભગ 40 વર્ષ થઈ ગયા છે.

જોકે તેમણે 12 વર્ષની ઉંમરે એક ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. સૌથી પહેલા તેમણે ફિલ્મ તૂ પાયલ ઔર મે ગીતમાં શશી કપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂરે ઘરેથી ભાગીને કામ કર્યુ હતુ પરંતુ આ ફિલ્મ રિલીઝ ન થઈ. ત્યારબાદ અનિલે વર્ષ 1979માં ફિલ્મ હમારે તુમ્હારેમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી આ ફિલ્મમાં તેમણે એક નાનો રોલ કર્યો હતો.

અનિલ કપુરે 'મશાલ', 'વો સાત દિન', 'મેરી જંગ', 'મિસ્ટર ઇન્ડીયા', 'બેટા', 'રામ લખન', 'પરિંદા', 'તેજાબ', 'વિરાસત', 'નાયક', 'વેલકમ', 'દિલ ધડકને દો' જેવી હિટ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા. માત્ર ફિલ્મો જ નહી પરંતુ વેબ સિરિઝ અને ટીવી શોમાં પણ અનિલ કપૂરે ઉમદા કામ કર્યું છે. શ્રીદેવી, જૂહી ચાવલા, માધુરી દીક્ષિત, એશ્વર્યા રાય, રાની મુખર્જી, મનિષા કોઈરાલા, રેખા, પ્રિયંકા ચોપડા, દીપિકા પદુકોણ જેવી ટોચની અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે. હવે અનિલ કપૂર ન માત્ર અભિનેતા છે પરંતુ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરે છે.

અનિલ કપૂરને ઓસ્કાર અને નેશનલ એવોર્ડ સિવાય ઘણા બીજા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં તેમણે કન્નડ, તેલુગુ, મલયાલમ, પંજાબી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કર્યુ હતુ. 1988માં રિલીઝ થયેલી ફિલ્મ તેજાબ માટે ફિલ્મફેયરમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. સ્લમડોગ મિલેનિયર માટે તેમનું ઓસ્કાર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. પુકાર, ગાંધી માય ફાધર ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મેળવ્યો.અનિલે લીડ એક્ટર તરીકે પોતાની પ્રથમ ડેબ્યુ ફિલ્મ 1980માં તેલુગુ સિનેમામાં કરી હતી. 'વો સાત દિન' ફિલ્મથી અનિલ કપૂરે મુખ્ય અભિનેતા તરીકે હિન્દી ફિલ્મમાં કારકિર્દીની શરૂઆત કરી. અનુપમ ખેર, ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ અનિલ કપૂરના ખાસ મિત્રો છે. 

અનિલ કપૂરના જીવનના કેટલાક એવા કિસ્સા જે હસાવશે, રડાવશે અને ઈન્સપાયર પણ કરશે.

1. જ્યારે મિત્રોએ અનિલ કપૂરને લગ્ન કરવાની કહીં ના
80થી 90ના દાયકામાં કુંવારા હિરો કે હિરોઈનનો ક્રેઝ વધારે હતો. જે અભિનેતા કે અભિનેત્રીના લગ્ન થઈ જતા તેમની માગ ફિલ્મ લાઈનમાં ઓછી થઈ જતી. લોકોમાં પણ તેમનો ક્રેઝ ઓછો થઈ જતો હતો. તેથી અનિલ કપૂરના મિત્રોએ તેમને કરિયરની શરૂઆતમાં જ લગ્ન ન કરવા કહ્યું હતું. અને કહ્યું કે, લગ્ન કરી લઈશ તો ફિલ્મો નહી મળે અને લોકો પણ તારી ફિલ્મો જોવાનું પસંદ નહી કરે. પરંતુ એક મોટી ફિલ્મ મેરી જંગ મળતા જ અનિલ કપૂરએ લગ્ન કરી લીધા. જોકે અનિલ કપૂરે લગ્ન કરી લેતા કરિયરને કોઈ નુકસાન ન થયું પણ લગ્નની સકારાત્મક અસર થઈ અને ફિલ્મી કરિયરની ગાડી પાટે ચડી.

2. મેરી જંગ ફિલ્મનું અનિલ કપૂરના લગ્ન સાથે ખાસ કનેક્શન 
સુનિતા અને અનિલ કપૂર પહેલા મિત્ર હતા અને પછીથી રિલેશનશીપમાં આવ્યા. બંનેના રિલેશનને લાંબો સમય થઈ જતા સુનિતાના પરિવારજનો લગ્ન કરાવવા ઈચ્છતા હતા. પરંતુ અનિલ કપૂર પાસે પૈસા ન હતા. જ્યાં સુધી કમાણી શરૂ ન થાય ત્યાં સુધી અનિલ લગ્ન કરવા માંગતા ન હતા. સાથે જ સુનિતાએ લગ્ન પછી કિચનમાં કામ કરવાની ના પાડી હતી એટલે ઘરમાં નોકર-ચાકર રાખી શકાય એટલી કમાણી કર્યા પછી જ અનિલ કપૂર લગ્ન કરવા માંગતા હતા એટલે જ મેરી જંગ ફિલ્મ સાઈન કર્યાને બીજા દિવસે જ અનિલ કપૂરે સુનિતા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. તેમણે સુનિતાને ક્હ્યું કે, કાલે આપણા લગ્ન છે. જો કાલે નહી તો ક્યારેય નહી. અને આખરે બંનેએ બીજા દિવસે જ માત્ર પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધા.

