દીપડાના ડર વચ્ચે રાતના અંધારામાં નવસારીના ખેડૂતો કરી રહ્યા છે આ કામ, સરકાર પણ નથી કરી રહી મદદ

Gujarat Farmers : દીપડા અને જંગલી ભૂંડની દહેશત વચ્ચે રાત્રિના અંધારામાં ખેતરમાં પાણી છોડવા જવા મજબૂર નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતો... સવારે વીજ પુરવઠો આપવાની ખેડૂતોની સરકાર સામે માંગ 

દીપડાના ડર વચ્ચે રાતના અંધારામાં નવસારીના ખેડૂતો કરી રહ્યા છે આ કામ, સરકાર પણ નથી કરી રહી મદદ

Navsari News ધવલ પારેખ/નવસારી : કડકડતી ઠંડીમાં રાત્રીના અંધારામાં ખેતરમાં પાણી છોડવા જવાનું ખેડૂતો માટે ખતરાથી ઓછું નથી. ત્યારે નવસારીના પૂર્વ પટ્ટીના 40 થી વધુ ગામડાઓમાં મળસ્કે અને રાત્રી દરમિયાન પાવર મળતા ખેડૂતે દીપડા અને જંગલી ભૂંડના ડર સાથે જીવના જોખમે ખેતરમાં પાણી વાળવા જવું પડે છે. જેથી ઠંડીમાં રાત્રીના અંધારાને બદલે દિવસમાં વીજ પુરવઠો મળે એવી માંગ નવસારીના ખેડૂતોમાં ઉઠી છે.

મુસીબતો સામે ઝઝૂમતા નવસારીના ખેડૂતો 
વિકાસની ગાથા લખતા ગુજરાતમાં ખેડૂતને કુદરતી આફતો સાથે માનવીય સમસ્યાઓથી પણ ઝઝૂમવું પડે છે. ખાસ કરીને ખેડૂતોને રાત્રી દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવતા તેમણે રાત્રીના અંધારામાં ખેતરમાં પાણી છોડવા જવા પડે છે. વર્ષોની માંગણી બાદ નવસારી જિલ્લાના ઘણા વિસ્તારોમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો મળતો થયો છે. પરંતુ નવસારી તાલુકાના સિંગોદ અને બુટલાવ ફીડર અંતર્ગત આવતા સદલાવ, નવા તળાવ, ટોળી, અંબાડા સહિતના 40 થી વધુ ગામડાઓમાં અઠવાડિયાના રોટેશનમાં વીજ પુરવઠો આપવમાં આવે છે. જેમાં એક અઠવાડિયું મળસ્કે 4 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને બીજા અઠવાડિયે બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના સમયમાં વીજ પુરવઠો આપવામાં આવે છે. પરંતુ શિયાળામાં ટૂંકા દિવસોમાં ખેડુતોની મુશ્કેલી વધી જાય છે. કારણ સાંજે વહેલું અંધારું થાય છે અને સવારે અજવાળું મોડું થાય છે. જેને કારણે કડકડતી ઠંડીમાં ખેડૂતે ઘણીવાર મોડી સાંજના અંધારામાં અથવા મળસ્કે પણ અંધારામાં જીવના જોખમે ખેતરમાં જઈને પાણી છોડવા પડે છે. 

નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં મુખ્યત્વે શેરડી અને ડાંગરનો પાક થાય છે. જેમાં ડાંગરમાં સતત પાણીની જરૂર પડે છે. જ્યારે શેરડીમાં અઠવાડિયા કે પખવાડિયે પાણી છોડવા પડે છે. બીજું લીલીના ફૂલની ખેતીમાં પણ પાણી જરૂરી થઈ જાય છે. જેથી દિવસના સમયે વીજ પુરવઠો મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. 

ખેડૂતો સ્વબચાવ માટે ઓજાર પાસે રાખે છે 
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં શેરડીના ખેતર માફક આવતા દીપડાઓની વસતી વધી છે. જેની સાથે જંગલી ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે. રાત્રિના સમયે જંગલી ભૂંડના ટોળેટોળાં ખેતરોમાંથી પસાર થાય છે અને ખેતરોમાં મોટુ નુકશાન કરતા હોય છે. ત્યારે રાત્રે અંધારામાં ખેતરમાં પાણી છોડવા જતા ખેડૂત સાથે ધારિયા, કોયતા, દાતરડું, કુલ્હાડી જેવા ઓજારો સ્વ બચાવ માટે રાખે છે. સાથે જ થાળી અને તેને વગાડવા માટે કોઈ સાધન પણ સાથે રાખે છે. ખેતરે પહોંચતા જ શેઢા પર ચાલતી વખતે થાળી વગાડતા અને સ્વ બચાવ માટે લાવેલા ખેત ઓજારો સાથે રાખીને સ્વીચ બોર્ડ સુધી પહોંચે છે. 

અનેક રજૂઆતો છતા ઉકેલ નથી 
જ્યારે રાત્રીના અંધારામાં ખેડૂત એકલો નહીં, પણ પોતાની સાથે મજૂર કે મિત્રને સાથે રાખવા પણ મજબૂર બન્યો છે. કારણ દીપડા કે ભૂંડ હુમલો ન કરી પાડે. ખેડૂતોએ નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ અને વર્તમાન ધારાસભ્ય રાકેશ દેસાઈને પણ દિવસે વીજ પુરવઠો મળે એ માટે રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જેથી અન્ય વિસ્તારોમાં મળતા સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીના સમયગાળામાં ખેતી માટે વીજ પુરવઠો મળે એવી આશા સેવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news