છપ્પર ફાડકે કમાણી કરાવતી ખેતી! આ છોડ એકવાર વાવો એટલે 25 વર્ષ સુધી કમાણી કરાવશે

Agriculture News : ભાવનગર નજીકના વિસ્તારોમાં લાલ, સફેદ જમરૂખનું ભરપૂર ઉત્પાદન... અહીંના ખેડૂતો 1 થી 10 હેક્ટરમાં જમરૂખની ખેતી કરી રહ્યા છે... એક વખત જમરૂખનું વાવેતર 25 વર્ષ સુધી આર્થિક સમૃદ્ધિ કરાવે છે... એક વિધા દીઠ 35 થી 40 હજાર રૂ.કરતા વધુની આવક ખેડૂત કરી રહ્યો છે... હજુ આ વિસ્તારમાં મીઠું પાણી મળે તો ફળોમાં સાઈઝ, મીઠાશ અને ઉત્પાદન વધી શકે છે

છપ્પર ફાડકે કમાણી કરાવતી ખેતી! આ છોડ એકવાર વાવો એટલે 25 વર્ષ સુધી કમાણી કરાવશે

Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લો લાલ અને સફેદ જમરૂખ માટે જાણીતો છે. ભાવનગર તાલુકાના ઊંડવી, નેસડા, કરદેજ, ભોજપરા સહિતના અનેક ગામોમાં સેંકડો ખેડૂતોએ પોતાના ખેતરમાં 1 હેક્ટરથી લઈને 10 હેક્ટર સુધીમાં જમરૂખની ખેતી કરી રહ્યાં છે. એક વિધામાં જમરૂખનું વાવેતર ખેડૂતને 35000 રૂપિયા કરતા વધુની આવક કરાવે છે. અન્ય પાકોના વાવેતરના બદલે ખેડૂતો બાગાયતી પાકમાં ઓછી મહેનતે વધુ આવક મેળવતા થયા છે.

ભાવનગર જિલ્લાના ભાવનગર, વલ્લભીપુર અને સિહોર તાલુકાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ભાવનગરથી વલભીપુર કે ભાવનગરથી રાજકોટ રોડ પર વાહન લઈને નીકળો એટલે રસ્તા પર આવતી વાડીઓ નજીક મોટી સંખ્યામાં ખેડૂતો લાલ અને સફેદ જમરૂખનું વેચાણ કરતા નજરે પડે છે. હાલ જમરૂખની સીઝન હોય રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો લાલ ચટક જમરૂખનો ટેસ્ટ માણવા ઊભા રહી જાય છે. ભાવનગર જિલ્લાના ખેડૂતો ઓર્ગેનિક બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને જમરૂખ, દાડમ, લીંબુ જેવા બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે. 

જમરુખ વાવ્યા બાદ ક્યારે કમાણી કરાવે છે 
જમરૂખની ખેતીનો અંદાજ માંડીએ તો, જમરૂખના છોડના વાવેતર બાદ 3 વર્ષમાં જમરૂખની આવક શરૂ થઈ જાય છે, અને 5માં વર્ષે વૃક્ષ ઘટાદાર અને પુષ્કળ ફળ આપતું થઈ જાય છે. એક જમરૂખનું ઝાડ ખેડૂતને સરેરાશ 1000 થી 1500 રૂ.ની આવક કરાવે છે. જેથી 1 હેકટર થી લઈને 10 હેકટર સુધીમાં જમરૂખની ખેતી કરતા ખેડૂતોને અન્ય ખેતી પાક કરતા ઓછી મહેનત મજૂરી કરવી પડે છે અને વીધા દીઠ 35 થી 40 હજાર રૂ.કરતા વધુ આવક પણ મળી જાય છે. 

ઓર્ગેનિક ફાર્મિંગથી મીઠા બન્યા જમરુખ
અહીંના ખેડૂતો હવે જમરૂખની ખેતીમાં પણ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરતા હોય ફળોમાં ભરપૂર મીઠાશ જોવા મળી રહી છે. જો કે આ વિસ્તારમાં નર્મદાની નહેર કે મીઠા પાણીની સવલત ન હોય હજુપણ ઓછું ઉત્પાદન થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અહીં તળનું પાણી મોળું હોવાથી ફળોની સાઈઝ નાની પાકે છે. પરંતુ જો મીઠું પાણી પ્રાપ્ત થાય તો ફળોની સાઈઝ પણ મોટી થઈ શકે અને હજુ વધુ જમરૂખનો ઉતારો આવી શકે એમ ખેડૂતો જણાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news