3. એવું તો શું થયું કે જેકી શ્રોફે અનિલ કપુરને ઝીંક્યા 25 લાફા?
ફિલ્મ પરિંદામાં જેકી શ્રોફ અને અનિલ કપૂર બંને ભાઇ બન્યા હતા. આ ફિલ્મના સીનમાં જૈકી શ્રોફે અનિલના ગાલ પર થપ્પડ મારવાની હતી. પહેલાં શોટમાં સીન ઓકે થઇ ગયો હતો. પરંતુ અનિલ કપૂર આ સીનમાં સંતુષ્ટ ન હતા. તેમણે પોતાના ચહેરા પર વધુ દર્દ બતાવવું હતું. તેમણે આ સીનને ફરીથી કર્યો, ત્યારે પણ અનિલ કપૂર સંતુષ્ટ ન હતા. આમ કરતાં-કરતાં જેકી શ્રોફે અનિલ કપૂરને 25 થપ્પડ માર્યા હતા.

4.અનિલ કપૂરે કેવી રીતે જ્હોન અબ્રાહમને મોતનાં મુખમાંથી બચાવ્યા?
વાત જાણે એમ હતી કે, શૂટ આઉટ એટ વડાલા ફિલ્મનાં શૂટિંગ વખતે એક સીનમાં અનિલ કપૂરે જ્હોન ને ગોળી મારવાની હતી. ફિલ્મોમાં વપરાતી બંદૂકની ગોળી નકલી હોય છે જેથી કલાકારોને નુકસાન ન પહોંચે. આ શૂટિંગમાં પણ આવું જ હતું. અનિલ કપૂરે 1.5 ફૂટના અંતરેથી જ્હોન પર બંદૂક તાકી અને ગોળી ચલાવી. પણ એ ગોળીની સ્પીડ એટલી વધારે હતી કે જ્હોન ને ઇજા થઈ. જો અનિલ કપૂરે ખોટું નિશાન ના તાક્યું હોત તો કદાચ જ્હોનના ગળાને વીંધીને ગોળી નીકળી જાત અને જીવ પણ ન બચ્યો હોત. જ્હોન ની એવી હાલત થઈ કે તેને સંભળાવવા નું બંધ થઈ ગયું. તેના ગાળાના ભાગે ઇજા થઇ. બંને એક્ટર વચ્ચેનું અંતર કેટલું રાખવું તે ગણવામાં ભૂલ થઈ એટલે આ ઘટના બની. 

5. સુભાષ ઘાઈની ફિલ્મમાં કામ મેળવવા માટે આકાશ-પાતાળ એક કર્યુ...
સુભાષ ઘાઈ ક્રોધી ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે અનિલ સ્ટુડિયોમાં જઈને ફિલ્મના સેટ પર ફરતા જેથી એકવાર સુભાષ ઘાઈ તેમને જોઈ લે અને કઈંક કામ મળી જાય. લક્ષ્મીકાંત પ્યારેલાલના ઘરે સુભાષ ઘાઈ ખુબ આવતા હતા. એટલે અનિલ કપુરે લક્ષ્મીકાંત પ્યારેલાલના સ્ટાફમાં એક ઓળખાણ કાઢી હતી તેમ છતાં અનિલ કપુરને કામ ન મળ્યું. અને આખરે ખુબ મહેનત પછી અનિલ કપુરને સુભાષ ઘાઈની ફિલ્મ મેરી જંગમાં કામ મળ્યું. જાવેદ અખ્તરે અનિલ કપુરની મશાલ ફિલ્મ જોઈ સુભાષ ઘાઈને ભલામણ કરી હતી. મેરી જંગમાં કામ કર્યા બાદ અનિલ કપુરે સુભાષ ઘાઈ સાથે વધુ 5 ફિલ્મોમાં કામ કર્યું.

6. અનિલ કપુરે અને ગાયક?
અનિલ કપુરે છોટે ઈક્બાલ પાસેથી સેમિક્લાસિક્લ સંગીતનું જ્ઞાન મેળવ્યું હતું. પરંતુ ફિલ્મોમાં અભિનય કારકિર્દીને કારણે રિઆઝ કરવાનું છોડી દીધુ હતું. તેમણે અનિલ કપુરે ફિલ્મોમાં અભિનય કરવાની સાથે ગીત પણ ગાયુ છે. 'ચમેલી કી શાદી', 'હમારા દિલ આપકે પાસ હૈ', 'વો સાત દિન' ફિલ્મમાં અનિલ કપૂરે ગીત ગાયું છે. જોકે અનિલ કપૂરે ખુદના અવાજમાં એક આલ્બમ પણ બહાર પાડ્યું હતુ. 

