રવી પાકના વાવાણી સમયે ખેડૂતો સાથે મોટી છેતરપીંડી, નકલી ખાતર વેચનારા સોદાગરો પકડાયા

Fake Seeds Cheating With Farmers : ગીર સોમનાથના મીતિયાજ ગામના ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર વેચનારા સોદાગરો દબોચાયા, નવાબંદર પોલીસ મથક દ્વારા ચારની ધરપકડ કરાઈ
 

રવી પાકના વાવાણી સમયે ખેડૂતો સાથે મોટી છેતરપીંડી, નકલી ખાતર વેચનારા સોદાગરો પકડાયા

Gir Somnath News : ચોમાસું આવતા જ રવિ પાકના વાવણીનો સમય થઈ ગયો છે. વાવણી માટે બિયારણ અને ખાતર બહુ જ મહત્વનું હોય છે. જો બંનેમાં સહેજ પણ ગરબડ નીકળે તો ખેડૂતોની આખી સીઝન ફેલ જાય. ઉપરથી ખેડૂતને મહેનત માથે પડે અને નુકસાની ભોગવવી પડે છે. ગીર સોમનાથના મિતિયાજ ગામમાં નકલી DAP ખાતરનું કૌભાંડ સામે આવ્યું. આ મામલે તપાસ કરતાં ઉનાના તડ ગામમાં ખાનગી એગ્રો ચલાવતાં પરેશ લાખનોત્રા નામના શખ્સનું નામ સામે આવ્યું હતું. તેણે આ નકલી ડીએપી ખાતર મિતિયાજ ગામના ખેડૂતોને પધરાવ્યું હતું. આ અંગે ખેડૂતોને જાણ થતાં કિસાન એકતા સમિતિએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસની તપાસમાં આ સમગ્ર નકલી ડીએપી ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો. આખરે આ મામલે નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસે નકલી ડીએપી ખાતરના 4 સોદાગરોની ધરપકડ કરી છે. સાથે જ આ મામલામાં કોની-કોની સંડોવણી છે તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.

પોલીસમાં ડુપ્લીકેટ ખાતર મામલે ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે તડ ગામે પરેશ પૂજા લાખનોત્રા જે એગ્રો ચલાવે છે, તેની પાસે લાયસન્સ નથી. પોલીસે આગળ તપાસ હાથ ધરી તો વધુ એક નામ ખુલ્યું. જૂનાગઢનો મૂળરાજ ઉર્ફે મૂળું નારણ ચાવડા, જે ક્રોપ્સ ફર્ટિલાઈઝર નામની કંપનીમાં કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. તે કંપનીમાંથી ડુપ્લીકેટ ખાતર લાવી તડ એગ્રો સુધી પહોંચાડવાનું કામ કરતો હતો. 

પોલીસે આગળ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, મહેસાણામાં આવેલી ક્રોપ્સ ફર્ટિલાઈઝર કંપનીએ ડુપ્લીકેટ ડીએપી ખાતર બનાવ્યુ હતું. આ કંપની મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ જેમાં એન પી કે.બાયો પોટાશ.અને પ્રોમ વગેરે પ્રોડક્ટ બનાવવાનું લાયસન્સ ધરાવે છે. જોકે આ કંપનીએ ડુપ્લીકેટ ડીએપી ખાતર થેલી બનાવી માર્કેટમાં ખેડૂતોને વેચ્યું હતું. 

પોલીસે હાલ તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તડ ગામના એગ્રો ચંચલાક પરેશ પૂજા તેમજ જૂનાગઢનો મૂળરાજ ચાવડા અને ક્રોપ્સ ફર્ટિલાઈઝરના મુખ્ય સંચાલક ભાર્ગવ કૃષ્ણકાંત રામનુજ, જે અમદાવાદનો છે, જ્યારે ડિરેક્ટર નંદ કિશોર ઉર્ફે નંદુ બાબુલાલ (અમદાવાદ) નો છે, તમામની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. 

કપાસના બિયારણ ખરીદતા સમયે આ બાબતનુ ખાસ ધ્યાન રાખો 
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત તા. 19 મી જૂનથી ચોમાસું સીઝન શરૂ થઈ શકે છે. ખેતી નિયામકની કચેરીની માર્ગદર્શિકા મુજબ કપાસ પાકના આગોતરું વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.

વેપારીને પૂછો આ પ્રશ્નો 
વધુમાં જણાવ્યાનુસાર, બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવુ જેથી સંભવિત જોખમ નિવારી શકાય.

બિયારણમાં કંઈક અજીબ લાગે તો સરકારનો સંપર્ક કરો 
આ ઉપરાંત ખેતી નિયામકની કચેરી દ્વારા બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા અનુરોધ કરવામાં આવ્યું છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીકના જિલ્લા ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવો, તેમ ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news