Rakesh Jhunjhunwala death: કોણ છે રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ? પિતાએ કેમ ન આપ્યા રોકાણ માટે રુપિયા?

Rakesh Jhunjhunwala passes away​: રાકેશ ઝુનઝુનવાલાએ કોલેજકાળથી જ શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હતું. શેરબજારમાં રુચિ હોવાથી પાંચ હજાર રૂપિયાથી રોકાણ શરૂ કર્યું. રાધાકિશન દમાણીને ઝુનઝુનવાલા શેરબજારમાં પોતાના ગુરુ માનતા હતા.

Rakesh Jhunjhunwala death: કોણ છે રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ? પિતાએ કેમ ન આપ્યા રોકાણ માટે રુપિયા?

અભિષેક જૈન, અમદાવાદ: ભારતના વોરન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા હવે દુનિયામાં નથી રહ્યા, જો કે શેરબજારના ઈતિહાસમાં તેમનું નામ અમર થઈ ગયું છે. વોરન બફેટ જે રીતે એક શેરની ખરીદીથી શરૂઆત કરીને દુનિયાના સૌથી મોટા રોકાણકાર બન્યા, તેવો જ કિસ્સો રાકેશ ઝુનઝુનવાલાનો પણ છે. માત્ર પાંચ હજાર રૂપિયાથી શેર બજારમાં રોકાણની શરૂઆત કરનાર ઝુનઝુનવાલાએ 35 વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાની જંગી નેટવર્થ ઉભી કરી દીધી.

કોણ છે ઝુનઝુનવાલાના ગુરુ?
જોકે, એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે, રાકેશ ઝુનઝુનવાલા ભારતના જ એક મોટા ઈનવેસ્ટરને પોતાના ગુરુ માને છે. આ ઈનવેસ્ટરનું નામ છે રાધાકિશન દમાણી, જેઓ ઈનવેસ્ટર ઉપરાંત રિટેઈલ સ્ટોર શ્રૃંખલા ડી-માર્ટના માલિક છે. શિષ્ય અને ગુરુ વચ્ચે ફરક એટલો છે કે દમાણી એકદમ લો પ્રોફાઈલ વ્યક્તિ છે. ગૂગલ પર સર્ચ કરશો તો તેમની માંડ એકાદ જ ઈમેજ જોવા મળશે. તેઓ જાહેરમાં ભાગ્યે જ જોવા મળે છે. તો આ તરફ રાકેશ ઝુનઝુનવાલા હાઈ પ્રોફાઈલ વ્યક્તિત્વ હતું. દમાણીને તેમના પિતા પાસેથી શેરબ્રોકરની કામગીરી વારસામાં મળી હતી, જો કે તેઓ આગળ જતાં રોકાણકાર બની ગયા. તો આ તરફ ઝુનઝુનવાલા કોલેજ કાળથી જ શેર માર્કેટના ટ્રેડર અને રોકાણકાર હતા. 

(રાધાકિશન દમાણી, જેમને રાકેશ ઝુનઝુનવાલા પોતાના ગુરુ માને છે)

ઝુનઝુનવાલા અટક કેવી રીતે પડી?
મૂળ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના રહેવાસી હોવાથી તેમની અટક ઝુનઝુનવાલા હતી. પિતા ઈન્કમ ટેક્સ કમિશનર હોવાથી રાકેશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો, જો કે તેમની રુચી કોલેજકાળથી જ શેરબજારમાં હતી એટલે શેરબજારમાં ટ્રેડિંગ અને રોકાણ શરૂ કરી દીધું.

પિતાએ શેરબજારની સમજ આપી, પૈસા ન આપ્યા
રાકેશ ઝુનઝુનવાલાને શેરબજારની સમજ તેમના પિતાએ જ આપી, જો કે તેમણે તેમને શેરબજારમાં રોકવા પૈસા ક્યારે ન આપ્યા, આટલું જ નહીં તેમણે પુત્રને મિત્રો પાસેથી પૈસા ઉધાર લેવાની પણ ના પાડી. આમ કરવા પાછળ પિતાનો હેતુ પુત્રને રોકાણનું મહત્વ સમજાવવાનું હતું. જેના પગલે રાકેશે કોલેજ કાળની શરૂઆતથી જ બચત કરીને શેરબજારમાં રોકાણ શરૂ કર્યું. 1985 માં પાંચ હજાર રૂપિયાની શરૂઆતી મૂડી સાથે શરૂ કરેલું રોકાણ આજે 40 હજાર કરોડ રૂપિયાની નેટવર્થ સુધી પહોંચ્યું છે. અનેક મોટી કંપનીમાં તેઓ મોટા શેરહોલ્ડર છે. રોકાણની આવકમાંથી તેમણે મોટું સામ્રાજ્ય ઉભુ કર્યું. જે દેખાડે છે કે રાકેશ ઝુનઝુનવાલા શેરબજારના કેટલા મોટા ખેલાડી હતા. 

ગત 7 ઓગસ્ટે જ તેમણે આકાસા એરલાઈન લોન્ચ કરી હતી. જેમાં તેમની હિસ્સેદારી 45.97 ટકા હતી. થોડા સમય પહેલા તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા, આ મુલાકાત દરમિયાનની તસવીર વાયરલ થઈ હતી. 

રોકાણકારોના માર્ગદર્શક
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો પર સામાન્ય રોકાણકારથી લઈને મોટા સંસ્થાગત રોકાણારોની નજર રહેતી, કેમ કે ઝુનઝુનવાલાની પસંદગીના શેર રોકાણકારોને સારું એવું વળતર અપાવતા. આ જ કારણ છે કે તેઓ શેરબજારના બિગ બુલ બની ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news