7. અમિતાભ બચ્ચનની કઈ સલાહ બની ગેમ ચેન્જર?
અનિલ કપૂર અમિતાભ બચ્ચન, દિલિપ કુમારના ફેન રહ્યા છે. તે સમયે ઘણા કલાકારો થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લેતા હતા. ત્યારે અનિલ કપુર પણ આ ટ્રેન્ડને ફોલો કરવા ફિલ્મી કરિયરમાં બ્રેક લેવાની તૈયારી કરી રહ્યા હતા. અને તેમણે આ બાબતે અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મના સેટ પર વાતચીત કરી. પરંતુ અમિતાભ બચ્ચને બ્રેક લેવાની ભૂલ ન કરવાની અનિલ કપુરને સલાહ આપી. તે પછી 40 વર્ષથી અનિલ કપુરે કરિયરમાં બ્રેક ના લીધો.

8. લખનથી લઇ મજનું ભાઈ સુધી દરેક કિરદારમાં અનિલ કપૂર જક્કાસ
અનિલ કપૂર પોતોના કામ પ્રત્યે ખુબ જ પ્રામાણિક છે અને આ વાતનું ઉદાહરણ ઘણી વખત આપી પણ ચુક્યા છે. એક ફિલ્મ માટે અનિલ કપૂરે છાતી પરના વાળ પણ કઢાવી લીધા હતા. યશ ચોપડાની ફિલ્મ લમ્હે માટે મુછો કઢાવી નાખી હતી. તો અન્ય એક ફિલ્મમાં રોલ માટે મુછો લાંબી પણ કરી હતી અને જરૂર પડી ત્યારે ફિલ્મો માટે વજન પણ ખુબ વધાર્યુ. એ સમયે અનિલ કપૂરની મુછો ટ્રેન્ડમાં આવી હતી તેમ છતાં રોલ માટે થઈને અનિલ કપુરે મૂછો કઢાવી લીધી. જોકે લાંબા કરીયર અને સારી ફિલ્મો માટે અનિલ કપૂર કોઈપણ રિસ્ક લેવા તૈયાર થઈ જતા. અનિલ કપૂરના રોલ માટેના અખતરાથી મિત્રો પણ નારાજ થયા હતા અને ઘણા બધો લોકોએ નેગેટિવ કમેન્ટ્સ પણ આપ્યા હતા. 

9. અનિલ કપૂરના યંગ દેખાવામાં શું છે રાઝ?
અનિલ કપૂરે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, જવાનીના સમયમાં ઘરે પાર્ટી હોય ત્યારે પણ જો ઊંઘ આવે તો વિચાર્યા વગર રૂમમાં જઈને સૂઈ જતો.  મોડી રાત સુધી જરૂરિયાત વગર ક્યારેય ઉજાગરા નથી કર્યા. સિગરેટ કે દારૂ પીવાની ટેવ પણ નહોતી. મે મારા કરિયરની શરૂઆતમાં બોરિંગ લાઈફ જીવી છે એટલે જ હું અત્યારે પણ યંગ છું.

અનિલ કપૂરની ન જાણેલી વાતો
1. કોન્ફિડેન્સ મેળવવા ખુદને જ અરીસમાં જોઈને કરે છે ખુદની જ પ્રશંસા. મિત્રો પણ તેમના કોન્ફિડેન્સથી પ્રશંસા કરતા નથી થાકતા.
2. શક્તિ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના દિકરાનો રોલ ભજવ્યો હતો.
3. ફિલ્મી કરિયની શરૂઆત નિષ્ફળતાથી થઈ તેમ છતાં ક્યારેય હાર ન માની. પૂણે ફિલ્મ ઈન્સ્ટિટ્યુટની પરીક્ષામાં ફેલ થયા હતા. જીવનમાં નિષ્ફળતાનો સામનો કર્યા પછી સફળતાનો સ્વાદ ચાખ્યો તેનો અનિલ કપુરને ગર્વ છે.
4. જવાનીના સમયમાં પણ ઈશ્વર ફિલ્મમાં દાદાજીનો રોલ કર્યો હતો.
5. ગુડ લિસનર હોવાથી બધા પાસેથી કઈંકને કઈંક શીખતા જ રહે છે. 
6. દિલ ધડકને દો ફિલ્મ પુત્ર હર્ષવર્ધનના કહેવા પર કરી હતી.
7. કોમેડી ફિલ્મો કરનાર અનિલ કપૂર સેટ પર રહે છે ગંભીર
8. સુનિલ દત્તના કપડા પહેરીને અનિલ કપૂર લગ્ન કે પાર્ટીમાં જતા રહેતા
9.  પરંપરા ફિલ્મ ન કરવા બદલ યશ ચોપડા નારાજ થયા હતા.
10. કિસ્મતને બોનસ અને મહેનતને જ સફળતાનો મંત્ર માને છે અનિલ કપૂર
11. અનિલ કપૂરે બદલાવને જીવનનો નિયમ અને મહેનતને મંત્ર બનાવ્યો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news