ઓર્ગેનિક ખેતીથી કેરી પકવતા ખેતરોમાં જોવા મળ્યો જાદુ, માવઠામાં એક પણ કેરી ન ખરી!
Organic Farming : ગુજરાતના કેરી પકવતા ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, કમોસમી વરસાદને કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું, તો ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતઓની કેરી માવઠાના વાતાવરણ સામે ટકી રહી
Trending Photos
Gujarat Farmers નિલેશ જોશી/વાપી : વલસાડ જિલ્લામાં કેરીની સીઝનની શરૂઆત થઈ રહી છે. જોકે અત્યારે જિલ્લામાં કેરીના ઉત્પાદનને લઈ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જિલ્લાના મોટાભાગની વાડીઓમાં કેરીનું ઓછું ઉત્પાદન દેખાઈ રહ્યું છે. જો કે હજુ સીઝનની પૂરી શરૂઆત નથી થઈ રહી. આથી ખેડૂતો પણ દ્વિધામાં છે. આ વર્ષે ખેડૂતોને ઓછા ઉત્પાદનને કારણે ખોટ સહન કરવાનો વારો આવી શકે છે. જિલ્લામાં આ વર્ષે શું પરિસ્થિતિ સર્જાઈ છે.
કેરીનું ઓછું ઉત્પાદન
વલસાડ જિલ્લાને વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. જિલ્લાના જિલ્લામાં 30 થી 35 હજાર હેક્ટરમાં કેરીનો પાક લેવાય છે. વલસાડની આફૂસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે. સાથે જ વલસાડી કેસરનો સ્વાદ પણ સ્વાદ રસિકોને ઘેલું લગાડે છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે. અને સીઝનમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં કેરીનું ઓછું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જોકે જિલ્લામાં હજુ કેરીની સીઝન પૂરી શરૂ નથી થઈ. પરંતુ આ વર્ષે વાડીયોમાં કેરીના ઓછા ઉત્પાદનને લઈ ખેડૂતો ચિંતામાં છે.
કમોસમી માવઠું નડી ગયું
છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણ માં આવતા અચાનક પલટાને કારણે અને કેરીના પાકને અનુકૂળ વાતાવરણ નહીં સર્જાતા ઉત્પાદન ઓછું આવે છે. ક્યારેક કમોસમી વરસાદ અને પાકને પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકમાં નુકસાન જાય છે. જોકે આ વર્ષે શરૂઆતથી જ કેરીના પાકને અનુકૂળ ઠંડી નહીં પડી હોવાથી મોટાભાગની વાડીઓમાં ઓછા મોર આવ્યા હતા. પરિણામે ઉત્પાદન પણ ઓછું છે. આથી ખેડૂતો મુશ્કેલીમાં હોવાનું જણાવી રહ્યા છે.
વાડીઓના પ્રદેશમાં આ વર્ષે તમામ વિસ્તારોમાં કેરીનું ઓછું જ ઉત્પાદન છે તેવું પણ નથી. કેટલાક પ્રગતિશીલ ખેડૂતોની વાડીઓમાં આ વર્ષે મબલક પાક જોવા મળી રહ્યો છે. જે ખેડૂતોએ પાકની વ્યવસ્થિત માવજત કરી છે. અને ઓર્ગેનિક ખેતીથી કેરીનો પાક લઈ રહ્યા છે. તેવી વાડીઓમાં નજારો અલગ છે. વલસાડના ઉમરગામના બીલીયાના પ્રગતિશીલ ખેડૂત એવા રાજેશભાઈની વાડીમાં મબલક પાક જોવા મળી રહ્યો છે. ઉમરગામના કેટલાક વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ મહારાષ્ટ્રના રત્નાગીરી અને રાયગઢ જેવી હોવાથી આ વિસ્તારોમાં કેરીનો પાક વહેલો આવે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. રાજેશભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે આથી જિલ્લાના અન્ય ખેડૂતોની સરખામણીમાં તેમની વાડીમાં આ વખતે પ્રમાણમાં સારો પાક છે. આથી આજુબાજુના ખેડૂતો પણ અહીંથી પ્રેરણા લઈ પોતાની વાડીમાં પણ ઓર્ગેનિક પદ્ધતિથી કેરીનો પાક લેવાની પ્રેરણા લે છે.
આમ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ સુધી કેરીની સીઝન શરૂ થઈ નથી. જો કે અત્યારે કેરીના કેસર કેરીના 200 રૂપિયા કિલોનો ભાવ ચાલી રહ્યો છે. આથી આ વખતે ઓછું ઉત્પાદન અને નુકસાન વેઠી રહેલા ખેડૂતો કેરીનો સારો ભાવ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. જિલ્લામાં કેરીના પાકમાં ખેડૂતોમાં કહિ ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે